4 February 2019

દાંડીના સોલ્ટ મેમોરિયલે પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટ્યું


દાંડી સોલ્ટ મેમોરીયલનું વડાપ્રધાને લોકાર્પણ કર્યાના પહેલા રવિવારે સોલ્ટ મેમોરીયલ જોવા હજારો પ્રવાસીઓ ઉમટી પડ્યા હતાં. વાહન પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી.

ગત 30મી જાન્યુઆરીને બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક દાંડી ગામે બનેલ નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલનું લોકાર્પણ કર્યુ હતું. લોકાર્પણ બાદ બીજા દિવસથી લોકોની (પ્રવાસીઓની) અવરજવર શરૂ થઇ ગઇ હતી. ગુરૂવારે નોંધનીય સંખ્યામાં પ્રવાસીઓએ સોલ્ટ મેમોરીયલની મુલાકાત લીધી હતી. શુક્રવાર બાદ શનિવારે પ્રવાસીઓની સંખ્યામાં ઘણો વધારો થયો હતો.

જોકે, આજે રવિવાર જાહેર રજાનો દિવસ હોઇ દાંડી મેમોરીયલ સ્થળે પ્રવાસીઓનું રીતસર ઘોડાપૂર ઉમટ્યું હતું. સવારથી લઇ સાંજ સુધી અવિરત પ્રવાસીઓની આવ-જા આ સોલ્ટ મેમોરીયલને જોવા જારી જ રહી હતી. ભારે ધસારાને કારણે મેમોરીયલ નજીક પાર્કિંગ તથા ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઇ હતી.

ટુરીસ્ટ પ્રોજેક્ટના કોઓર્ડીનેટર કાળુભાઇ ડાંગરે જણાવ્યું કે અંદાજે 15 હજાર જેટલા લોકો રવિવારે મેમોરીયલ જોવા આવ્યા અને ટુરીસ્ટોએ ભારે વખાણ કર્યા છે. વધુમાં જણાવ્યું કે, મેમોરીયલમાં સવારે 11 થી સાંજે 6.30 સુધી એન્ટ્રી રહેશે. એન્ટ્રી માત્ર સૈફીવીલા તરફથી જ રહેશે. 4 થી ફેબ્રુઆરીને સોમવારે નહીં પરંતુ ત્યારબાદના દર સોમવારે મેમોરીયલ મેન્ટેનન્સ માટે બંધ રહેશે.