6 June 2019

વિજલપોર શાસક પક્ષના નેતાએ હોદ્દાનો દુરુપયોગ કરી આર્થિક લાભ લીધાનું સાબિત થતાં સભ્ય પદ રદ


વિજલપોરના સંભાજીનગર વિસ્તારમાં રહેતા પ્રકાશ માધવરાવ પાટીલ 2018થી 2023ની ટર્મમાં પાલિકાના ભાજપ પક્ષમાંથી વોર્ડ નં. 3માં કાઉન્સિલરપદે ચૂંટાયા છે. તેઓ હાલ પાલિકામાં શાસક (ભાજપ) પક્ષના નેતાપદે બિરાજે છે. પાટીલ ગત 2013થી 2018ની પાલિકાની ટર્મમાં ભાજપની ટિકિટ ઉપર કાઉન્સિલર પદે ચૂંટાયા હતા.

પ્રકાશ પાટીલ વિરૂદ્ધ પાલિકાના વોર્ડ નં. 9ના કોંગ્રેસના ગંગાધર શુકલાએ ગુજરાત પાલિકા અધિનિયમની કલમ 11 અને 38 હેઠળ અપીલ કલેકટર ડો. મોડીયાની કોર્ટમાં દાખલ કરી હતી. અપીલમાં જણાવ્યું હતું કે પ્રકાશ પાટીલ તા. 5મી માર્ચ 2013થી 4થી માર્ચ 2018ની મુદત દરમિયાન પાલિકામાં વોર્ડ નં. 7 પરથી તથા સને 2018ની પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. 3મા ચૂંટાયા છે. પાટીલે સભ્યપદે ચૂંટાયેલા હોવા છતાં હોદ્દાનો દુરુપયોગ કરી જય સિક્યુરિટી સર્વિસના માલિકના નાતે વિજલપોર પાલિકામાં 'સિક્યુરિટી ગાર્ડ' પુરા પાડવાનો કોન્ટ્રાકટ મેળવ્યો હતો અને કરાર કર્યો હતો.

આ મુદ્દે પાટીલને સભ્યપદેથી ગેરલાયક ઠેરવવાની દાદ કોર્ટમાં મંગાઈ હતી. આ મુદ્દો કલેકટરની કોર્ટમાં ચાલી જતા બંને પક્ષની દલીલો, હકીકતો વગેરે ધ્યાને લઈ કલેકટર ડો. મોડીયાએ હુકમ કર્યો છે, જેમાં ગંગાધર શુકલાની અપીલને ગ્રાહ્ય રાખી વિજલપોરના વોર્ડ નં. 3માંથી ચૂંટાયેલા પ્રકાશ પાટીલને સભ્યપદેથી ગેરલાયક ઠરાવાયા છે.

કલેક્ટરના ચુકાદાનું સન્માન કરૂ છું : ચૂંટાયેલા જનસેવક જો સરકારી લાભ ઉઠાવે તો તે ગેરકાયદે છે. આ બાબતની અરજી જિલ્લા કલેકટર સમક્ષ મારા દ્વારા થઈ હતી અને તે બાબતે જિલ્લા કલેકટરનો સભ્યને ગેરલાયક ઠરાવવાનો જે ચૂકાદો છે તેનો હું સન્માન કરું છું. - ગંગાધર શુકલા, અરજદાર-કાઉન્સિલર, વિજલપોર પાલિકા

ચૂંટાયેલા સભ્ય શું ન કરી શકે?
નગરપાલિકા સભ્ય પાલિકાના હુકમમાંથી કરેલા કોઈ કામમાં અથવા નગરપાલિકા સાથેના કરેલા કોઈ કરારમાં જાતે કે પોતાની ભાગીદારી મારફત પ્રત્યક્ષ રીતે કોઈ ભાગ કે હિત ધરાવતી હોય તે વ્યક્તિ પાલિકાનો સભ્ય થઈ શકે નહીં. વિજલપોર પાલિકાના કિસ્સામાં પ્રકાશ પાટીલે નગરપાલિકામાંથી ટેન્ડર પાસ કરી નાણાંકીય લાભ મેળવ્યાનું પૂરવાર થયું છે.

નગરસેવકો માટે લાલબત્તી સમાન ચૂકાદો : હાલના સમયમાં નગરપાલિકાઓનું બજેટ વરસે કરોડ રૂપિયાનુ હોય છે અને કરોડોના કોન્ટ્રાકટ વિવિધ કામો માટે અપાતા હોય છે. આ સ્થિતિમાં નવસારી કલેકટરનો આ હુકમ પાલિકાના સભ્યપદે હોવા છતાં નાણાંકીય લાભ મેળવવા ઈચ્છનારા નગરસેવકો માટે લાલબત્તી સમાન છે.

હું અપીલમાં જઈશ : મે હજુ ચૂકાદો જોયો નથી પરંતુ જો સભ્યપદેથી ગેરલાયક ઠરાવવાનો ચૂકાદો હશે તો હું ઉપર અપીલમાં જઈશ. - પ્રકાશ પાટીલ, કાઉન્સિલર, વોર્ડ નં. 3 વિજલપોર પાલિકા