23 February 2019

નવસારી ખાતે ગેસ એજન્સીમાં ભાગીદારની વિશ્વાસઘાતની ફરિયાદ


નવસારીનાં સાંઢકુવા સ્થિત આવેલ પારડીવાલા ગેસ એજન્સીમાં ભાગીદારો વચ્ચે નફાની વહેંચણીમાં અવિશ્વાસ સર્જાતા એક ભાગીદારને તેનાં નફાની રકમ ન આપતા અન્ય ત્રણ ભાગીદારો વિરૂધ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ ટાઉન પોલીસ મથકે નોંધાવી હતી.

નવસારીના તરોટા બજાર ખાતે એપલ ગ્રીન એપાર્ટમેન્ટ ખાતે રહેતી પ્રિયા સંતોષ ભાટે (મૂળ રહે. ઇન્દોર, મધ્યપ્રદેશ) એ આજ રોજ નવસારી ટાઉન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું કે નવસારીનાં સાંઢકુવા સ્થિત સિધ્ધાર્થ એપાર્ટમેન્ટમાં પારડીવાલા ગેસ એજન્સી આવેલી છે તેમાં ચાર જણાની ભાગીદારી હતી જેમાં તેમની દિકરી રાશીનો 33.33 ટકા ભાગીદારી હતી અને અન્ય ત્રણ ઇસમોમાં સહિતા ભીખુ પટેલ હેતલ પ્રકાશ પટેલ તથા નિરવ કંસારાની પણ ભાગીદારી હતી.

પણ ગત 26.9.2018 નાં રોજ ગેસ એજન્સીમાં નફો વહેંચણી વખતે તેમની દિકરી રાશીનો હીસ્સો 33.33 ટકા હોવા છતાં તેને નફામાં ભાગ મળ્યો ન હતો. અન્ય ત્રણ ભાગીદારો પૈકી સવિતા પટેલ અને હેતલ પટેલે 20 ટકા નફો અને નિરવ કંસારાને 80 ટકા નફો વહેંચી લીધો હતો. આ બાબતે તેમને હમણા જાણ થતાં તેણે પારડીવાલા ગેસનાં સવિતા ભીખુ પટેલ, પ્રજ્ઞેશ ભીખુ પટેલ બંને રહે.સીટી ગાર્ડન વિજલપોર અને હેતલ પ્રકાશ પટેલ (રહે.વલસાડ) વિરૂધ્ધ નફામાં વહેંચણીમાં તેમની દિકરી રાશીને નફો ન આપી વિશ્વાસઘાતની ફરીયાદ નોંધાવી હતી.