31 January 2019

વડાપ્રધાને નવસારીવાસીઓ પાસે વચન લીધુ 'તમારા ઘરે મહેમાનો આવે તો દાંડી જરૂર લાવજો'


બુધવારે નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલના લોકાર્પણ પ્રસંગે નવસારી નજીકનાં દાંડીમાં આવેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જ્યારે બાપુએ નમક સત્યાગ્રહનો નિર્ણય લીધો હતો ત્યારે પણ કેટલાકે તેમના નિર્ણયનો વિરોધ કરી ટીકા કરી હતી જ્યારે આજે પણ કેટલાક લોકો સકારાત્મક સારા કાર્યોને વિરોધ કરી રહ્યાં છે. તેમણે પોતાના વક્તવ્ય દરમિયાન કહ્યું હતું કે, હું તમને એક કામ કહીશ, કરશો બધા ω એ પ્રશ્નના જવાબમાં લોકોએ હા.. નો જવાબ આપતા તેમણે કહ્યું કે, હવે નક્કી કરવાનું, ‘આપણા ઘરે કોઈપણ મહેમાન આવે તો એમને આ દાંડી સ્મારક બતાવવા લઈ આવવાનું.’ એ સાથે જ ચીચીયારી અને તાળીઓના ગડગડાટથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું. એ પછી હાથ ઉંચો કરવાનું કહી લોકો પાસે વડાપ્રધાને વચન લીધુ હતું.

હાલના સમયમાં બેરોજગારી વધી હોવાથી સરકારની સતત ટીકા થઇ રહી છે ત્યારે મોદીએ રોજગારીનો ઉલ્લેખ કરી જણાવ્યું કે સ્ટેચ્યું ઓફ યુનિટી તથા હવે દાંડી મેમોરીયલ જેવા ઐતિહાસિક સ્થળોનો વિકાસ થવાથી સ્થાનિક લોકોની રોજગારી વધશે. સરકારે ખાદી સાથે જોડાયેલ બે હજાર સંસ્થાઓનું આધુનિકરણ કર્યુ છે. જેનાથી 5 લાખ લોકોને લાભ થયો છે. મોદીએ સ્વચ્છ ભારત મિશનને મળેલ સફળતાનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, ભારતમાં 9 કરોડ શૌચાલય બની ગયા છે. અમે આગામી બીજી ઓક્ટોબરનાં રોજ બાપુની 150 મી જન્મ જયંતિએ સમગ્ર દેશને ‘ખુલ્લામાં શૌચ મુક્ત’ જાહેર કરીશું.

દાંડીમાં જાહેરસભા સંબોધન કરતા અગાઉ વડાપ્રધાને નવનિર્મિત નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલનું લોકાર્પણ કરી સમગ્ર પ્રોજેક્ટ અને સૈફીવિલાની પણ મુલાકાત લીધી હતી. ગાંધીજીના પ્રિયભજન ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ’ ને વિશ્વમાં જાણીતા કરવાનો સરકારે પ્રયાસ કર્યાનું મોદીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું સરકારનાં વિદેશ વિભાગે 100 દેશોનાં ગાયકો પાસે આ ગીત રેકર્ડ કરાવ્યું હતું. આ ગાયકોને ભારતની ભાષા, ગુજરાતની ભાષા ખબર ન હોવા છતાં ભાવથી, મનથી આ ગીત ગાયું હતું. આજ વાત બાપુને વિશ્વ સાથે જોડે છે.

ગાંધીનો માત્ર રાજકીય ઉપયોગ: રૂપાણી
દાંડીની સભામાં મોદી ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરેલ ટૂંકા પ્રવચનમાં કોંગ્રેસ ઉપર પ્રહાર કરતાં જણાવ્યું કે, ગાંધીનો કોંગ્રેસે માત્ર રાજકીય ઉપયોગ જ કર્યો કોંગ્રેસે માત્ર એક જ પરિવારને આગળ વધાર્યુ. આંબેડકર, સાવરકર, સુભાષબાબુને હાંસિયામાં ધકેલવામાં આવ્યા હતાં.જ્યારે નરેન્દ્રભાઇએ બાકીના લોકો જેમણે તપશ્ચર્યા કરી બધાના ઇતિહાસને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે.

'ચા'ના ધંધાને યાદ કર્યો...
બાળપણમાં 'ચા' વેચતા હોવાનું મોદી કહે છે અને આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ પણ બન્યો છે. દાંડીમાં પણ 'ચા'ને યાદ કરી હતી. મોદીએ કહ્યું દાંડીમાં પર્યટનનો વિકાસ થવાથી બધાને રોજગારી મળશે. સિંગદાણા વેચનાર, બિસ્કિટવાળા, ટેક્સી-રિક્ષાવાળા અને ચાવાળા.... ચા વાળાને બોલી મોદી અટકી ગયા અને આખો સભામંડપ હર્ષભેર તાળી પાડી ઉઠ્યો હતો.

