15 March 2019

અકસ્માત મુદ્દે નવસારી કમલમ સમરાંગણ બન્યું, કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી


નવસારીમાં ગુરૂવારે નવસારી લોકસભા -25 માટે નવસારી નાં ભાજપ કાર્યાલય કમલમ ખાતે સંભવિત ઉમેદવારો તેમના સમર્થકો સાથે આવ્યા હતા જેમાં સાંજના સુમારે સુરતની ચાર વિધાનસભા વિસ્તારનાં સમર્થકો સંભવિત ઉમેદવારો સાથે આવ્યા હતા, જેમાં કોઈ બાબતે બીલીમોરા શહેર ભાજપ પ્રમુખ તથા સુરતનાં સમર્થક સાથે કોઈ બાબતે બોલાચાલી થતા બીલીમોરા શહેર ભાજપનાં પ્રમુખે સુરતનાં યુવાનને લાફો ઝીંકી દઈ લાતો મારી હતી. જોકે આ બાબતે વધુ સંઘર્ષ થાય તે પહેલા જ નવસારી ભાજપનાં અગ્રણીઓએ બંને યુવાનોને છુટા પાડી મામલાનું સમાધાન કરાવ્યું હતું. જોકે આ ઘટનાનાં ભાજપના કાર્યકરોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.

ગુરૂવારે લોક્સભા બેઠક નવસારી માટે 7 વિધાનસભાના સંભવિત ઉમેદવારોએ તેમના સમર્થકો સાથે સવારથીજ ઉમટયા હતા, જેમાં સાંજ સુધીમાં શાંત વાતાવરણમાં રજૂઆત કરવામાં આવી હતી. સાંજે લીંબાયત વિધાનસભાનાં સમર્થકો પણ આવ્યા હતા. જેમાં સુરતનાં કૃપેશ નામનો સમર્થક તેની કાર લઇને કમલમ ખાતે આવતો હતો ત્યારે રસ્તા પરથી પૂર્વ ધારાસભ્ય લક્ષ્મણ પટેલ પસાર થતા હતા. એ સમયે કારચાલકે કાર પૂરઝડપે લાવી લક્ષ્મણભાઈને અડફેટે લેવા જતો હતો ત્યારે લક્ષ્મણભાઈ ત્યાંથી ખસી જતા અકસ્માતથી બચી ગયા હતા.

આ બાબતે બીલીમોરા ભાજપનાં શહેર પ્રમુખ પ્રજ્ઞેશ પટેલને ખબર પડતા સુરતના કાર ચાલક કૃપેશ નામના યુવાનને વાત કરતા કૃપેશે પણ વળતો જવાબ આપતા પ્રજ્ઞેશે યુવાનને લાફો ઝીંકી દઈને લાત પણ ઉગામી હતી. આ ઘટના બાદ સુરતના સમર્થકો આવતા મામલો વધુ વણસે તે પહેલા નવસારી ભાજપનાં અગ્રણીઓ ભુરાભાઈ તથા નરેશ પટેલ, મિરલ પટેલે આવીને બંને યુવાનોને છુટા પાડ્યા હતા. જોકે કમલમ ખાતે બનેલી ઘટના નગરજનોમાં ચર્ચાનો વિષય બની હતી.

અકસ્માતની સ્થિતિ ઉભી થતા બોલાચાલી થઇ
ભાજપ કાર્યલય ખાતે અમે હાજર હતા ત્યારે અજાણ્યો યુવાન કાર લઇને ઝડપથી ધસી આવ્યો હતો ત્યારે અકસ્માત થાય તેવી સ્થિતિ ઉભી થઇ હતી. તેને કહેવા જતા જીભાજોડી થતા તેને તે બાબતે કહેવા જતા થોડી માથાકૂટ થઇ હતી. જોકે બાદમાં બધું સમુસુતરું પાર પડ્યું હતું એટલે વિવાદનો કોઈ પ્રશ્ન નથી. - પ્રજ્ઞેશ પટેલ, પ્રમુખ, બીલીમોરા શહેર ભાજપ