7 June 2019

નવસારીના રામજી મંદિર પરિસરની જર્જરિત હાલત સુધારવા મહિલાઓએ પાલિકામાં 'રામધૂન' યોજી


મંદિરમાં વરસાદનું પાણી ગળે છે, એક ભાગ થોડો સમય અગાઉ પડ્યો હતો. આમ છતાં ભગવાન રામના મંદિર અને તેના પરિસરની હાલત ઠીક કરવામાં આવી નથી. જેને લઈને ભક્તો નારાજ થયા છે.

આજે ગુરૂવારે સ્થાનિક જલાલપોરની મહિલાઓનો મોરચો રામજી મંદિર અને તેને લાગુ જર્જરિત મકાન મુદ્દે નવસારી પાલિકા કચેરીએ પહોંચ્યો હતો. 'શ્રી રામ જય રામ, જય જય રામ'ની રામધૂન ગાતી મહિલાઓએ પાલિકા કચેરી ગજવી નાંખી હતી. પાલિકામાં પહોંચી આ મહિલાઓએ પરેશ વેકરીયા, નીતિન માલવિયા સાથે ઈનચાર્જ ચીફ ઓફિસર રાજુ ગુપ્તાને મળી લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી. જલાલપોરના આ સ્થાનિકોએ વર્ષો જૂના આ રામજી મંદિરની જર્જરિત મકાનની હાલત વર્ણવી હતી.

સાથોસાથ મંદિરને લાગુ આવેલા જર્જરિત મકાન અંગે તથા તેમાં રહેનારા લોકોની કાયદેસરતા સામે પણ સવાલ કર્યા હતા. મંદિરને લાગુ જર્જરિત મકાનથી મંદિરમાં આવનારને પણ ભય હોય પાલિકાની નોટીસ છતાં મકાનને ભયરહિત કરાતું ન હોય તાત્કાલિક ભયરહિત કરી કાયદેસરના પગલાંની માંગ કરી હતી.

 મંદિર પરિસરમાં કબજાનો વિવાદ?
રામજી મંદિર જર્જરિત હાલત સુધરે એવું ઘણાં ઈચ્છી રહ્યા છે પરંતુ આ મંદિર અને તેને લાગુ જગ્યા વધુ છે. વધુમાં રોડ ટચ હોવાથી મોંઘેરી પણ છે. આ સ્થિતિમાં કેટલાય લોકો યા સમૂહ પરિસર ઉપર કબજો ઈચ્છી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

સપ્તાહમાં ફંડ આવ્યું પણ...
ગત જાન્યુઆરી માસમાં મંદિર નજીક સપ્તાહનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં થોડુ ફંડ ભેગુ થયું અને વધુ ફંડની જાહેરાત પણ થઈ હતી પરંતુ વાદવિવાદને લઈ મંદિરનો જીર્ણોદ્ધાર કરી શકાયો નથી.

..તો કાયદેસરની કાર્યવાહી કરાશે
જર્જરિત મકાન અંગેની એક નોટીસ આપ્યા બાદ હવે વધુ એક નોટીસ આપીશું. આમ છતાં જો ટ્રસ્ટ યા અન્ય લાગતા વળગતા મકાનને ભયરહિત કરવા પગલાં ન લે તો પાલિકા આગળની કાયદેસરની કાર્યવાહી કરશે. - રાજુ ગુપ્તા, ઈનચાર્જ સીઓ, નવસારી પાલિકા

નવું મંદિર બનાવાશે
જલાલપરોરના રામજી મંદિરમાં મહારાજ રહે છે અને બે ટાઈમ પૂજાપાઠ પણ થાય છે. અમે ચોમાસા બાદ આ મંદિરનું નવુ મકાન બનાવવાનું આયોજન પણ કરી રહ્યા છે. - હરિમોહન તિવારી, ટ્રસ્ટી, ઉત્તર ભારતીય સમાજ ટ્રસ્ટ

તાકીદે મરામતની જરૂર છે
અમે મહિલાઓ રામજી મંદિરમાં ભજન કરવા જઈએ છીએ ત્યારે મકાન ખરા હોવાના કારણે ભય રહે છે. તાકીદે મરામતની જરૂર છે. -  સોનલબેન સંઘાણી, ભક્ત, જલાલપોર