8 June 2019

નવસારી એપીએમસીમાં કેરીના કેરેટ ખસેડવા બાબતે બબાલ


નવસારી એપીએમસી માર્કેટમાં કેરીના કેરેટ ખસેડવા બાબતે દેવીપૂજકો અને ખેડૂતો વચ્ચે થયેલી બબાલમાં બે સોનાની ચેઇન ચોરાતા સમગ્ર મામલો ગ્રામ્ય પોલીસ મથકે પહોંચ્યો હતો.

બનાવની વિગત એવી છે કે નવસારીના વિરાવળ ખાતે આવેલી એપીએમસી માર્કેટમાં ઢળતી સાંજે નવસારી તાલુકાના માણેકપોર તથા આસપાસના ખેડૂતોએ પોતાના ખેતરનું શાકભાજી ગાડીમાં ભરી વેચવા લાવ્યા હતા. દરમિયાન રસ્તામાં પડેલા કેરી ના ચાર કેરેટ ખસેડવા મુદ્દે દેવીપૂજકો અને ખેડૂતો વચ્ચે ચકમક જરી હતી. ઉશ્કેરાયેલા દેવી પૂજકોએ ખેડૂતો ઉપર હુમલો કરી ચાર જણાને માર મારવામાં આવ્યો હતો.

મામલો બીચકતા લોકોએ પોલીસને જાણ કરી હતી. ઘટનાને પગલે પોલીસ દોડતી થઇ ગઇ હતી. એપીએમસીમાં પોલીસે પહોંચી ટોળાંને વેરવિખેર કરી સલામતીના પગલા લીધા હતા. આ ઘટનામા ખેડૂતોની ૩ લાખની બે સોનાની ચેઇન પણ ચોરી થઈ હોવાનું જાણવા મળતા પોલીસે આંગળની કામગીરી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.