22 February 2019

ST હડતાળ : ફેરા મારતા વાહનોએ યાત્રીઓને લૂંટયાં


ગુરૂવારે મોડી સાંજે એસટી યુનિયન સાથે મુખ્યમંત્રી વચ્ચે વિવિધ પડતર માગો અંગે મિટિંગ થઈ હતી. જેમાં 7મા પગાર પંચ સહિતની માગ ફગાવી દેવાયાની વાત આવતા નવસારી એસટી ડેપો વિભાગના કર્મચારીઓએ આક્રોશ ઠાલવતાં જણાવ્યું કે આવતી કાલથી આંદોલન ઉગ્ર બનશે અને અર્ધનગ્ન શરીરે વિરોધ પ્રદર્શન કરશે.

નવસારી એસટી ડેપો ખાતે જિલ્લા તથા જિલ્લા બહાર જતી 80 બસોના પૈડા થંભી જવા સાથે 718 ટ્રીપો રદ થઈ હતી અને આજની હડતાળમાં રોજિંદા મુસાફરો તથા વિદ્યાર્થીઓને તકલીફ પડી તે બદલ ક્ષમા માગી હતી. નવસારી એસટી ડેપો આજે સવારથી જ સુમસામ ભાસી રહ્યો હતો અને મુસાફરો વૈકલ્પિક મુસાફરીની સુવિધા માટે ખાનગી વાહનો તરફ વળ્યા હતા. બીલીમોરા એસ.ટી. ડેપોને 430 કર્મચારીઓ પણ હડતાળમાં જોડાયા હતા. હડતાળને પગલે બીલીમોરા ડેપોની રોજિંદી 85 બસ દ્વારા રોજિંદું 37,403 અંતર કાપી મુસાફરોને સુવિધા અર્થે ફેરવવામાં આવતી 737 ટ્રીપો રદ કરવામાં આવી હતી. જેને પગલે બીલીમોરા એસ.ટી. ડેપોને 6 લાખ આવક ગુમાવવી પડી હતી. કર્મચારીઓએ માંગણી પુરી કરવા સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા. હડતાળને કારણે રોજિંદા બસમાં મુસાફરી કરતા 20 હજારથી વધુ મુસાફરોને ભારે તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. પાસધારકો તેમજ અન્ય રાજ્યો માંથી એસ.ટી. દ્વારા મુસાફરી કરતા મુસાફરો પણ અટવાયા હતા.

ત્રણ લગ્ન પ્રસંગો માટે એસ.ટી. ના બુકીંગ રદ કરી રિફંડ ચુકવવામાં આવ્યું હતું. હડતાળને પગલે મુસાફરોએ ખાનગી વાહનોનો સહારો લેવો પડ્યો હતો અને વધુ ભાડું ચૂકવી પોતાના નિર્ધારિત સ્થાને પહોંચ્યા હતા. સરકાર દ્વારા જો કર્મચારીઓની માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આ હડતાળ લાંબી ચાલી શકવાની સંભાવના છે. બસોના પૈડાં થંભી જતા લોકો રઝળી પડ્યા હતા. અને મુસાફરી માટે બીજા વિકલ્પો શોધવા પડ્યા હતા.

વાંસદા એસટી ડેપો ઉપર મોટી સંખ્યામાં બસોના પૈંડા થંભી ગયા હતા.જેને લઇ એસટીમાં મુસાફરી કરનારા મુસાફરો સવારથી અટવાયા હતા. ખાનગી વાહનોમાં મુસાફરી કરવાની ફરજ પડી હતી. શાળા કોલેજોમાં જતા વિદ્યાર્થીઓ પણ એસટી બસ ન આવતા મુંઝવણમાં મુકાયા અને ખાનગી વાહનોમાં પહોંચ્યા હતા અને ઘણા વિદ્યાર્થીઓ શાળા કોલેજે પહોંચી શક્યા ન હતા. આહવા એસટી ડેપોની કુલ 45 એસટી બસોનો પૈડાં થંભી ગયા હતા. જેના પગલે મુખ્ય મથક આહવા, વઘઈ, સાપુતારા, સુબીર સહિત ગામડાના મુસાફરો રઝળી પડ્યા હતા. ગુરૂવારે સમગ્ર ડાંગમાં એસટી સેવા બંધ રહેતા અંતરિયાળ વિસ્તારમાંથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને પોતાના કામકાજના સંદર્ભે નીકળેલા જનજીવનને પણ હાલાકી વેઠવાની નોબત આવી હતી. આ હડતાળને પગલે સાપુતારા ખાતે ફરવા આવેલા પ્રવાસીઓ પણ રઝળતા તેઓને ખાનગી વાહનોમાં મુસાફરી કરી વતન જવાની નોબત ઉઠી હતી.

