9 January 2019

વિજલપોરની મહિલાએ છૂટાછેડા બાદ નવા પ્રેમી સાથે મળી જૂનાને રહેંસ્યો, ત્રણની ધરપકડ


વિજલપોરમાં વનગંગા સોસાયટીમાં અન્ય પ્રેમીની હાજરીમાં જ પૂર્વ મુસ્લિમ પ્રેમી તેની પ્રેમિકાને મળવા આવી પહોંચતા થયેલી માથાકુટમાં પ્રેમિકાએ તેના વર્તમાન પ્રેમી સાથે મળી ભૂતપૂર્વ મુસ્લિમ પ્રેમીની હત્યા કરી હતી. પ્રેમિકાએ મુંબઇથી આવેલા મુસ્લિમ પ્રેમીને પકડી રાખ્યા બાદ પ્રેમીએ રીક્ષાની લોખંડની કીક મારી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા બાદ ભૂતપૂર્વ પ્રેમીની લાશ વિરાવળ પૂર્ણા નદીના પુલ ઉપર નાંખી દેવામાં આવી હતી. આ સમગ્ર ઘટનામાં ત્રિકોણીય પ્રેમપ્રકરણનો કરૂણ અંત આવ્યો હતો.

વિજલપોરની વનગંગા સોસાયટીમાં રહેતી જયાબેન બોરીચા સોમવારે રાત્રે પોણા દસ વાગ્યાનાં સમયગાળામાં પોતાનાં ઘરે હતી, તે દરમિયાન તેના ઘરે નવસારી ગાર્ડાચાલમાં રહેતો તેનો પ્રેમી મનીષ પ્રવિણભાઇ પરમાર પણ હતો. આ દરમિયાન તેનો એક ભૂતપૂર્વ પ્રેમી હાલ મુંબઇ રહેતો મોહમદ મોકીન મોહંમદ મૂરનાએ આવી જયાનો દરવાજો ખટખટાવતા જયા બહાર આવી હતી અને મોહંમદ મોકીન સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડો ચાલુ જ હતો ત્યારે મોહંમદ મોકીનને જયાએ પકડી રાખ્યો હતો અને હાલનો પ્રેમી મનીષે રિક્ષાની લોખંડની કીક (સળિયો) નો જોરથી મોહંમદ મોકીનના માથાના ભાગે ઘા કર્યો હતો, જેમાં ગંભીર ઇજાથી મોહંમદ મોકીનનું મોત નીપજ્યું હતું. આ મૃત્યુ પામેલા મોહંમદ મોકીનની લાશને રિક્ષામાં મૂકી મનીષ વિરાવળ પૂર્ણા નદીના પુલ ઉપર નાંખી આવ્યો હતો.

આ દરમિયાન વનગંગા સોસાયટીમાં બબાલ થયાની વિજલપોર પોલીસને જાણ થઇ હતી. પોલીસ સ્થળ ઉપર પહોંચતા થોડે દૂર જ રહેતી જયાની માતા ત્યાં હાજર હતી.પોલીસે તુરંત જયાનો ફોન નંબર મેળવી તેને પોલીસ મથકે બોલાવી હતી. જયા સાથે રેહાન નામનો યુવાન પણ આવ્યો અને થોડા સમય બાદ પ્રેમી મનીષ પરમાર પણ આવ્યો હતો. આ ત્રણેયને અલગ અલગ બોલાવી પોલીસે ક્રોસ ઇન્ટરોગ્રેશન શરૂ કર્યુ હતું. આ પૂછપરછ દરમિયાન જ વિજલપોર પોલીસને વિરાવળ પુલ ઉપર લાશ મળ્યાની જાણ થઇ અને ફોટો પણ પ્રાપ્ત થયો હતો. આ ફોટો મોહંમદ મોકીનનો જ હતો અને તેને લઇને જયા અને મનીષે મોહંમદને મારી નાંખી વિરાવળ પૂલ ઉપર નાંખી આવ્યાની હકીકતનો ભેદ ખુલ્લો હતો. પોલીસે આ હત્યાના ગુનામાં મનીષ, જયા ઉપરાંત રેહાન નામનાં યુવાનની પણ ધરપકડ કરી હતી. રેહાનની ભૂમિકા મદદગારી જેવી હતી. આ ઘટનામાં એક યુવાન પ્રત્યક્ષદર્શી હોવાનું અને તેની મહત્વની ભૂમિકા હોવાની વાત પણ જાણવા મળી છે. ઉલ્લેખનીય છે કે જયાનાં લગ્ન દશેક વર્ષ અગાઉ સુરતના શખ્શ સાથે થયા હતાં અને તેના થકી એક દિકરી પણ છે. જોકે દોઢ-બે વર્ષથી પતિ સાથે પ્રોબ્લેમ થતાં અલગ રહે છે અને કોર્ટમાં કેસ પણ ચાલતો હોવાનું જાણવા મળે છે.

