17 March 2019

આર્મીમેનના મોત પ્રકરણમાં એપા.ના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે ફરિયાદ


નવસારીમાં ગત 25મી ઓક્ટોબરે તીઘરા ખાતે આવેલા પાલ્મ સ્પ્રિંગ બી એપાર્ટમેન્ટમાં પોતાનાં ઉપરી અધિકારીને સરકારી ટપાલ આપીને પરત આવતા આર્મીમેનનું પાંચમાં માળની લીફ્ટ અચાનક ખુલી પડી જવાથી ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટનામાં મૃતકની પત્નીએ શનિવારે આ એપાર્ટમેન્ટના સંચાલકોને લીફ્ટ ખરાબ હતી છતાં પણ લીફ્ટ રિપેર ન કરાવી બેદરકારી બદલ તેમના પતિનું મોત થયું અંગેની ફરિયાદ શનિવારે શહેર પોલીસ મથકે કરવામાં આવી હતી.

તીઘરા ખાતે આવેલા પાલ્મ સ્પ્રિંગ-બી એપાર્ટમેન્ટમાં ગત 25મી ઓકટોબર 2018ના રોજ પોતાનાં ઉપરી અધિકારીને સરકારી ટપાલ આપીને પરત આવતા આર્મીમેન રાજકુમાર યાદવનું પાંચમાં માળે લીફ્ટ અચાનક ખુલી જતા નીચે પડી ગયા હતા. આ અકસ્માતમાં તેમનું ગંભીર ઈજા ને સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે આ ઘટનાની આકસ્મિક મોત થયાની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

મૃતક આર્મીમેન રાજકુમાર યાદવની પત્ની અનીતા યાદવ (રહે.કાલી પહાડી, મધ્યપ્રદેશ, હાલ ઝાંસી)એ શનિવારે શહેર પોલીસ મથકે પાલ્મ સ્પ્રિંગ બીના પ્રમુખ અને ઉપપ્રમુખ વિરૂદ્ધ બેદરકારી બદલ તેમના પતિનું મોત નીપજ્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 25 ઓક્ટોબરે તેમના પતિ રાજકુમારનું મોત આકસ્મિક નહીં પરંતુ એપાર્ટમેન્ટના સંચાલકોની બેદરકારીને લીધે થયું હતું તેવું તેમના પતિનાં આર્મીના સ્ટાફ દ્વારા જાણવું મળ્યું હતું. જેમાં પાલ્મ સ્પ્રિંગ-બી એપાર્ટમેન્ટમાં આવેલી લીફ્ટ ખામીયુકત હતી અને લીફ્ટ ચાલુ હોય ત્યારે પણ લીફ્ટનો દરવાજો અચાનક ખુલી જતો હતો.

લીફ્ટ બગડેલી હતી છતાં પણ એપાર્ટમેન્ટના પ્રમુખ અશ્વિન ચંડેલ અને ઉપપ્રમુખ સમીર શાહ દ્વારા કોઈપણ વ્યક્તિનો જીવ જાય તેવી શક્યતા હોવાનું જાણવા છતાં તેને રીપેરીંગ કરાવી ન હતી. તેના કારણે તેમના પતિ રાજકુમાર યાદવનું પાલ્મ સ્પ્રિંગ બી એપાર્ટમેન્ટના પાંચમાં માળેથી લીફ્ટનો દરવાજો ખુલી જતા લીફ્ટના ખાડામાં પડતા ગંભીર ઈજાને પગલે મોત થયું હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. ઘટનાની તપાસ પોસઈ કરી રહ્યા છે. 

પ્રમુખ - ઉપપ્રમુખની અટક કરી કાર્યવાહી
લીફ્ટ ન રીપેર કરાવવાની ભૂલ સંચાલકો દ્વારા કરવામાં આવી હોવાની ફરિયાદ મળી હતી. જેથી એપાર્ટમેન્ટના પ્રમુખ-ઉપપ્રમુખની શનિવારે ફરિયાદનાં આધારે અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. - ડી.એચ.વાઘેલા, પીએસઆઈ, તપાસકર્તા અધિકારી નવસારી શહેર