વધુ ભાડું ચૂકવવું પડ્યું
હું અમદાવાદથી સાપુતારા જઈ રહ્યો હતો ત્યારે કડોદરા ઉતરીને સાપુતારા જવાનું થતા ઘણાં લોકો ત્યાં ઉભા હતા. એ વખતે એસટીની હડતાળની જાણ થઈ હતી. હડતાળને કારણે 30થી વધુ પરિવારજનો કડોદરામાં રાત્રે અટવાઈ પડ્યા હતા અને ખાનગી લકઝરી બસમાં જવાની ફરજ પડી હતી. જેમાં 700ના સ્થાને 100 રૂપિયા ભાડુ ચૂકવવું પડ્યું હતું. -પાંડુભાઈ, સાપુતારા

લોકોએ ખાનગી વાહનોના સહારે
મરોલી વિસ્તારમાં માછીવાડ- દીવાદાંડી તેમજ દાંતી અને ભીનાર ગામે બસની હડતાળને પગલે ગુરૂવારે આ રૂટ પર એક પણ બસ નહીં આવતા ગામના લોકોએ ખાનગી વાહનોનો સહારો લીધો હતો.

નવસારીમાં બસ બંધ રહેતા હાલાકી
નવસારીમાં એસટી બસો બંધ રહેતા લોકો ટ્રેન તરફ તથા ખાનગી વાહનોમાં મુસાફરી કરી હતી. કેટલાકે ગુરૂવારે રાત્રે બસમાં રિઝર્વેશન કરાવતા બીજા દિવસે પણ હડતાળ જારી રહેવાની ખબર પડતા તેમને બે ત્રણ દિવસ પછી વળતર મળી જશે એવી માહિતી પણ મળી છે.

નવસારી એસટી ડેપો આંકડાકીય માહિતી
  • નવસારી એસટી ડેપોની કુલ બસ 80 
  • કુલ ટ્રીપ 718 
  • રોજિંદા કિલોમીટર 34780 
  • રોજિંદા મુસાફરો 28 હજારથી વધુ 
  • રોજિંદી આવક 5થી 5.50 લાખ 

સરકારે માંગણીઓ ફગાવતાં હડતાળ ઉગ્ર બનશે
એસટી કર્મચારીઓની વિવિધ પડતર માગ સરકારે ફગાવી છે તેવી ખબર પડી છે. કાલથી આંદોલન ઉગ્ર બનશે. નવસારી ડેપોના 408થી વધુ કર્મચારીઓ અર્ધનગ્ન શરીરે વિરોધ પ્રદર્શિત કરી સરકારની આંખ ઉઘાડવાનો પ્રયત્ન કરીશું. કાળુભાઈ પટેલ, અગ્રણી, એસટી યુનિયન સંકલન સમિતિ, નવસારી

પરીક્ષા ટાંકણે જ હડતાળથી રોષ
ગુરૂવારથી દ.ગુજરાતની ઘણી કોલેજોમાં આંતરિક પરીક્ષા શરૂ થઈ છે. બસ હડતાળના કારણે ગામોમાંથી આવતા વિદ્યાર્થીઓને ઘણી તકલીફ પડશે. આજે 50 ટકા વિદ્યાર્થી ગામડેથી બસની હડતાળને લીધે આવી શક્યા ન હતા. જોકે, આ પરીક્ષા માટે વધારાના દિવસો ફાળવીશું. પ્રશાસને જલદી નિર્ણય લાવવો જોઈએ.ધનસુખભાઈ પટેલ, ઈનચાર્જ આચાર્ય, ચોવીસી કોલેજ