25 March 2019

નવસારી પોલીસ હવે 'તીસરી આંખ'થી નજર રાખશે


નવસારી શહેરમાં પોલીસ સુરક્ષા અને સલામતી માટે સજ્જ છે પરંતુ હવે તેની સાથે પોલીસને ‘તીસરી આંખ’ તેમાં મદદરૂપ થશે. શહેરમાં અલગ અલગ મુખ્ય વિસ્તારોમાં 25 જગ્યાએ 50થી વધુ સીસીટીવી મુકવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ તેની ગોઠવણ થઈ ગઈ છે. પોલીસ કંટ્રોલરૂમમાંથી પોલીસ હવે શહેરની તમામ શંકાસ્પદ ગતિવિધિઓ ઉપર પણ નજર રાખશે.

ક્રાઈમ ડિટેકશન ઉપરાંત અનેક બાબતોમાં આજના જમાનામાં સીસીટીવી ખુબ જ ઉપયોગી સાબિત થયું છે અને થઈ રહ્યું છે. જે બાબતને નજર સમક્ષ રાખી ગુજરાત સરકારે રાજ્યના જિલ્લા મથકોમાં શહેર, યાત્રાધામોને ‘સેફ એન્ડ સિક્યોર ગુજરાત’ અંતર્ગત સીસીટીવીથી સજ્જ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં અહીંના જિલ્લા મથક નવસારી શહેરને પણ સીસીટીવીથી સજ્જ કરાશે.

નવસારી પંથકમાં કુલ 25 જગ્યાએ અંદાજે 50થી વધુ સીસીટીવી કેમેરાઓ પ્રાઈમ લોકેશન ઉપર લગાવવામાં આવશે. શહેરના મુખ્ય રસ્તા, ત્રણ-ચાર રસ્તા જેવા જંકશનો ઉપર ખાસ લગાવાશે. જેની શરૂઆત થઈ ગઈ છે અને કેટલીક જગ્યાએ કેમેરા લાગી પણ ગયા છે. નવસારી ઉપરાંત વિજલપોરમાં પણ એકાદ જગ્યાએ હાલ સીસીટીવી લગાવાશે. આ પ્રોજેકટનો ખર્ચ સરકાર જ ભોગવશે. આ સીસીટીવીની વિગતોના સ્ટોરેજ માટે નવસારી ડીએસપી કચેરીમાં કંટ્રોલરૂમ બનાવી દેવાયો છે. જ્યાં નિષ્ણાંત પોલીસકર્મીઓ ડેટાઓનો અભ્યાસ કરશે. મળતી માહિતી મુજબ 31મી માર્ચ સુધીમાં પ્રોજેકટ કાર્યરત થવાની નેમ હતી પરંતુ 15 દિવસ વધુ લાગશે એવી શક્યતા છે.

હાલના જ બે ગુના સીસીટીવીથી ઉકેલાયા
  • નવસારી જિલ્લા પોલીસને અનેક ગુના ડિટેકટ કરવામાં સીસીટીવી મદદરૂપ થયા છે. ખાનગી યા અન્ય રીતે મુકાયેલા કેમેરાનો ઉપયોગ કરાય છે. 
  • હાલમાં જ દશેરા ટેકરીની 8 વર્ષીય બાળકીનું અપહરણ કરાયું તે ગુનો શોધવામાં સીસીટીવી મદદરૂપ બન્યું છે. 
  • બે દિવસ અગાઉ જ એલસીબીએ નવસારી-સુરતની 8 ચોરીના આરોપીઓને પકડ્યા તેમાં પણ આરોપીઓની વર્ના કારની સીસીટીવી ફૂટેજે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. 

સીસીટીવીની મુખ્ય ઉપયોગીતા
  • તમામ પ્રકારના ક્રાઈમ ડિટેકશન કરવામાં. 
  • ટ્રાફિક રેગ્યુલેશન કરવામાં, ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા સામે પગલાં લેવામાં. 
  • દબાણો દૂર કરવામાં 
  • સરકારની સ્વચ્છતા ઝૂંબેશને સફળ બનાવવામાં. 
  • આ સિવાય પણ ‘મલ્ટી પરપઝ’ માટે 

આ 25 લોકેશનોએ કેમેરા ગોઠવાશે
કાલીયાવાડી ચાર રસ્તા, સૂર્યમ બંગલો જંકશન, રેલવે સ્ટેશન સર્કલ (પૂર્વ), ગોલવાડ ચોકી, લુન્સીકૂઈ લાયન્સ સર્કલ, પ્રજાપતિ આશ્રમ ચાર રસ્તા, તીઘરા ત્રણ રસ્તા, વિરાવળ નાકા પોઈન્ટ, ટેકનિકલ સ્કૂલ નજીક, એસટી ડેપો, સર્કિટ હાઉસ સર્કલ, ફુવારા, નવસારી પાલિકા સામે, શહીદ ચોક ત્રણ રસ્તા, જુનાથાણા ઈન્દિરા પ્રતિમા, ટાવર ટ્રાફિક પોઈન્ટ, સિંધી કેમ્પ ત્રણ રસ્તા, આશાનગર સર્કલ, સાંઢકૂવા ચોકી નજીક, મગન કાસુન્દ્રા ચોક, વિવેકાનંદ સર્કલ, ચાંદની ચોક, સયાજી લાયબ્રેરી, સુશ્રૃષા હોસ્પિટલ ત્રણ રસ્તા વિજલપોર.

પાલિકાનો સીસીટીવી પ્રોજેક્ટ કાગળ ઉપર
નવસારીને ‘સ્વચ્છ શહેર’ બનાવવા માટે નગરપાલિકાએ સીસીટીવી મૂકવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી પાલિકાના બજેટમાં પણ આ માટે નાણાં ફાળવણી કરવામાં આવે છે અને સીસીટીવી મુકવાનો નિર્ધાર કરે છે. જોકે પાલિકાએ હજુ સુધી શહેરમાં સીસીટીવી મુક્યા નથી.

ક્રાઈમ ડિટેકશનમાં વધુ મદદ મળશે
સેફ એન્ડ સિક્યોર ગુજરાત પ્રોજેકટ અંતર્ગત નવસારી શહેરમાં પણ સીસીટીવી કેમેરા મુકાશે. ક્રાઇમની વિગતોના સ્ટોરેજ માટે નવસારી ડીએસપી કચેરીમાં કંટ્રોલરૂમ બનાવી દેવાયો છે. આ પ્રોજેકટથી ક્રાઈમ ડિટેકશન કરવામાં તથા અન્ય બાબતોમાં પણ ફાયદો થશે. -ડો. ગિરીશ પંડ્યા, પોલીસવડા, નવસારી જિલ્લા