2 February 2019

બંધ બસને ધક્કો માર્યો ને ચાલુ થતાં દીવાલમાં અથડાઈ


નવસારી ડેપોમાં બસ ચાલકની ભૂલને કારણે નિર્દોષ ત્રણ મુસાફરોએ જીવ ગુમાવવા પડ્યા હતા. હજી એ ઘટનાને માત્ર એક મહિનો જ થયો છે ત્યાં આવી જ ઘટનાનું પુનરાવર્તન થતા રહી ગયું. રાત્રિ રોકાણ કરતી નવસારીથી ચાપલધરા જતી બસ સ્ટેન્ડ ઉપર મુકાય તે પહેલા જ બંધ થતા મુસાફરોએ ધક્કો મારી બસ ચાલુ કરવાનો પ્રયાસ કર્યો હતો. એ વખતે બસ ચાલુ થતા ડ્રાઈવર કઈ સમજે વિચારે તે પહેલા જ ડેપો કંપાઉન્ડની દિવાલમાં ધડાકાભેર અથડાઈ હતી. તેના કારણે દિવાલ તૂટીને બહારની સાઈડ પડતા બે રિક્ષા અને બાઈકનો ખુરદો બોલી ગયો હતો. સદનસીબે બસ ઘટનાસ્થળે અટકી જતા જાનહાનિ ટળી હતી.

નવસારી ડેપોમાં છેલ્લા એક માસમાં પુન: એક ઘટનાને કારણે ચર્ચામાં આવી ગયું છે. નવસારી ડેપોની બસ (નં. જીજે-18-વાય-6629) નવસારી-ચાપલધરા બસ રાત્રિ રોકાણ માટે સાંજે 7 કલાકની આસપાસ ઉપડવાની તૈયારીમાં હતી. એ વખતે બસ સ્ટેન્ડ ઉપર રિવર્સમાં બસ પહોંચે તે પહેલા જ અડધે બંધ થઈ ગઈ હતી. આથી મુસાફરોએ બસ ચાલકને મદદ કરવા બસને ધક્કો મારી ચાલુ કરવાનો પ્રયાસ કર્યો હતો. બસને આગળની તરફ લેવા મુસાફરો ધક્કો મારતા હતા ત્યાં જ બસ ચાલુ થઈ જતા બસ ડ્રાઈવર કંઈ સમજે તે પહેલા જ ડેપોની કંપાઉન્ડની દિવાલમાં ધડાકાભેર અથડાઈ ગઈ હતી. સદનસીબે બસ હોર્ડિંગ્સના લોખંડના એંગલ અને વૃક્ષને કારણે અટકી ગઈ હતી. જેથી જાનહાનિ ટળી હતી. જોકે આ કંપાઉન્ડની બહારની સાઈડે રિક્ષા સ્ટેન્ડ ઉપર ઉભેલી રિક્ષા (નં. જીજે-21-વી-1922), (જીજે-21-એક્સ-0076) તથા બાઈક (નં. જીજે-21-એમ-9557)ને ભારે નુકસાન થયું હતું. બાઈકનો તો આ અકસ્માતમાં ખુરદો જ બોલી ગયો હતો. આ ઘટનાને પગલે ડેપોના મુસાફરોમાં પુન: એક વખત ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો. જોકે ઘટના બાદ રિક્ષાચાલકોએ ડેપો મેનેજરની મુલાકાત લીધી હતી અને નુકસાનીનું વળતર નહીં જોઈતું હોવાની કેફિયત રજૂ કરી હતી.

આરટીઓના સર્ટીફિકેટ બાદ જ બસ ચલાવાય છે
ડેપોની દરેક બસનો ફિટનેસ ડ્રાઈવ આરટીઓ અધિકારીની ઉપસ્થિતિમાં થાય છે અને પ્રમાણપત્ર આપ્યાથી એક વર્ષ સુધી બસ ચલાવાય છે. જોકે હાલમાં બધી બસો રૂટ પર જવાલાયક છે. અકસ્માતે આ ઘટના ઘટી હતી. -વિપુલભાઈ રાવલ, ડેપો મેનેજર, નવસારી

બ્રેક મારે તે પહેલા જ અથડાઈ ગઈ
 નવસારીથી ચાપલધરા બસ સાતેક વાગ્યે જવાની હતી પણ બંધ બસ હોય તેને ચાલુ કરવા પેસેન્જરોને ધક્કો મારવા જણાવ્યું. તે દરમિયાન બસ ચાલુ થઈ બ્રેક મારે તે પહેલા દિવાલ સાથે અથડાઈ હતી. બ્રેક કદાચ ફેઈલ થઈ હોય એવું મારુ માનવું છે.  ચિરાગ પ્રજાપતિ, બસનો ડ્રાઈવર

નવસારી એસટી ડેપોમાં શુક્રવારે મોડી સાંજે બનેલી ઘટનાથી દોડધામ, કોઇ જાનહાનિ ન થતાં રાહત
નવસારી ડેપોમાં શુક્રવારે સાંજે બસ ચાલુ ન થતાં ડ્રાઇવરે મુસાફરો પાસે ધક્કો મરાવતા ડ્રાઇવર બ્રેક મારે તે પહેલાં કમ્પાઉન્ડ વોલ સાથે અથડાઇ હતી. બસ અથડાતા દિવાલ તૂટી હતી અને પાસે ઉભેલી રિક્ષા અને બાઇકને નુકસાન થયુ હતુ. આ અમસ્માત થતાં નવસારી ડેપોમાં દોડધામ મચી હતી.

અગાઉની ઘટનાની યાદ તાજી કરાવી દીધી
અગાઉ નવસારી ડેપોમાં 24મી ડિસેમ્બર 2018ના રોજ બસચાલકે બસ પૂરઝડપે હંકારી બસ સ્ટેન્ડમાં ઘુસાડી દેતા બસની રાહ જોઈને ઉભા રહેલા મુસાફરો પૈકી વર્ષાબેન હળપતિ (ઉ.વ. 35, ખડસુપા), સુરતના કનૈયાલાલ અને ભદ્રાબેન પટેલ (ખેરગામ)ને અડફેટમાં લઈ લેતા ત્રણેયના મોત નીપજ્યા હતા. આ ઘટના બાદ પુન: એક વખત ડેપોમાં મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ અકસ્માતમાં પણ ડ્રાઈવર નવશિખિયો હોવાનું જાણવા મળ્યું છે. બે માસ પહેલા જ તેણે ડ્યુટી જોઈન કરી છે.

કંઇ વિચારીએ તે પહેલાં દીવાલ તૂટીને રિક્ષા ઉપર પડી, અમે ખસી જતાં બચ્યા
સાંજે 7 વાગ્યાના સુમારે અચાનક દિવાલ કંઈક અથડાવાનો અવાજ આવતા ગભરાઈ ગયા હતા. કંઈ વિચારે તે પહેલા દિવાલ અમારી રિક્ષા પર પડી હતી. જોકે અમો ઘટનાસ્થળેથી થોડે દૂર ખસી ગયા હતા. આ ઘટનામાં બે રિક્ષા, એક બાકડો અને બાઈકને નુકસાન થયું હતું. - ગનીભાઈ, રિક્ષાચાલક, ઘાટીવાડ