11 June 2019

ક્લાસિસ શરૂ કરવા સંચાલકોનો પાલિકા પર મોરચો


નવસારી શહેરમાં ચાલતા વ્યવસાયી ટ્યૂશન કલાસીસોને શાળાઓ શરૂ થઈ હોવા છતાં પાલિકાના સીઓએ 43 કલાસીસોની અરજમાંથી કોઈને પણ એનઓનસી ન આપતા યા કોઈ નિર્ણય ન લેતા સોમવારે કલાસીસના સંચાલકોનો મોરચો પાલિકા કચેરીએ ગયો હતો. સંચાલકોએ તેમના કલાસીસો જલદીથી શરૂ કરે તેવો નિર્ણય લેવા રજૂઆત કરી હતી.

સુરતમાં તક્ષશિલા એપાર્ટમેન્ટમાં ચાલતા ટ્યૂશન કલાસમાં લાગેલી આગની હોનારતમાં 21થી વધુ વિદ્યાર્થીના મૃત્યુ થતા નવસારી જિલ્લામાં પણ તંત્રએ ટ્યૂશન કલાસીસો માટે ફાયર સેફટીમાં એનઓસી જરૂરી બનાવી હતી. આ એનઓસીની સત્તા રાજ્યકક્ષાએથી પાલિકાના સીઓને અપાઈ હતી. જે અંતર્ગત શહેરમાંથી 43 જેટલા કલાસીસના સંચાલકોએ એનઓસી માટે અરજ કરી હતી.

જોકે સત્તા અપાયાના અનેક દિવસો થયા હોવા છતાં ફાયર સેફટીની એનઓસી અંગે નવસારી પાલિકા દ્વારા કોઈજ નિર્ણય ન લેવાતા તથા આજે 10મીથી શાળાઓ પણ શરૂ થતા ટ્યૂશન સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. આ મુશ્કેલીને લઈ સોમવારે શહેરના વ્યવસાયી ટ્યૂશન સંચાલકો એકસાથે પાલિકા કચેરીએ પહોંચી સીઓ દશરથસિંહ ગોહિલને મળ્યા હતા. સીઓને મળી પોતાની લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી. સંચાલકોએ જણાવ્યું કે, એનઓસી માટેની કેટલીક શરતોમાં સમય જાય એમ હોય બાંહેધરીપત્રક લખી આપવા તૈયારી બતાવી હતી અને તે અંતર્ગત કામચલાઉ એનઓસી આપવાની માગ કરી હતી.

સંચાલકોએ એમ પણ જણાવ્યું કે સ્ટેમ્પ પેપર ઉપર બાંહેધરીપત્રકના આધારે રાજ્યના અન્ય શહેરોમાં કલાસીસોમાં શિક્ષણ કાર્ય શરૂ કરવાની મંજૂરી અપાઈ છે, તેને અનુસરવાની માગ પણ કરી હતી. સંચાલકોએ એનઓસીમાં થતા વિલંબને કારણે સંચાલકો ઉપરાંત વિદ્યાર્થીઓને પણ નુકસાન થઈ રહ્યાનું જણાવ્યું હતું. જોકે સંચાલકોની માગ સામે સીઓ ગોહિલ કોઈ જ નક્કર ખાતરી આપી ન હતી. ટ્યુશન સંચાલકોએ સાંસદ સી.આર.પાટીલની પણ મુલાકાત લીધી હતી.

ક્લાસીસ શરૂ કરવા સંચાલકોની ધીરજ ખૂટી
ફાયર સેફટીની એનઓસી કલાસીસોને મળવામાં વિલંબ થઈ રહ્યો છે અને હજુ વિલંબ થવાની વકી છે ત્યારે પ્રશ્ન એ છે કે નજીકમાં એનઓસી ન અપાય તો શું ? રજૂઆત કરવા આવેલા સંચાલકોમાં શાળા શરૂ થઈ હોય ધીરજ ખુટી ગયાનું જોવાયું હતું. કેટલાક તો તુરંત કલાસીસ શરૂ કરવા મક્કમ જણાતા હતા.

વિજલપોરમાં પણ સીઓને રજૂઆત
નવસારીના ટ્યૂશન સંચાલકોની જેમ વિજલપોરમાં પણ કલાસીસના સંચાલકોએ ત્યાંના સીઓને મળ્યા હતા, ત્યાં 24 કલાસીસની અરજી આવી છે. જ્યાં સીઓએ ધારાધોરણ, કાયદા મુજબ વર્તવાનું જણાવ્યું હતું.

માર્ગદર્શન માંગવામાં આવશે
ફાયર સેફટીની એનઓસી આપવાની ટ્યૂશન સંચાલકોની રજૂઆત આવી છે. ઉચ્ચકક્ષાએથી માર્ગદર્શન માંગવામાં આવશે. - દશરથસિંહ ગોહિલ, ચીફ ઓફિસર, નવસારી પાલિકા

સીઓને ગળે ઘંટડી!
આમ તો ફાયર સેફટીનું એનઓસી આપવાની સત્તા સ્ટેટ ફાયર પ્રિવેન્સીસ સર્વિસની છે પરંતુ તેના નિયામકે સત્તા પાલિકાના સીઓને આપી છે. નિયામકનો સત્તા બીજાને સોંપવાના પત્ર સામે સવાલ ઉઠવા લાગ્યા છે. આમ તો સીઓ જાહેરમાં વિરોધ કરતા નથી પરંતુ મળતી માહિતી મુજબ સીઓ સત્તા તબદિલમાં તેમના ગળે ઘંટી બંધાયાનું જોઈ રહ્યા છે. એમ પણ કહી રહ્યા છે કે ફાયર સેફટીનું જ્ઞાન તેના વિભાગને જ હોય છે,

તુરંત NOC જોઇતું હોય તો બે શરત
ફાયરની એનઓસી માટે બે શરતોના પાલનમાં વિલંબ થાય એમ છે. જેમાં ઈમારત ઓથોરાઈઝ હોવી જોઈએ તથા રહેણાંકમાં કલાસ ચાલતા હોય તો તેને કોમર્શિયલ કરાવવાનો થાય છે. સંચાલકો જણાવે છે કે શરતોના પાલનમાં સમય જાય એમ હોય કોઈ રસ્તો કાઢી શૈક્ષણિક કાર્ય શરૂ કરવા દો!