8 June 2019

નવસારીના તલાવડી વિસ્તારમાં ફરી લાઈન તૂટતાં પાણીનાં ટેન્કરો દોડાવાયાં


ખોદાણને લઈને અહીંની પાણીની લાઈન ખુલ્લી થઈ ગઈ હતી. ગતરાત્રે ખોદાણ થયેલી માટી પાણીની ખુલ્લી લાઈન ઉપર પડતા લાઈન તૂટી ગઈ હતી. જેને લઈને વહેલી સવારે પાલિકાનું પાણી જ્યારે સવારે 6 વાગ્યે અપાયું ત્યારે તૂટેલી લાઈનમાંથી પાણી પૂરજોશમાં બહાર આવી ગયું હતું. લાઈન તૂટવાથી તલાવડી વિસ્તારમાં પાણી ન પહોંચતા હોહા મચી હતી. પાણીની બૂમરાણ મચી ગઈ હતી.

લોકોને પાણી પહોંચાડવા પાલિકા તંત્રએ પાણીના બે ટેન્કરો તલાવડી વિસ્તારમાં દોડાવવા પડ્યા હતા. ટેન્કર દ્વારા પાણી અપાતા લોકોને થોડી રાહત થઈ હતી. અહીં ઉલ્લેખનીય છે કે, પાણીની લાઈન તૂટતા અંદાજે 40 હજાર લિટર પાણી ખુલ્લામાં વહી ગયું હતું.

પૂરતી તકેદારી ન રખાય : તલાવડી વિસ્તારમાં જતી પાણીની લાઈન જ્યાંથી પસાર થાય છે ત્યાં બોક્સ ડ્રેઈનનું કામ ચાલે છે. જેને લઈને લાઈન ખુલ્લી થઈ ગઈ હતી. આ ખુલ્લી લાઈનમાં પૂરતી તકેદારી ન રખાતા લાઈન તૂટી ગઈ હતી. 

એક જ જગ્યાએ પુન: પાણીની લાઈન તૂટી : તલાવડી વિસ્તારમાં જતી પાણીની લાઈન એક જ અઠવાડિયામાં બીજી વખત તૂટી હતી. 31મી મેના રોજ પણ પાલિકાની નવી બનતી વરસાદી બોક્સ ડ્રેઈન નજીક જ લાઈન તૂટતા સવારે તલાવડીમાં પાણી પુરવઠો ખોરવાયો હતો.

હવે નવી લાઈન નાંખવામાં આવી : લાઈન તૂટવાથી તલાવડી વિસ્તારમાં પાણી પુરવઠો ખોરવાતા પાણીના ટેન્કરથી પાણી આપવું પડ્યું હતું. જોકે જ્યાં લાઈન તૂટી એ જગ્યાથી થોડે દૂરથી હવે નવી લાઈન નાંખી દેવામાં આવી છે. - પ્રમોદ રાઠોડ, સ્થાનિક કાઉન્સિલર, નવસારી પાલિકા વરસાદી ડ્રેઈનનું કામ

પાણીકાપના સમયે જ લાઈન તૂટતા હાલાકી : નવસારીમાં પાણીકાપ મુકાયો છે અને પાલિકા દરરોજ બે ટાઈમની જગ્યાએ એક જ ટાઈમ પાણી આપી રહી છે. પાણી કાપના સમયે એક યા બીજા કારણે પાણીની લાઈનો તૂટતા પાણીનો બગાડ થાય છે. ગુરૂવારે દરગાહ રોડ વિસ્તારમાં લાઈન તૂટી હતી.