1 March 2019

નવસારી પાલિકાનું બજેટ 80 ટકા ‘કોપી પેસ્ટ’ રિંગ રોડ, રંગ વિહાર અને સુએઝ પ્લાન્ટ રિપીટ


પાલિકાનું આગામી વર્ષનું બજેટ એક્ઝિક્યુટીવ કમિટી ચેરમેન પ્રેમચંદ લાલવાણીએ આજે ખાસ સભામાં રજૂ કર્યું હતું. 13.77 કરોડની પુરાંતવાળુ 273 કરોડ રૂપિયાના કદવાળુ બજેટ રજૂ કરી ચર્ચા માટે મુક્યું હતું. એકાદ કલાક ચર્ચા બાદ બજેટને વિપક્ષના વિરોધ વચ્ચે વધુ મતોથી પસાર કરવામાં આવ્યું હતું. બજેટ ઉપર નજર માંડતા ગત બે વર્ષથી જે બજેટ રજૂ થાય છે તેની સ્ટાઈલમાં જ આંકડામાં થોડો ફેરફાર કરી ‘કોપીપેસ્ટ’ જેવું જણાયું છે. રસ્તા, ગટર, સફાઈ, પાણી, ફાયર વિભાગ જેવા તમામ વિભાગોમાં આંકડામાં થોડો ફેરફાર કરી આવક અને ખર્ચા મુકવામાં આવ્યા છે. 15થી 20 ટકા પ્રોજેકટ જે થયા તે કાઢી નંખાયા છે તો 15 ટકા નવા કામો મુકવામાં આવ્યા છે. 80 ટકા કામો અગાઉના વર્ષ જેવા ‘કોપી પેસ્ટ’ થોડા આંકડા ફેરવી મુકાયા છે.

બજેટમાં જે ઉલ્લેખનીય ફેરફાર દેખાયો છે તે ‘કદ’નો છે. દર વર્ષે બજેટનું કદ વધતુ જ ગયું છે. આ વખતે સંભવત: પ્રથમ વખત અવાસ્તવિક કામો અને આંકડા કાઢી કદ ઘટાડાયું છે. 2018-19ના વર્ષનું બજેટનું કદ જ્યાં 344 કરોડનું હતું તે 71 કરોડ ઘટાડી 273 કરોડનું કરાયું છે. બજેટમાંથી અવાસ્તવિક પ્રોજેકટ ગાયબ કરવા બદલ ખુદ વિપક્ષે બજેટ બનાવનાર પ્રેમચંદ લાલવાણીને નહીં પરંતુ સીઓ દશરથસિંહ ગોહિલને અભિનંદન આપ્યા હતા. બજેટ ઉપર એક-સવા કલાક ચર્ચા થઈ અને તેને વિપક્ષના વિરોધ વચ્ચે વધુ મતોથી પસાર કરાયું હતું.

રિંગ રોડ, સુએઝ પ્લાન્ટ, રંગવિહાર જેવા પ્રોજેકટ સતત ત્રીજા વર્ષે રીપીટ કરાયા
આમ તો કેટલાક ન થનારા કામો મહદઅંશે બજેટમાં નહીં લેવાયા પરંતુ કેટલાક કામો સતત ત્રીજા વર્ષે બજેટમાં દેખાયા છે. આ કામોમાં રંગવિહાર ઓડિટોરિયમ, રિંગરોડ જમીન સંપાદન, દાદાભાઈ શોપિંગ સેન્ટર, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, લુન્સીકૂઈનો વિકાસ, તળાવોના વિકાસની કામગીરીનો સમાવેશ થાય છે. રંગવિહારનું મોટાભાગનુ કામ પુરું થયું છે. બાકીના કામ માટે 80 લાખ ફાળવાયા છે. રિંગરોડના જે બાકીના કામ માટે જમીન સંપાદન જરૂરી છે તે માટે 5 કરોડ ફાળવાયા છે. દાદાભાઈ શોપિંગ સેન્ટરના નવિનીકરણ માટે પુન: 2 કરોડ ફાળવાયા છે. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે 56 કરોડ આવી ગયા છે અને કામ શરૂ થવાની આરે છે પરંતુ કેટલીક જમીન સંપાદન કરવા માટે 2 કરોડ ફાળવાયા છે. પુન: આગામી વર્ષ માટે 6.22 કરોડ ફાળ‌વાયા છે તેથી બાકી રહેલા કામો થવાની શક્યતા છે.

