3 June 2019

કલાકારે વડાપ્રધાનનું પોર્ટ્રેઇટ ચાના ઉપયોગથી બનાવ્યું


વિજલપોરના સરસ્વતિનગર ખાતે રહેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રશંસક અને આર્ટીસ્ટ એ વડાપ્રધાનનાં વિજયની યાદગીરીરૂપે ચાવાળા વડાપ્રધાનનાં ઉપનામથી જાણીતા નરેન્દ્ર મોદીના પોટ્રેઈટ (વ્યક્તિ ચિત્ર) માત્ર કાળી-દુધવાળી ચાના ઉપયોગથી બનાવ્યું હતું.

વિજલપોરના સરસ્વતિનગર ખાતે રહેતા આર્ટીસ્ટ અને વેબસાઈટ ડિઝાઈનર જીતુભાઈ જાધવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રશંસક છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમત સાથે વિજયી બનેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપવાના હેતુથી વિજલપોરના જાણીતા ચિત્રકાર જીતુ જાધવ દ્વારા ફક્ત ચાના ઉપયોગથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પેઇન્ટિંગ બનાવ્યું છે. તેમણે આ પેઈન્ટીંગ 22 ઇંચ પહોળું અને 26 ઇંચ લાંબુ બનાવ્યું છે. આ પેઇન્ટિંગ બનાવવામાં કોઈપણ કૃત્રિમ રંગનો ઉપયોગ તેમણે કર્યો નથી. તેમણે ફક્ત ચાનો ઉપયોગ કરીને માત્ર 5-6 કલાકમાં નરેન્દ્ર મોદીનું પેઇન્ટિંગ બનાવ્યું છે.

આ ચિત્રમાં તેમણે દૂધવાળી અને દૂધ વિનાની કાળી ચા એમ બે પ્રકારની ચાનો જ ઉપયોગ કર્યો છે. જીતુભાઈએ જણાવ્યું કે ચામાંથી પેઇન્ટિંગ બનાવવાનું કારણ ફક્ત એટલું જ કે કિશોર અવસ્થામાં નરેન્દ્રભાઈ મોદીએ પણ ચાનો વ્યવસાય કર્યો હતો. સર્વસામાન્ય માણસની ચાને વડાપ્રધાને એક અનોખી ઓળખ આપી છે અને વડાપ્રધાનના નામ સાથે ચા નો ઉલ્લેખ થવો જ જોઈએ તેને લઇને આ ચિત્ર બનાવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. જીતુભાઈના ઘરે આ ચિત્રને જોવા લોકો જઈ રહ્યા છે.

5થી 6વાર બ્રશ વડે અંકિત કરવું પડ્યું : ચા વેચનારા તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યાદ કરાતા હોય છે. જેથી તેઓ બીજી વાર વડાપ્રધાન બનતા તેમને શુભેચ્છા આપવા માટે કલર નહીં પણ ચા જેમાં દૂધવાળી અને સાદી ચા (બ્લેક ટી)ના કલર વડે તેમનું પોટ્રેઈટ બનાવ્યું છે. આ કલરથી ચિત્ર ઝાંખુ રહે છે તે માટે 5થી 6વાર બ્રશ વડે આ ચિત્ર અંકિત કરવું પડ્યું છે. આ ચિત્રને હું વડાપ્રધાનને આપવા માંગુ છું અને તે માટે પ્રયત્નો શરુ કર્યા છે. - જીતું જાધવ, આર્ટીસ્ટ, વિજલપોર