5 June 2019

વિજલપોરમાં કચરાની ડમ્પિંગ સાઇટ પર આગમાં ગાય જીવતી ભુંજાઇ


વિજલપોરના રામનગર ડોલી તળાવ પાસે વિજલપોર પાલિકા દ્વારા કચરો નાંખવામાં આવે છે. જે કચરામાં અગાઉ પણ આગ લાગી હોવાના બનાવ બન્યા હતા. મંગળવારે પણ વિજલપોરમાં ડોલી તળાવ પાસે આવેલી કચરાની ડમ્પીંગ સાઇટ પર અચાનક આગ લાગી હતી. જોકે પવનનો જોર વધુ હોવાથી ધીમે ધીમે આગ વધતા સ્થાનિકોમાં અફરા તફરી મચી હતી.

આ ઘટનાની જાણ વિજલપોર પાલિકા અને ફાયર વિભાગને કરી હતી. જેથી પાલિકાના કર્મચારીઓ પહોîચ્યા હતા. પરંતુ ફાયર ફાયટર એક કલાક બાદ ઘટના સ્થળે પહોîચતા વિકરાળ આગને લીધે એક ગાયનું ગુંગળાઇને આગમાં ભુંજાઇ જતા મોત નીપજ્યુ હોવાનું સ્થાનિકોએ જણાવ્યુ હતુ. ફાયર વિભાગના લશ્કરોએ આગ પર પાણીની મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. ડમ્પીંગ સાઇટ પર કચરામાં લાગેલી આગમાંથી ધુમાડો નીકળતા સ્થાનિકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી.

કચરાના લીધે સ્થાનિકોએ ગંદકીનો સામનો કરવો પડી રહયો છે. ગંદકીને લીધે માંદા પડે તેવી સ્થિતિ સર્જાય છે. જેથી પાલિકા આ કચરો નાંખવા માટે અન્ય વ્યવસ્થિત જગ્યા શોધે ક્યાંતો કચરાની આજુબાજુ પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી ઝડપી કરે તેવી માંગ સ્થાનિકોમાં ઉઠી હતી.

અસામાજીકો આગ લગાવી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે છેઃ પાલિકા પ્રમુખ
આગ બાબતે પાલિકાના પ્રમુખ જગદીશ મોડીએ જણાવ્યુ હતુ કે, ડમ્પીંગ સાઇટ પર આગ લાગી હતી. અને પવનોને લીધે વધુ ફેલાઇ હતી. જે સાઇટ પર તપાસ કરતા આ આગ અસામાજીક તત્ત્વોએ લગાવી વિજલપોરની શાંતિ ડહોળવાનો અને લોકોને ઉશ્કેરવા માટેના પ્રયાસ કરી રહયા છે.

પાલિકા પ્રમુખમાં કામ કરવાની આવડત નથીઃ વિપક્ષ નેતા
વિપક્ષ નેતા ગંગાધર શુક્લાએ જણાવ્યું હતું કે, ડોલી તળાવ પાસે કચરામાં ઘણી વાર આગ લાગી છે. જે બાબતે અમે પાલિકાને રજુઆતો પણ કરી હતી. પરંતુ પાલિકાના પ્રમુખમાં કામ કરવાની આવડત જ નથી. તેમજ ડમ્પીંગ સાઇટ પર વોચમેન મુકવાની રજુઆત કરી હતી.