ડ્રીમ પ્રોજેકટ કરાય પરંતુ રસ્તા, પાણીની સમસ્યા યથાવત
પ્રાથમિક જરૂરિયાત નથી એવા કરોડોના કામો થયા છે. જેવા કે તળાવોના વિકાસ, લેકફ્રંટ, નવા બાગબગીચા, સ્પોર્ટસ કોમ્પલેક્સ, જીમનો સમાવેશ થાય છે. જોકે નોંધનીય બાબત એ છે કે, પાલિકાની પહેલી પ્રાથમિકતા છે એ રસ્તા, પાણીની સમસ્યા ઓછી થવાની જગ્યાએ વધી જ છે. છેલ્લા વર્ષોમાં કરોડો રૂપિયા ખર્ચાયા છે છતાં પાલિકા બે ટાઈમની જગ્યાએ એક ટાઈમ પાણી આપે છે. કેટલીક જગ્યાએ તો એક ટાઈમ પણ પાણી પૂરતું નથી. શહેરના રસ્તાઓ બિસમાર છે પરંતુ તેનું નવિનીકરણ બાકી છે. આ મુદ્દો વિપક્ષી સભ્ય મેહુલ ટેલરે ઉઠાવી ડ્રીમ પ્રોજેકટ પહેલા પ્રાથમિક સમસ્યા પાણી, રસ્તા ઉપર ધ્યાન આપવા ‘ટોંટ’ માર્યો હતો.

રેલવે ફલાયઓવર તેમજ CCTV આ વખતે ગાયબ
છેલ્લા ચારેક વર્ષથી બજેટમાં રેલવે ફલાયઓવર અને શહેરમાં સીસીટીવી કેમેરા મુકવાના કામો મુકાઈ છે પરંતુ આગામી વર્ષના બજેટમાંથી ગાયબ કરાયા છે. આ પ્રશ્ન પાલિકાની સભામાં સભ્ય ધવલ દેસાઈએ ઉઠાવ્યો ત્યારે શાસક પક્ષમાંથી જવાબ અપાયો કે, રેલવે ફલાયઓવરનું કામ પાલિકા પાસેથી માર્ગ મકાન વિભાગ હસ્તક ગયું હોવાથી કાઢી નંખાયું છે. જ્યારે શહેરમાં સીસીટીવી મુકવાનું કામ આ વખતે બજેટમાંથી કેમ કઢાયું તે જાણી શકાયું નથી. ચોરીના બનાવ તથા સુરક્ષા માટે ‘સીસીટીવી’ જરૂરી હોય તાકિદે કરવાની માગ વિપક્ષે કરી હતી.

બજેટ અંગે શાસક-વિપક્ષ શું કહે છે
2019-20નું પાલિકાનું બજેટ વિકાસશીલ, વાસ્તવલક્ષી અને પારદર્શી છે. મહત્તમ પ્રોજેક્ટ સમયસર પૂરા કરાશે. - અલકા દેસાઈ, ભૂતપૂર્વ પ્રમુખ
બજેટમાં અનેક જગ્યાએ આંકડામાં તફાવત છે. જોકે કદ ઘટાડાયું એ વાસ્તવલક્ષી દિશામાં છે. લોકોને કેટલો ફાયદો થશે તે જોવું રહ્યું. - અંજુમ શેખ, નેતા, વિપક્ષ
બજેટ વિકાસલક્ષી, સર્વાંગી અને લોકોપયોગી તથા વાસ્તવિક પણ છે. તેમાં વાસ્તવિક પ્રોજેકટો અને કામોને જ સમાવાયા છે. - દશરથસિંહ ગોહિલ, ચીફ ઓફિસર

