6 June 2019

નવસારી પાલિકાની ઇમારતોમાં જ ફાયર સેફ્ટીનો અભાવ!


સુરતના અગ્નિકાંડ બાદ પાંચ વર્ષે સરકારે જગાડતા જાગેલી નવસારી નગર પાલિકાએ શહેરની ૪૦૦ થી વધુ ઇમારતોમાં સર્વે કર્યા બાદ, મોટાભાગની ઇમારતોને ફાયર સેફ્ટી મુદ્દે નોટિસો ફટકારી છે. પરંતુ નવસારીવાસીઓને નિયમોનું પાલન કરાવવા નીકળેલી નવસારી પાલિકાની પોતાની જ ઇમારતોમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાનું લોકોમાં ચર્ચાએ ચડ્યું છે.

સુરતના સરથાણા ખાતે ટ્યુશન ક્લાસમાં લાગેલી આગે ૨૨ બાળકોના જીવ લીધા હતા. અગ્નિકાંડ બાદ સફાળી જાગેલી રાજય સરકારે ગુજરાતનાં તમામ શહેરોમાં બહુમાળી ઇમારતોમાં ફાયર સેફ્ટી મુદ્દે સતર્કતા દાખવા સર્વે અને ફાયર સેફ્ટીના સાધનો વસાવવા નોટિસો પથવાનું શરૂ કર્યું છે. જેમાં નવસારી નગર પાલિકા પણ પાંચ વર્ષ બાદ હરકતમાં આવી છે અને અલગ અલગ ટીમો બનાવીને શહેરમાં આવેલી ૪૦૦ થી વધુ બહુમાળી ઇમારતોમાં સર્વેની કામગીરી હાથ ધરી હતી.

જેમાં પાલિકા દ્વારા ૩૫૨ થી વધુ ઇમારતોમાં ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાથી ત્રણ દિવસમાં ફાયર સેફ્ટીના સાધનો વસાવવાની સાથે પાલિકામાંથી ફાયર સેફ્ટીનું પ્રમાણપત્ર મેળવી લેવા નોટીસો પાઠવી છે. પરંતુ જયાં શહેરીજનો પાસેથી ફાયર સેફ્ટીનો અમલ કરવાવા નીકળેલી નવસારી પાલિકાની ઇમારતોમાં જ ફાયર સેફ્ટીનો અભાવ હોવાની વાતો ઉઠી છે.

પાલિકા કચેરીની નીચે આવેલી શાકભાજી માર્કેટ, પાલિકાના નજીક્માં આવેલા જવાહરલાલ નહેરૂ શોપિંગ સેન્ટર, લૂન્સીકુઇ નજીક અટલબિહારી બાજપાઈ શોપિંગ સેન્ટર, તીઘરા જકાતનાકા નજીકનું શોપિંગ સેન્ટર, જૂનાથાણા નજીકનું શોપિંગ સેંટર, ડો. રમાબેન હોસ્પિટલની સામે આવેલો કાઙ્ખમ્યુનિટી હાઙ્ખલ અને ઇમારત જેવી ઘણી ઇમારતોમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. ત્યારે પાલિકા પોતાની ઇમારતોમાં ક્યારે ફાયર સેફ્ટીનો અમલ કરશે એ જોવું રહ્યું.

શોપિંગ સેન્ટરના પાછળ ગેસના ચૂલાઓ અકસ્માત સર્જે તો જવાબદાર કોણ : પારસી હોસ્પિટલ સામેના અટલબિહારી બજપાઈ શોપિંગ સેન્ટરમાં મોટા ભાગે રેસ્ટોરન્ટ આવેલી છે. જેના સંચાલકો દ્વારા શોપિંગ સેન્ટરના પાર્કિંગમાં ગેરકાયદેસર રીતે શેડ તાણી બાંધ્યા છે. જેમાં પાછળની તરફ ગેસના ચૂલાઓ ચાલે છે, ત્યાં કોઈ અકસ્માત સર્જાય અને આગની ઘટના બની તો જવાબદાર કોણનો પ્રશ્ન પણ લોકમાનસમાં ઉઠી રહયો છે. કારણ સાંજના સમયે મોટી સંખ્યામાં લોકો આ રેસ્ટોરન્ટમાં ખાવા માટે આવે છે. પાલિકા આ ગેરકાયદેસર તાણી બંધાયેલા શેડને દૂર કરશે કે પછી રાજકીય રહેમ નજર હેઠળ શેડને દૂર કરવાથી દૂર રહેશે એ જોવું રહ્યું.