23 March 2019

ત્રણ મહિનાના દીકરાનું મોઢું જોવા આવેલો વિજલપોરનો સૈનિક અંબિકામાં ડૂબી ગયો


મૂળ મહારાષ્ટ્રના જલગાંવ વિસ્તારના મોતીલાલ બારી 40 વર્ષથી વિજલપોરમાં રહે છે. તેનો 32 વર્ષીય દીકરો સુશીલ આર્મીની જીઆરઈએફ વિંગમાં પુના ખાતે ફરજ બજાવતો હતો. સુશીલને લગ્નજીવન થકી 4 વર્ષીય દીકરી અને 3 મહિના અગાઉ જ પુત્ર પ્રાપ્ત થયો હતો. રજા મુકી સુશીલ 3 મહિનાના લાડકવાયા દીકરાને જોવા વિજલપોર સોહમ સોસાયટી ઘરે આવ્યો હતો. ઘરે આવ્યા બાદ ધુળેટીના દિવસે ફરવા માટે મિત્રો સાથે મટવાડ અંબિકા નદીના કિનારે આવ્યા હતા.

સુશીલ મિત્રો સાથે અંબિકા નદીમાં નહાવા ઉતર્યો હતો. નહાતી વખતે સુશીલ અચાનક જ નદીના પ્રવાહમાં ખેંચાતો ગયો અને ઉંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો. ડૂબતા સુશીલને તુરંત કોઈ બચાવી શક્યું ન હતું. બાદમાં એક યુવાને સુશીલ જ્યાં ડૂબ્યો હતો ત્યાં શોધખોળ કરતા સુશીલનો પેન્ટ હાથે લાગ્યો અને તેને બહાર કાઢ્યો હતો. બેભાન હાલતમાં જણાતા સુશીલને ખારેલ હોસ્પિટલમાં લઈ જવાતા ત્યાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યો હતો.

ધુળેટીના દિવસે પિતા સાથે લેવાયેલી આ તસવીર પુત્ર માટે અંતિમ સંભારણું બની રહી
મૃતક સુશીલનું વિજલપોરમાં આવેલું ઘર, જ્યાં ઘટના ઘટી હતી એ મટવાડ નજીક આવેલી અંબિકા નદી, સુશીલે પુત્ર સાથે લીધેલી ધુળેટીના દિવસની તસવીર જે અંતિમ બની રહી હતી. સુશીલ આર્મીમાં ફરજ બજાવતો હોઈ તેને ત્રિરંગા સંગ ગાર્ડ ઓફ ઓર્નર પણ અપાયું હતું.

શહીદને છાજે એવી શ્રદ્ધાંજલિ અપાઈ
સુશીલનો મૃતદેહ વિજલપોર આવતા ગમગીની છવાઈ ગઈ હતી. તે આર્મીમાં ફરજ બજાવતો હોઈ ત્રિરંગા સંગ ગાર્ડ ઓફ ઓર્નર પણ અપાયું હતું. તેની સ્મશાનયાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. શહીદને છાજે એવી શ્રદ્ધાંજલિ આ આર્મીમેનને અપાઈ હતી.

અહીં 3 વર્ષ અગાઉ બારડોલીથી આવેલા કોલેજના બે વિદ્યાર્થીના મોત થયા હતાં
મટવાડ ખાતે અંબિકા નદી એ આવેલો એક પથ્થર છે, જેને હાથિયા પથ્થર તરીકે અહીના લોકો ઓળખે છે. જ્યાં એક ઊંડો ખાડો છે અહી ડૂબી જવાના 4 જેટલા બનાવો બન્યા છે. જેમાં 6 વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યા છે. 2-3 વર્ષ પહેલા અહી બારડોલી કોલેજના વિદ્યાર્થીઓ પણ અહી નહાવા આવ્યા હતા. જેમાં બે વિદ્યાર્થીના મોત નીપજયા હતા. જેમાં એક વિદ્યાર્થી બારડોલી તાજપોર કોલેજમાં અભ્યાસ કરતો હતો. તેમ છતાં આ સ્થળે સાવચેતીના કોઈ પગલા લેવાયા નથી.

બૂમાબૂમ સાંભળી અને જોયું તો
મારો ભાઈ અને અન્ય મિત્રો નદીમાં નહાવા ગયા પરંતુ હું નહાવા ન ગયો અને નદીકિનારે થોડે દૂર વાહનનું પાર્કિંગ હતું ત્યાં ઉભો હતો. થોડા સમય બાદ બૂમાબૂમ સાંભળી અને જોયું તો કોઈને નદીમાંથી બહાર કાઢ્યો હોય એમ જણાયું. વધુ નજર નાંખી તો મારો ભાઈ જ હતો. ભાઈ સાથે દુર્ઘટના કઈ રીતે બની એ મને કંઈ જ ખબર પડી ન હતી. પરંતુ જે કંઈ અચાનક થયું એ હું સમજી ન શક્યો. મારી મનોસ્થિતિ વર્ણવી શકુ તેમ નથી. -યોગેશ બારી, મૃતકનો ભાઈ, વિજલપોર

કરુણાંતિકા
નાનો ભાઈ પણ સુશીલ સાથે અંબિકા નદીએ આવ્યો હતો પરંતુ તે નાહવા ગયો ન હતો, મિત્રોએ બચાવવા પ્રયાસ કર્યા પણ બચાવી ન શક્યા

સુશીલનો મોટો ભાઈ પણ લશ્કરમાં
સુશીલ તો આર્મીમાં હતો જ પરંતુ તેનાથી મોટોભાઈ સંદેશ પણ આર્મીમાં જ ફરજ બજાવે છે. બે ભાઈઓ દેશની રક્ષામાં હતા. સુશીલનો નાનો ભાઈ યોગેશ વિજલપોર જ રહે છે અને તે હિરાનું કામકાજ કરે છે. પિતા પણ ભૂતકાળમાં હિરામાં કામ કરતા હોવાનું જાણવા મળે છે.

4 દિવસની રજામાં દીકરાને જોવા આવ્યો
સુશીલને બે દિવસની રજા હતી અને વધુ બે દિવસ રજા મુકી ચાર દિવસ માટે જ પુનાથી ત્રણ મહિનાના નાના દીકરાને જોઈ જાઉં એમ કહી આવ્યો હતો. પુનાથી તેની મણીપુર બાજુ બદલી પણ આવી ગઈ હતી.મોતીરામ બારી, -મૃતકના પિતા, વિજલપોર