સિટીબસ, નાઈટ શેલ્ટર, નવુ જીમ, વેન્ડર્સ માર્કેટ સહિતના નવા પ્રોજેકટો સમાવાયા
પાલિકાના બજેટમાં આગામી વર્ષમાં શહેરમાં અનેક પ્રોજેકટો લાવવાની ખાતરી અપાઈ તથા નાણાં પણ ફાળવાયા છે. જે પ્રોજેકટ નવા આવનાર છે તેમાં શહેરમાં સિટીબસ, નિરાશ્રિતો માટે ‘નાઈટ શેલ્ટર’, તળાવોનું જોડાણ, વેન્ડર્સ માર્કેટ, જલાલપોર વિસ્તારમાં જીમ બનાવવું, પશ્ચિમે કૈલાશધામ વગેરેનો સમાવેશ થાય છે. પી.પી.પી.થી ચાલનાર સિટીબસ માટે પાલિકાએ પોતાના ભાગના 50 લાખ ફાળવ્યા છે. નિરાશ્રિતોના નાઈટ શેલ્ટર માટે 2.40 કરોડ, પાણીની સમસ્યાને ઓછી કરવા તળાવોના જોડાણ માટે 1.90 કરોડ, લારીગલ્લાના વેન્ડર્સ માર્કેટ બનાવવા 50 લાખ, જલાલપોર વિસ્તારમાં પણ નવું જીમ બનાવવા 1 કરોડ રૂપિયા અને પશ્ચિમ વિભાગે કૈલાશધામ (સ્મશાનગૃહ) નથી તેના માટે પણ 25 લાખ ફાળવાયા છે.

લાલવાણીનો રેકર્ડ 
નવસારી પાલિકામાં બજેટ એક્ઝિક્યુટીવ કમિટીના ચેરમેન રજૂ કરતા આવ્યા છે. અનેક ચેરમેનોએ બજેટો રજૂ કર્યા છે પરંતુ સૌથી વધુ બજેટ હાલના ચેરમેન પ્રેમચંદ લાલવાણીએ જ રજૂ કર્યા છે. 13મી વખત લાલવાણીએ એક્ઝિ. ચેરમેનની રૂએ બજેટ રજૂ કર્યું છે.

આવકના નવા સ્ત્રોત નહીં ગ્રાંટ ઉપર જ નિર્ભર
બજેટમાં વેરામાં ખાસ વધારો નથી. નવી આવક જે મળવાની છે તેમાં નવા જલાલપોરના જીમની ફી રૂ. 25 લાખ અને શોપિંગ સેન્ટર માર્કેટના ડોનેશન, ભાડુ પેટે 1.50 કરોડ છે. મહત્તમ આવક ગ્રાંટની જ છે. 14મી નાણાંપંચની ગ્રાંટ, અમૃત યોજના, યુડીપી, સ્વર્ણિમ જયંતી, આવાસની ગ્રાંટ વગેરે છે.

બજેટ આંકડામાં 

રૂપિયો ક્યાંથી આવશે ? 
ઉઘડતી સિલક 18 પૈસા
મહેસૂલી આવક 18 પૈસા
યોજનાકીય આવક 63 પૈસા
અસાધારણ દેવા 01 પૈસા
કુલ 100 પૈસા

રૂપિયા ક્યાં જશે ? 
કુલ મહેસૂલ ખર્ચ 63 પૈસા
યોજનાકીય ખર્ચ 31 પૈસા
અન્ય ખર્ચ 01 પૈસા
બંધ સિલક 05 પૈસા
કુલ 100 પૈસા