30 January 2019

ચપટી મીઠા માટે દાંડી બીજા પર મોહતાજ


જલાલપોર તાલુકાના દાંડી ગામે ગાંધીજીએ ચપટી મીઠુ ઉપાડી અંગ્રેજોના ‘મીઠાના કાયદાનો ભંગ’ કર્યો. એ ઐતિહાસિક ક્ષણ બાદમાં દેશની આઝાદીનું સીમાચિન્હરૂપ સાબિત થઈ હતી. દાંડીમાં દરિયાકાંઠે જ્યારે ગાંધીજીએ ચપટી મીઠુ ઉપાડ્યું એ કુદરતી રીતે બનેલુ મીઠુ જ હતું. આજે તેનાથી તદન વિપરીત સ્થિતિ જોવા મળે છે. દાંડીમાં ચપટી મીઠુ પણ જોવા મળતુ નથી. જોકે આ ઐતિહાસિક ક્ષણને ધ્યાનમાં રાખી બનાવાયેલા ‘નમક સત્યાગ્રહ સ્મારક’ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રને લોકાર્પણ કરશે.

અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મેળવવામાં દાંડીકૂચ મહત્ત્વનું પરિબળ બની હતી. અમદાવાદ સાબરમતી આશ્રમથી 12મી માર્ચે ગાંધીજીએ દાંડીકૂચની શરૂઆત કરી હતી. 5મી એપ્રિલ 1930ના રોજ ગાંધીજી દાંડી પહોંચી 6ઠ્ઠી એપ્રિલે ચપટી મીઠુ ઉપાડી અંગ્રેજોએ લાદેલા મીઠા પરના કરના કાયદાનો ભંગ કર્યો હતો. દાંડીકૂચ બાદ સત્યાગ્રહ આંદોલન શરૂ થતા આખરે 1947મા દેશને આઝાદી મળી હતી. દાંડીમાં કુદરતી રીતે દરિયાના પાણીથી બનેલુ મીઠુ ગાંધીજીએ ઉપાડ્યું હતું. જોકે એ વખતે સ્થાનિકો કુદરતી મીઠુને જ સાફ કરીને ઉપયોગ કરતા હતા. જોકે દાંડીમાં આજે પરિસ્થિતિ તદન ઉલટી છે. અહીં ઝાડીઝાંખરા સિવાય કશુ નથી. અહીં કુદરતી રીતે પણ હવે મીઠુ પાકતુ નથી કે અગરીયા નથી છતાં દેશભરમાં દાંડીનું મહત્ત્વ છે. ઐતિહાસિક ઘટનાને વિશ્વફલક ઉપર વધુ સારી રીતે ઉજાગર કરવા જ ‘નમક સત્યાગ્રહ સ્મારક’ રૂ. 110 કરોડના ખર્ચે દાંડી ખાતે તૈયાર કરાયું છે.

આજની સ્થિતિમાં કુદરતી રીતે મીઠુ બનવું મુશ્કેલ
હાલ દરિયામાં ઉદ્યોગ વેપારના ગંદા પાણી તથા નદીના ગંદા પાણી જોતા સ્થિતિ તદન અલગ છે. અહીં પહેલા કુદરતી રીતે મીઠુ બનતું. જ્યારે ગાંધીજીએ મીઠુ ઉપાડ્યું હતું એ પણ કુદરતી રીતે બન્યું હતું એ જ હતું પરંતુ હાલ તો આવી રીતે મીઠુ બનતું નથી, એ હકીકત છે. -વિમલભાઈ પટેલ, સરપંચ, દાંડી

કુદરતી મીઠાનો સ્ત્રોત હતો
દાંડીમાં મીઠુ પકવાતુ ન હતું એ હકીકત છે પરંતુ લોકો કુદરતી રીતે બનતા મીઠુનો જ ઉપયોગ કરતા, સ્વાતંત્ર્યસેનાનીએ તેમની પુસ્તિકામાં ઉલ્લેખ કર્યો છે. એ વખતે સ્થાનિકો મીઠુ ભેગુ કરી વેચતા. જેને પાછળથી અગરીયા કહેવાયા. જોકે દાંડીમાં આજેય મીઠુ પકવાતુ નથી. અહીં કુદરતી રીતે જ મીઠાનો સ્ત્રોત હતો. -કાળુભાઈ ડાંગર, ગાંધીવાદી

દાંડી પ્રોજેકટમાં મીઠુ બનાવવા પ્રયોગ
દાંડીમાં પર્યટકો કુદરતી રીતે મીઠુ કેવી રીતે બને છે તેનો લહાવો મેળવી શકે આ તે હેતુથી અને ઐતિહાસિક દાંડીકૂચની ઘટનાને તાદૃશ કરી શકે તેવા આશય સાથે સોલાર સોલ્ટ પેન મુકવામાં આવી છે.સોલ્ટ હાઉસમાં 14 જેટલી પેન થકી મીઠુ બનાવીને પર્યટક પોતે તેનો લહાવો માણી શકશે.