ભુલાઈ ગયેલા નેતાઓને અમે સ્થાન આપ્યું
વડાપ્રધાને ઉમેર્યું હતું કે ભુલાઈ ગયેલા નેતાઓને અમે સ્થાન આપ્યું છે તે અંતર્ગત સરદાર પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું, નેતા સુભાષચંદ્ર બોઝનું ક્રાંતિ મંદિર બનાવ્યું, આંબેડકરની યાદમાં પંચશીલ બનાવ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ દાંડી હેરીટેજ ટુરિઝમમાં નવું આયામ બની રહેશે.

30 જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિનના રોજ વાડપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલનું લોકાર્પણ કર્યુ હતુ. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી વડાપ્રધાનને વધાવ્યા હતા. કાર્યક્રમમાં હાજર સ્વાતંત્ર સેનાનીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતુ. આ સાથે સોલ્ટ હાઉસમાં વડાપ્રધાને સોલાર પેનની મીઠું પકવવાનો પ્રયોગ કર્યો હતો.

જિલ્લાનાં તમામ કોંગ્રેસીઓને પોલીસે નજર કેદ કરવામાં આવ્યા
વડાપ્રધાનનાં કાર્યક્રમનો વિરોધ ન થાય તે માટે જિલ્લા કોંગ્રેસનાં પદાધિકારીઓનાં ઘરે પોલીસેે આંટાફેરા કર્યા હતાં. જેમાં મોટા ભાગનાં કોંગ્રેસીઓ અંગત કામો હોય જેની પોલીસને કરી હતી. જેમાં અમુક હોદ્દેદારો ઘરે ન હોય પોલીસ પુછપરછ કરીને જતી રહી હતી. નવસારી પાલિકા નગર સેવક-જિલ્લા મહામંત્રી પિયુષ ઢીમ્મરને પોલીસે નજરકેદ કર્યા હતાં. તેમને ટાઉન પોલીસ મથકે સવારે 11.30 કલાકથી લાવીને નજરકેદ રાખ્યા હતાં. સેવા સંસ્થાના કનું સુખડીયાનાં ઘરે પણ પોલીસો ગયા હતાં. ચીખલીનાં ભીલીસ્તાન ટાયગર સેનાનાં અગ્રણી પંકજ પટેલને પણ નજર કેદ કર્યા હોવાની માહિતી મળી હતી.

વડાપ્રધાન ભાષણમાં રાષ્ટ્રીય ભાષા સાથે અંત માતૃભાષા પણ
વડાપ્રધાનનું મહત્તમ ભાષણ હિન્દીમાં જ હતું અને રાષ્ટ્રીય-વૈશ્વિક લોકોને શું બોલે છે જણાવવાનો ખ્યાલ રાખ્યો હતો પરંતુ આખરે જન્મ્યા, મોટા થયા ગુજરાતમાં હોય અને કાર્યક્રમ વતનમાં જ હોય અંતના પ્રવચનોમાં માતૃભાષા ભણી આવી ગયા હતા અને ગુજરાતીમાં જ પ્રવચનનો અંત આણ્યો હતો.

7 ઓગસ્ટ હાથ ચરખા દિવસ ઉજવવાની દિશામાં પ્રયાસ 
સ્વતંત્રતાના આંદોલનમાં ખાદીની ભૂમિકાનો ખ્યાલ આપતા વડાપ્રધાને હાથ ચરખા/રેંટીયાને પણ અદકેરૂ સન્માન આપવાના ભાગરૂપે 7મી ઓગસ્ટને હાથ ચરખા દિવસ તરીકે ઉજવવાની દિશામાં સરકાર પ્રયાસ કરી રહી છે તેમ જણાવ્યું હતું.

દાંડી વિકાસની વાત વર્ષ 2005માં થઈ હતી
વર્ષ 2005માં કેન્દ્રમાં યુપીએ સરકારી હતી ત્યારે વડાપ્રધાન મનમોહનસિંહ, રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સહિતના નેતાઓએ દાંડીકૂચ કરી હતી. દાંડીમાં આવીને તેમણે દાંડીનો વિકાસ કરવાની વાત કરી હતી પરંતુ તે પછી દાંડીના વિકાસ માટે યોગ્ય કાર્યવાહી થઈ ન હતી. જોકે તે પછીના 15 વર્ષ બાદ કેન્દ્રમાં NDAની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે આખરે દાંડીના વિકાસનું બીડુ ઝડપ્યું હતું અને આખરે તે ‘દાંડી નમક સત્યાગ્રહ સ્મારક’નું નિર્માણ કરાયું હતું.