10 March 2019

રજૂઆતો બાદ નવસારીને બાન્દ્રા- ભાવનગર ટ્રેનનું સ્ટોપેજ


નવસારી રેલવે સલાહકાર સમિતિ તથા સાંસદ સી.આર.પાટીલ તથા સ્થાનિક ધારાસભ્યો દ્વારા કેટલાક સમયથી સુપર ફાસ્ટ ટ્રેનોના સ્ટોપેજ બાબતે પશ્ચિમ રેલવે વિભાગના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવતી હતી. જેમાં ગતરોજ બાંદ્રા- ભાવનગર ટ્રેનનું સ્ટોપેજ નવસારી મળતા રાત્રિના સમયે આ ટ્રેનને આવકારવા રેલવે સમિતિના સભ્યો આવીને ટ્રેનનાં કર્મચારીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ટ્રેનને કારણે જૈન સમાજના તીર્થયાત્રીઓને, સૌરાષ્ટ્રવાસીઓ તથા સૌરાષ્ટ્રના યાત્રાધામોના દર્શને જતા નવસારીના લોકોને ઘણો લાભ થશે. આ ટ્રેનની માંગ છેલ્લા 6 માસથી કરવામાં આવતી હતી.

છેલ્લા છ માસથી નવસારી રેલવે સલાહકાર સમિતિના સભ્યો જયદીપ દેસાઇ, સંજય શાહ, આસીફ બરોડાવાલા, સંતોષ લોટાણી, જીગીશ શાહ તથા અન્ય સભ્યો દ્વારા રેલવે વિભાગને ભાવનગર બાંદ્રા સુપર ફાસ્ટ ટ્રેન સ્ટોપેજની માંગ કરતા હતા. રજૂઆતને પગલે આ ટ્રેનનું સ્ટોપેજ મંજુર થયું છે. રેલવે પ્રશાસન દ્વારા 8માર્ચથી રાત્રિના 12 વાગ્યાનાં સુમારે નવસારી સ્ટેશને ભાવનગર બાંદ્રા સુપર ફાસ્ટ ટ્રેન ઉભી રહી હતી. રાત્રિના રેલવે કમિટીના સભ્યોએ સુરતથી પધારેલા સી.એમ.આઈ.જાદવનું સ્વાગત કર્યું હતું. રેલવે સ્ટેશન માસ્તર ઉદયસિંહ સહિતે ટ્રેનના ડ્રાઈવરનું સ્વાગત કર્યું હતું. નવસારી રેલવે સ્ટેશને ટ્રેન ભાવનગર બાંદ્રા સુપર ફાસ્ટ ટ્રેન દરરોજ ઉભી રહેશે. નવસારીમાં ટ્રેન હવે રાત્રિના 12.43 બાંદ્રા(અપ)થી આવશે અને ભાવનગર (ડાઉન )થી મળસ્કે 4.11 વાગ્યે નવસારી ઉભી રહી બાન્દ્રા જવા રવાના થશે.

અન્ય ટ્રેનના સ્ટોપેજની માંગ બે વર્ષથી થાય છે
નવસારીમાં ગત રાત્રિના સમયે ભાવનગર બાંદ્રા સુપર ફાસ્ટ ટ્રેનનું સ્ટોપેજ મળતા હવે દરરોજ ટ્રેન નવસારીમાં ઉભી રહેશે ત્યારે રેલવે કમિટીના સભ્યોએ આ સિવાય બીજી ટ્રેનોમાં બાંદ્રાથી જયપુર ટ્રેન જેને કારણે રાજસ્થાનથી સુરત આવતા ડાયમંડ તથા જ્વેલરીના વેપારીઓને લાભ મળી શકે એમ છે અને બીજી ટ્રેનની માંગમાં બાંદ્રાથી અજમેર (ઉદયપુર) સુપર ફાસ્ટ ટ્રેનનાં કારણે નવસારીનાં લોકો શ્રીનાથજી જવા માટે કોટા માર્બલના વેપારીઓ નવસારી આવવા માટે સુરત કે અન્ય સ્થળોએ ટ્રેન ના સ્ટોપેજો કરે છે. તેને બદલે આ ટ્રેન નવસારી ઉભી રહેતા લાભ થશે.

આ ટ્રેન શરૂ થતાં કોને લાભ થશે
નવસારી માં જૈન સમાજ ની અને સૌરાષ્ટ્રવાસીઓની સારી વસ્તી છે જેઓ સૌરાષ્ટ્ર જવા માટે સુરતથી ટ્રેન પકડે છે ભાવનગર બાંદ્રા સુપર ફાસ્ટ ટ્રેન ઉભી રહેતા હવે નવસારીના જૈન સમાજને ધર્મતીર્થ પાલીતાણા જવા, સૌરાષ્ટ્રવાસીઓને ભાવનગર તથા આસપાસના વિસ્તારોમાં જવા માટે અને સોરાષ્ટ્રમાં આવેલા તીર્થસ્થાનોના દર્શન કરવા સામાન્ય મુસાફરો પણ જઈ શકશે.