1 June 2019

9 જર્જરિત બિલ્ડિંગ ભયજનક, 5 વર્ષથી પાલિકાની માત્ર નોટિસ


નવસારી શહેરમાં સાધારણ જર્જરિત તો એક બિલ્ડિંગ છે પરંતુ 'વધુ જર્જરિત' હોય તેવી પણ 9 જેટલી બિલ્ડિંગો ઉભી છે. આ બિલ્ડિંગોને નોટીસ તો અપાય છે પરંતુ ભયમુક્ત કરવા ઉતારી પાડવામાં યા શક્ય હોય તો મરામત કરાવવામાં પાલિકા સફળ થઈ નથી અને સામા ચોમાસાએ આ બિલ્ડિંગોમાં હોનારત સર્જાય તેવી શક્યતા છે.

નવસારી શહેરમાં કેટલીક બિલ્ડિંગો વધુ જર્જરિત છે. કેટલીક આવી બિલ્ડિંગોને ઉતારી પાડવામાં પાલિકા સફળ થઈ છે પરંતુ હજુ અંદાજે 9 જેટલી બિલ્ડિંગો ઉતારી શકાઈ નથી યા ભયમુક્ત કરી શકાઈ નથી. આવી બિલ્ડિંગોને નવસારી પાલિકા દર વરસે ભયમુક્ત કરવા નોટીસ તો આપે છે પરંતુ તેનાથી આગળ પગલાં લેવામાં સફળ થઈ નથી. આમાંની મહત્તમ બિલ્ડિંગો 50 વર્ષ યા એક બે તો 75 વર્ષથી વધુ જૂની છે. આવી જ એક વધુ જર્જરિત બિલ્ડિંગ ટાપરવાડના મુસ્લિમ પરિવારની હતી, જેનો કેટલોક ભાગ 10-15 દિવસ અગાઉ જ ધરાશાયી થયો હતો પરંતુ કોઈ હાનિ થઈ ન હતી. આ બિલ્ડિંગ જોકે હવે ધ્વંસ્ત કરાયું છે.

મહત્તમમાં મકાનમાલિક-કબજેદારની તકરાર : જે વધુ જર્જરિત બિલ્ડિંગો છે. તેમાં મહત્તમમાં ભાડુઆતો રહે છે. આ બિલ્ડિંગોના કબજા, ભાડા તથા અન્ય બાબતોએ મકાનમાલિક સાથે 'તકરાર' ચાલે છે. આ તકરારને લઈ મકાનમાલિક યા કબજેદાર (ભાડુઆત) સમયાંતરે બિલ્ડિંગને રીપેરિંગ ન કરતા ભયમુક્ત કરી શકાઈ નથી.

પાંચ ભયમુક્ત કરાઈ : નવસારી પાલિકાએ છેલ્લા એક-દોઢ વર્ષમાં પાંચેક વધુ જર્જરિત બિલ્ડિંગ સમજાવટથી ભયમુક્ત કરી હોવાનું જાણવા મળી છે, જેમાં મદ્રેસા સ્કૂલની સામે, જલાલપોર વિસ્તારમાં સ્ટર્લિંગ અને એક રાજપૂત મહોલ્લા નજીક, તરોટા વિસ્તારમાં રાણા પરિવારની અને ટાપરવાડની બિલ્ડિંગનો સમાવેશ થાય છે.

સીધી વાત - દશરથસિંહ ગોહિલ, , સીઓ, નવસારી પાલિકા
સ. : વધુ જર્જરિત મિલકતો સામે નોટીસથી આગળ શું કાર્યવાહી ?
જ. : વધુ જર્જરિત બિલ્ડિંગ ઉતારી પણ શકાય છે.
સ. : શહેરમાં બિલ્ડિંગો ઉતારી છે ખરી ?
જ. : ત્રણેક બિલ્ડિંગો થોડા જ સમયમાં ઉતારવામાં સફળતા મળી છે.
સ. : હજુ 9 જેટલી આવી બિલ્ડિંગો છે તેનું કરાશે ?
જ. : કોર્ટ મેટર છે, તેમાં મુશ્કેલી છે. અન્યને 'ભયમુક્ત' કરાવી શકાય છે.
સ. : શું પગલાં લઈ શકાય ?
જ. : પ્રથમ નોટીસ, ત્યારબાદ જાહેર નોટીસ અને બાદમાં પોલીસની મદદ લઈ શકાય છે, જે કરાશે.
સ. : જો રહેનાર જ બિલ્ડિંગ છોડવા તૈયાર ન હોય તો ?
જ. : તો પણ બિલ્ડિંગો 'ભયમુક્ત' કરવી જ પડે, કારણ કે માણસની જિંદગીથી વધુ કંઈ નથી.

જર્જરિત બિલ્ડિંગો
  • બોદાલીયા (ચારપુલ) 50 વર્ષ જૂનુ, 5 વર્ષથી નોટિસ 
  • ગાંધી બિલ્ડિંગ (જલાલપોર) 50 વર્ષ જૂનુ, 3 વર્ષથી નોટિસ 
  • રાણા બિલ્ડિંગ 30 વર્ષ જૂનું, 4 વર્ષથી નોટિસ 
  • જીતુ નિવાસ (જલાલપોર) 30 વર્ષ જૂનું, 2 વર્ષથી નોટિસ 
  • કાપડીયા ચાલ (ગોલવાડ) 50 વર્ષ, 5 વર્ષથી નોટિસ 
  • નગીન જીવણ ચાલ (સ્ટેશન)50 વર્ષ જૂનું, 5 વર્ષથી નોટિસ 
  • ફનીબંદા બિલ્ડિંગ, 50 વર્ષ, 3 વર્ષથી નોટિસ 
  • છીબુ મેન્શન (ગોલવાડ) 50 વર્ષ જૂનું, 5 વર્ષથી નોટિસ 
  • બોદાલીયા (ડેપો) 50 વર્ષથી વધુ જૂનું, 3 વર્ષથી નોટિસ