2 March 2019

બાપુએ જ્યાંથી મીઠા પર કરનાબૂદીનો સત્યાગ્રહ છેડ્યો તે સ્થળને નિહાળવા ‘કર’ ઝીંકાયો


ગાંધીજી સાબરમતી આશ્રમથી મીઠા સત્યાગ્રહ કરવા 1930મા દાંડીકૂચ કરી જ્યાં પહોંચ્યા એ ઐતિહાસિક દાંડીમાં કેન્દ્ર સરકારે નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ બનાવ્યું છે. જેનું ગત 30મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણ થયાના બીજા જ દિવસથી પ્રવાસીઓ મેમોરિયલ જોવા આવી રહ્યા છે. 31મી જાન્યુઆરીથી 28મી ફેબ્રુઆરી એક મહિનો મેમોરિયલ જોવા માટે કોઈ જ ફી રખાઈ ન હતી અને લાખો લોકોએ મેમોરિયલ નિહાળ્યું હતું.

જોકે એક મહિના બાદ અચાનક તંત્રએ મેમોરિયલને જોવા 1લી માર્ચથી પ્રવેશ ફી લેવાનો નિર્ણય કર્યો અને 1લી માર્ચથી શરૂઆત પણ કરી દીધી છે. તંત્રએ વિદેશી પર્યટકો માટે રૂ. 100 અને મોટેરાઓ માટે રૂ. 20 તો નક્કી કર્યા પરંતુ જે કમાતા નથી, અભ્યાસ અર્થે દાંડીનો ઈતિહાસ નિહાળવા માંગે છે એ વિદ્યાર્થીઓને પણ ન છોડી તેની પાસે પણ રૂ. 10 લેવાનું શરૂ કર્યું છે. શરૂઆતના દિવસોમાં ફી માટે ‘ના’ ‘ના’ અને 1 મહિના બાદ ફી ઉઘરાણા શરૂ કરતા વિવાદના એંધાણ મળી રહ્યા છે. અહીં ઉલ્લેખનીય છેકે આકરા ‘કર’ માટે જે ગાંધીજી લડ્યા તેના સ્મારકમાં જ સરકારે ફી (કર) લેવાની શરૂઆત કરી છે.

PMના નિર્દેશનું પણ ઉલ્લંઘન
દાંડી મેમોરિયલના લોકાર્પણ વેળા સભા સંબોધતા વડાપ્રધાન મોદી લોકો પાસે વચન લીધુ હતું કે તમારે ત્યાં આવનાર તમામ મહેમાનોને દાંડી જોવા જરૂર લાવજો. આ ઉપરાંત તેમણે તમામ શાળાના બાળકોને (જેમાં ગરીબ પણ હોય) પણ ઐતિહાસિક દાંડીકૂચની કૃતિ નિહાળવા લાવવા પણ કહ્યું હતું. વડાપ્રધાનનો નિર્દેશ ‘ફી’ ન લેવા તરફ પણ હતો. શું તેમના દિશાસૂચનનું ઉલ્લંઘન થયું છે

પોણા બે લાખ પ્રવાસી
30મી જાન્યુઆરીના રોજ વડાપ્રધાને લોકાર્પણ કર્યા બાદ પ્રવાસીઓની અવરજવર બીજા જ દિવસ 31મીથી શરૂ થઈ ગઈ હતી. આજદિન સુધીમાં મહિનામાં કેટલાક પ્રવાસી આવ્યા તેનો ચોક્કસ આંક નથી પરંતુ અંદાજે પોણા બે લાખથી વધુનો મુકાઈ રહ્યો છે. જેમાં દર રવિવારે સૌથી વધુ તો 15થી 20 હજાર પ્રવાસી આવે છે. આ ઉપરાંત શનિવાર અને સોમવારે (નવસારીમાં કારખાનામાં રજા) 2થી 4 હજાર જેટલા પ્રવાસી આવે છે.

આવ્યા પછી ખબર પડી
અમે દાંડી ગાંધી સ્મારક જોવહા જ સુરતથી આવ્યા હતા. એ વખતે ફી અંગે ખ્યાલ જ ન હતો. અહીં આવ્યા પછી ફી વસૂલવાની શરૂઆત થઈ હોવાનું માલુમ પડ્યું હતું. જોકે તે યોગ્ય નથી, ગાંધીજીના સ્મારક માટે ફી ઉઘરાવાય ખરીω આ ખોટુ છે. અનિલ પટેલ, મુુલાકાતી, સુરત