પ્રેમ સંબંધો કેવી રીતે બંધાયા 
આ પ્રકરણમાં ત્રિકોણીય પ્રેમસંબંધ હોવાનું પ્રાથમિક તબક્કો ફલિત થયું છે. જેની હત્યા થઇ છે એ મોહંમદ મોકીન અઢી વર્ષ અગાઉ જયા બોરીચા અને તેના પતિના સિલાઇના વર્કશોપમાં કામ કરતો હતો ત્યારે તેને જયા સાથે પ્રેમ થયાનું જાણવા મળ્યું છે. મોહંમદ બાદમાં મુંબઇ શીફ્ટ થયો પરંતુ ત્યારબાદ પણ જયાને મળતો હોવાનું કહેવાય છે. બીજી તરફ મનીષ પરમાર અને જયા બંને સુરત એસએમસીમાં સાથે નોકરી કરતાં હોઇ પ્રેમસંબંધ બંધાયાનું કહેવાય છે. મોહંમદ મુંબઇ શીફ્ટ થયા બાદ પણ જયા સાથે સંબંધ બાંધ્યો હોય (યા બાંધવા ઇચ્છતો હોય) ખટરાગ થયાની શક્યતા છે.

પોલીસ સમક્ષ વાર્તા બનાવાઇ પણ...
મોહંમદ મોકીનની હત્યા ઉપરનો પડદો તુરંત ઉઠ્યો ન હતો. આરોપીઓએ વાર્તા બનાવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન પણ કર્યો હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે. જયા-મનીષે એવી વાત બનાવી હતી કે, મોહંમદ સાથે તકરાર થઇ તે દરમિયાન તે ગભરાઇને ભાગવા ગયો હતો અને ભાગતા સ્લીપ થતાં તેને માથાના ભાગે ઇજા થઇ હતી. આ ઇજાની સારવાર કરાવવા દવાખાને લઇ ગયા હતાં. ત્યાંથી મનીષ સાથે રીક્ષામાં આવતા માફી માંગી મોહંમદ ભાગી ગયો હતો. જોકે પોલીસને આ વાત બનાવટી લાગી અને આરોપીઓનાં અવારનવારનાં 'ક્રોસ ઇન્ટરરોગેશન' દરમિયાન તેઓ ભેરવાયા હતાં અને આખરે આરોપીઓએ સાચી વાત કરવી પડી હતી.

લોહીના ડાઘ બ્લોક પર પડતા તે સાફ કરવાનો પ્રયાસ
મોહંમદ મોકીનની હત્યા થયા બાદ મનીષ તેની લાશને રીક્ષામાં લઇ વિરાવળ પુલ ઉપર નાંખવા ગયો હતો. આ દરમિયાન જગ્યાએ હત્યાનાં પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. લાશને ઢસડીને રીક્ષામાં નાંખી એ દરમિયાન ગલીમાં નંખાયેલ બ્લોકથી લઇ ડાયરના રોડ સુધી લાશ ઉપરનાં લોહીના ડાઘા પડી ગયા હતાં. આ ડાઘાને પાણીથી ધોવાનો પ્રયત્ન જયાએ કર્યો હતો. જોકે તેમાં પૂર્ણત: તે સફળ થઇ ન હતી.

હત્યાનું કાવતરું રચાયું હતું?
આ હત્યાનાં પ્રકરણમાં મુંબઇથી આવેલ મોહંમદ સાથે જયાની અચાનક જ તકરાર થઇ અને તે તકરારમાં મોહંમદને પતાવી દેવાયાની વાત ઘણા માનવા તૈયાર નથી. ત્રિકોણીય પ્રેમસંબંધ જયા અને મનીષ સાથે મળી મોહંમદને મુંબઇથી વિજલપોર બોલાવી કાસળ કાઢવાનું કાવતરું રચ્યું હોવાની શક્યતા પણ જોવાઇ રહી છે. જોકે પોલીસ આવું કાવતરું આરોપીઓએ રચ્યું હોવાની વાત હાલ નકારી રહી છે.

રેહાન નામના યુવાનની મદદગારીમાં ધરપકડ
આ હત્યા પ્રકરણમાં જયા અને મનીષની તો લગભગ સીધી રીતે સામેલગીરી છે પરંતુ પોલીસે આ બે ઉપરાંત રામનગર-3 માં રહેતા રેહાન સરીફની પણ ધરપકડ કરી છે. રેહાનને જયાનાં મનીષ અને મોહંમદ સાથેના સંબંધોની ખબર હતી અને જયાએ આ ઘટના બાદ તેના રેહાનને બોલાવી મોહંમદની હત્યા કરી પૂર્ણાના પુલ ઉપર નાંખી આવ્યાનું જણાવ્યું હતું. બાદમાં રેહાન જયા અને મનીષ સાથે મોપેડ ઉપર બેસી પુલ ઉપર મોહંમદની લાશ જોવા પણ ગયા હતાં. પરંતુ પોલીસ તે સમયે ત્યાં હાજર હોય ત્રણેય પરત આવી ગયા હતાં. આમ રેહાનની આ ઘટનામાં મદદગારી હોઇ ધરપકડ કર્યાનું પોલીસ જણાવ્યું છે.