12 February 2019

મુંબઈથી રૂ. 3.50 કરોડની જૂની 500/1000ની ચલણી નોટને સગેવગે કરવા નીકળેલા 4 ઝડપાયા


નવસારીના બીલીમોરા નજીક ઉંડાચ ગામની હદમાંથી લોકલ ક્રાઈમ બ્રાંચ નવસારીએ રવિવારે મોડી રાત્રે રૂ. 3,50,82,000ની જૂની (રદ થયેલી) ચલણી નોટ સાથે 4 જણાને ઝડપી પાડ્યા હતા. મુંબઈથી આ જૂની ચલણી નોટ લવાઈ હતી. જોકે પોલીસે તે નોટ સગેવગે થાય તે પહેલા જ 4ને ઝડપી લીધા હતા.

નવસારી એલસીબી ટીમે ઉંડાચ ગામ તરફ જવાના રોડ ઉપરથી કાર (નં. એમએચ-04-જેકે-8398)માંથી જૂની ચલણી નોટ ઝડપી લીધી હતી. રાત્રે 11.30 કલાકની આસપાસ પોલીસે આ કામગીરી પાર પાડી હતી. એલસીબી પીઆઈ એસ.એફ.ગૌસ્વામી તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હે.કો. નિલેશ, પો.કો. નિમેષભાઈને બાતમી મળી હતી કે ઉંડાચ ગામ તરફ સફેદ કલરની કાર નવસારી તરફ આવી રહી છે. તેમાં 4 જણાં બેઠા છે. તેમની પાસે રૂ. 1000 અને 500ના દરની જૂની ચલણી નોટો છે.

પોલીસે બાતમી આધારે કારને ઝડપી પાડી હતી. તેમાં બેઠેલા મહમદ મોબીન મહમદ યાકુબ શેખ (ઉ.વ. 29, રહે. કુર્લા, વેસ્ટ મુંબઈ, મૂળ યુપી), અલતાફ ઐયુબ શેખ (ઉ.વ. 36, કિલ્લા પારડી, વલસાડ), ફકીરભાઈ ગુલામભાઈ મોટરવાલા (ઉ.વ. 51, રહે. ખારાઅબ્રામા, જલાલપોર) અને જીતેન્દ્ર રંકનીધી પાણીગ્રહી (ઉ.વ. 35, રહે. નાલાસોપારા, વસઈ, મહારાષ્ટ્ર, મૂળ રહે. ઓરિસ્સા)ની અટક કરી હતી. પોલીસે કારમાં તપાસ કરતા કાળા કલરના થેલામાંથી રૂ. 1000ના દરની જૂની ચલણી નોટ નંગ 13432 કિંમત રૂ. 1,34,32,000 તથા 500ના દરની જૂની ચલણી નોટ નંગ 43300 કુલ રૂ. 16,50,000 મળી કુલ રૂ. 3,50,82,000 મળી આવ્યા હતા. આ ચલણી નોટ ભારત સરકાર દ્વારા રદ કરી દેવાઈ હતી છતાં તેની હેરાફેરી થઈ રહી હતી. પોલીસે રૂ. 7 લાખની કાર, રૂ. 12,500ની કિંમતના 4 નંગ ફોન મળી કુલ રૂ. 7,12,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ચારેયની અટક કરી પૂછતાછ હાથ ધરી છે.

આ રીતે જૂની નોટનો વેપલો થતો હોવાની આશંકા
ભારત સરકારે રૂ. 500 અને 1000ના જૂની નોટ રદ કર્યાને 2 વર્ષ થઈ ગયા છતાં આ જૂની નોટની હજીય હેરાફેરી થઈ રહી છે. તેને લઈને અનેક સવાલો ઉભા થયા છે કે આ નોટ શું કામ આવે છે ω શા માટે તેની હેરાફેરી થતી રહી છે ω કોણ આ નોટ સપ્લાય કરી રહ્યું છે ω આ નોટ કોની હશે ω એવા અનેક સવાલો હાલ ચર્ચાનો વિષય બન્યા છે,જેનું રહસ્ય ઘૂંટાતુ જ રહ્યું છે. જોકે મળતી માહિતી મુજબ અગાઉ સરકારમાં નોટ નહીં જમા કરાવનારાઓ આ રોકડ રકમ અમુક ટકા આપવાના બહાને લોકોને આપીને છેતરી રહ્યા છે પરંતુ તેઓ પકડાઈ જતા જેલની હવા ખાવાનો વારો આવે છે.

અગાઉ પણ જૂની નોટ પકડાઈ હતી
નવસારીમાં ગણદેવી રોડ ઉપર પાંચેક માસ અગાઉ 69 લાખની જૂની રૂ. 500 અને 1000ના દરની નોટ સાથે બે ઝડપાયા હતા. તે અગાઉ પણ બારડોલી રોડ ઉપરથી પણ 3 લાખથી વધુની રકમ સાથે બે ઝડપાયા હતા અને હાલ રૂ. 3.50 કરોડની જૂની નોટ પકડાયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.આ સીસસીલો હજુ પણ અટક્યો નથી અને ફરી એકવાર મોટી રકમની જૂના દરની ચલણી નોટ પકડાય હતી.

ડિસ્કલોઝર બાદ ફીગર સેટ કરવાની શક્યતા
જે જૂની ચલણી નોટ પકડાઈ છે તે કોની હતી ? તે વ્યક્તિ પાસે એ બ્લેક મની હતી કે કેમ ? તે અંગે પોલીસ તપાસ કરી શકે છે અને તે જો બ્લેક મની પ્રસ્થાપિત થાય તો તે ઈન્કમટેક્સના દાયરામાં આવશે. એક ચાર્ટડ એકાઉન્ટન્ટના જણાવ્યા અનુસાર અગાઉ બેંકો પાસેથી આરબીઆઈએ નોટબંધી વખતે આંકડાકીય માહિતી માગી હતી પરંતુ કેટલીક બેંકોએ કદાચ ઉતાવળમાં વધારે એમાઉન્ટ લખાવી દીધી હોય અને એ પછી એટલી રકમ જમા થઈ ન હોય. બીજી તરફ બ્લેકમની રાખનારાઓ માટે પણ આ નોટ નકામી થઈ જતા આ નોટ હવે આરબીઆઈને આપેલા કમિટમેન્ટની પૂર્તતા કરવા પણ વપરાતી હોય તેવી ચર્ચા છે. જો પોલીસ કે અન્ય એજન્સી તે અંગે તપાસ કરે તો મોટુ કૌભાંડ બહાર આવવાની શક્યતા છે.

રોકડ કોણે આપી તેની તપાસ થશે
મુંબઈથી આ રોકડ લઈને નીકળ્યા બાદ તેને સગેવગે કરવાની પેરવીમાં હતા પરંતુ તે ક્યાં લઈ જવાના હતા, કોને આપવાના હતા તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. જ્યાંથી પણ રોકડ આવી છે ત્યાંથી લઈ જ્યાં પહોંચવાની છે ત્યાં સુધી પોલીસ તપાસ કરી રહી છે. જોકે હાલ તપાસ ચાલુ છે.   એસ.એફ.ગૌસ્વામી, પીઆઈ, એલસીબી