દાંડી ‘કરમુક્ત’ જ હોય
ગાંધીજીએ તો ‘કર’ સામે સત્યાગ્રહ કર્યો હતો. એ દાંડીમાં ફી (કર) લેવાય !ω દાંડી તો ‘કરમુક્ત’ જ હોવું જોઈએ. મારા મતે દાંડી વિસ્તાર કરવિહોણો હોવો જોઈએ. સરકાર કરોડો ખર્ચે છે ત્યાં મેમોરિયલના મેઈન્ટેનન્સ માટે દાંડીમાં પણ ગ્રાંટ આપવી જોઈએ. નટુભાઈ નાયક, ગાંધી વિચાર પ્રચાર ટ્રસ્ટ સભ્ય

રાજ્ય કેબિનેટનો નિર્ણય 
મને દાંડીના સોલ્ટ મેમોરિયલના સંચાલનનું કામ સોંપવામાં આવ્યું છે. મેમોરિયલ માટે ફી લેવાનો નિર્ણય રાજ્ય સરકારની કેબિનેટનો છે. માટે આ મામલે હું વધુ કંઈ પણ કહી શકુ એમ નથી. મારી પાસે એવી કોઈ સત્તા નથી. યોગેશ સુતરીયા, સંચાલક, દાંડી મેમોરિયલ

બાપુની લડત શું હતી
દાંડી જેવા ઐતિહાસિક સ્થળે ‘ફી’ લેવાવી ન જોઈએ. ગાંધીજીએ દાંડીમાં તો ‘કર’ માટે લડાઈ કરી હતી તેથી અહીં તો ફી લેવાવી જોઈએ નહીં. સરકારે આ માટે ગ્રાંટ ફાળવવી જોઈએ. નહી તો અંગ્રેજો અને આપણા લોકોમાં શું ફરક રહે. કાંતિભાઈ પટેલ, મેમોરિયલના પ્રવાસી, જલાલપોર

જવાનને તો છૂટ આપો
દેશની જે રક્ષા કરે છે એ સૈનિકોને તો સ્મારકની મુલાકાત ફીમાં છૂટ હોવી જ જોઈએ. અન્ય કેટલીક જગ્યા એ છૂટ હોય છે તેવી ફીમાં છૂટ હોવી જોઈએ. જેને કારણે દેશના વધુમાં વધુ જવાનો આ ઐતિહાસિક સ્મારકની મુલાકાત લઈ ઇતિહાસ જાણી શકે. નીતિન પાટીલ, નિવૃત્ત આર્મીમેન, વિજલપોર

મફત રાખવા જણાવ્યું હતું
પૂરતી મેઈન્ટેનન્સ ગ્રાંટ ફાળવાય અને આ દર્શનીય, લોકોને પ્રેરણા મળે એવું સ્થળ હોય લોકો પાસે કંઈ જ ન લેવાય (નાણાં) તો સારુ એવું સૂચન મેં પણ કર્યું હતું. સુદર્શન આયંગર, ભૂતપૂર્વ કુલનાયક, ગુજરાત વિદ્યાપીઠ તથા હાઈલેવલ દાંડી મેમોરિયલ કમિટીના ઉપપ્રમુખ

તંત્ર અન્ય કોઈ વિકલ્પ વિચારે
ગાંધીજીએ અંગ્રેજો સામે મીઠા સત્યાગ્રહની શરૂઆત કરી હતી. જોકે અહીં તો આપણા દેશના તંત્ર એ જ આ ઐતિહાસિક સ્મારકના દર્શન માટે ફી ઉસેટવાની શરૂ કરી દીધી છે. શુક્રવારે લગભગ તમામ મુલાકાતીઓ અચંબામાં પડી ગયા હતા. તેમના મનમાં રોષ હતો કે વડાપ્રધાન મોદીએ લોકાર્પણ વખતે કહ્યું હતું કે આ સ્મારકની મુલાકાત અચૂક લેશો. આ એક રીતે આમંત્રણ હતું. ત્યારે દિવ્ય ભાસ્કર આ મામલે અડગપણે લોકોની લાગણી અને માગણી સાથે છે. રાષ્ટ્રપિતાનું અન્ય કોઈ સ્મારક હોય તો ઠીક છે પરંતુ આ સ્થળેથી તો ખુદ બાપુએ જ કર નાબુદી ચળવળની શરૂઆત કરી હતી. આમ, તંત્ર રખરખાવ ખર્ચ માટે કોઈ અન્ય સ્ત્રોત વિચારે એ ખૂબ જ જરૂરી છે, જેથી કરીને આમજનતા અને ખાસ કરીને છેવાડાની તેમજ ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ આ સ્મારકની મુલાકાત લઈ શકે અને તેને માણી શકે.