14 March 2019

મેળામાં વેચવા લાવેલો સામાન ઘરમાં આગ લાગતાં ખાક


નવસારીમાં આવેલી તીઘરા નવી વસાહત ખાતે રહેતા દેવીપુજકનાં બંધ ઘરમાં બપોરના સુમારે આકસ્મિક આગ લાગતા ધુમાડાનાં ગોટે ગોટા જોઈને ઘટનાસ્થળે લોકો ધસી આવ્યા હતા. સ્થાનિકોએ ભેગા મળી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયત્નો કર્યા હતા. જોકે ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે આવે તે પહેલા જ દેવીપૂજક પરિવારના ઘરમાં લાખો રૂપિયાનો સરસામાન બળીને ખાક થઇ ગયો હતો. ઘટનાની જાણ દેવીપુજક પરિવારને થતા તેઓ ઘરે આવતા નુકસાનગ્રસ્ત ઘરને જોતા તેઓ હતપ્રત બની ગયા હતા.

નવસારીનાં તીઘરા નવી વસાહત ખાતે યોગેશ સુરેશ દેવીપૂજક તેમની પત્ની તથા સંતાનો સાથે રહે છે. તેઓ ચાદર,પડદા, મચ્છરદાની, ફ્રિઝ, ટી.વી કવર સહિત વસ્તુઓ લાવીને છૂટક વેચાણ કરે છે.

આગામી રવિવારે વાંસકૂઈ ખાતે ગોળીગઢ બાપાના મંદિરે મેળો ભરાવાનો હોય તેઓએ છૂટક છૂટક અંદાજે રૂ. 4.50 લાખનો સામાન એકત્ર કર્યો હતો. બુધવારે યોગેશ તેમની પત્ની સાથે સુરત ખાતે તેમના સંબંધીને મળવા ગયા હતા અને ઘર બંધ હોય બપોરે લગભગ 12.45 વાગ્યાનાં સુમારે તેમના ઘરમાં અકસ્માતે આગ લાગી હતી. ધીરે ધીરે આગ ઘરમાં પ્રસરી જતા બધો સમાન આગની ચપેટમાં આવી ગયો હતો અને તમામ સામાન બળી ગયો હતો. લોકો આગને કાબુમાં લે તે પહેલા જ લાખો રૂપિયાનો સરસામાન સાથે રોકડા રૂ. 50 હજારની ચલણી નોટ બળી ગઈ હતી. ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે ધસી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગ્યા બાદ એક કલાકનાં સુમારે ઘરના માલિક હંસાબેન અને યોગેશભાઈ ઘટનાસ્થળે આવીને જોતા ઘરમાં થયેલા નુકસાનથી રડી પડ્યા હતા અને તેમના પરિવારજનો પણ ચિંતામાં ગરકાવ થતા સ્થાનિકોએ તેમને સાંત્વના આપી હતી.

હે દાદા ! મેં કયો ગુનો કર્યો બધી મહેનતની કમાણી હતી
નવી વસાહત ખાતે રહેતા જેમના ઘરમાં આગ લાગી હતી તે ઘરનાં માલિક યોગેશ દેવીપુજક સુરત હતા ત્યારે ઘરમાં આગ લાગી હતી. તેની જાણ તેમના સગાઓએ ફોન કરી હતી. એક કલાક બાદ યોગેશ તેમની પત્ની હંસા સાથે ઘરે આવ્યો હતો ત્યારે પોતાની મહેનતથી સજાવેલા ઘરને નુકસાન પામેલી હાલતમાં જોઈ હતપ્રત બની ગયો હતો અને બોલી જવાયું હે દાદા ! ને કયો ગુનો કરેલો જેની સજા મને મળી આ બધું મારી મહેનતની પરસેવાની કમાણી હતી તેમ બોલતા આંખે પાણી આવી ગયા હતા.

હિંદુ મુસ્લિમો એક થયા
બુધવારે આગને બુઝાવવા હિંદુ મુસ્લિમો એક થયા હતા જેમાં મુસ્લિમ પાડોશી તાજુદ્દીન શેખે આગ લાગ્યાની જાણ મહોલ્લાવાસીઓને કરી હતી અને હિંદુ મુસ્લિમ યુવાનો એક થઇને આગ બુઝાવવા સાથે આવ્યા હતા.

આગથી થયેલું નુકસાન
રૂ. 4.50 લાખનો વેચાણ માટે લાવેલ સમાન (ચાદર, સોફા કવર,પડદા, ફ્રિઝ, કવર-મચ્છરદાની), સ્ટીલનો કબાટ બળી ગયો જેમાં પાકીટમાં મુકેલા રોકડા રૂ. 50 હજાર, એલઈડી ટીવી કિંમત અંદાજે રૂ.15 હજાર, નવું ફ્રિઝ કિંમત રૂ. 18 હજાર સહિત ઘરનું રાચરચીલું બળી ગયું, ઘરના પતરા તૂટી ગયા, રસોડામાં સમાન બળી ગયો.

ઘરમાં ગેસનો બાટલો ભરેલો હતો
તીઘરા નવી વસાહત ખાતે 40થી 50 ઘરો એકબીજા સાથે જોડીને છે. આગ લાગી તે પહેલા આ ઘરમાં ગેસનો બાટલો ભરેલો હતો. આગ લાગતા લોકોએ ઘરનું બારણું તોડીને પહેલા ગેસનો બાટલો સલામત રીતે બહાર કાઢી મુક્યો હતો. જો આગમાં આ બાટલો ફાટ્યો હોત તો બધા ઘરો સ્વાહા થઇ ગયા હોત એવી ચર્ચા પણ થતી હતી.

યોગેશભાઈને ત્યાંથી ધુમાડો ઉઠ્યો
બુધવારે બપોરે 12.50 વાગ્યાનાં સુમારે હું ઘરમાં બેસેલો હતો ત્યારે બાજુમાં રહેતા યોગેશભાઈને ત્યાંથી ધુમાડો ઉઠ્યો હતો. જેની જાણ મને થતા જોયું તો તેમનું ઘર બંધ હતું. તેથી બહાર જઈને લોકો તથા યોગેશના સસરા જીતુભાઈને જાણ કરી અને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. -તાજુદીન શેખ, પ્રત્યક્ષદર્શી,પાડોશી

મહિલાઓ આગને બુઝાવવા આક્રમક બની
તીઘરા ખાતે લાગેલી આગમાં ઘરનું બારણું બંધ હોય પુરુષો આગ વધુ પ્રસરે નહીં તે માટે યોગેશભાઈનું બંધ ઘરનું બારણું તોડવાનો પ્રયત્ન કરતા હતા. એ સમયે મહિલાઓ ઉર્મિલા, માયાબેન, રીઝવાનાબેન, અફરોઝબેન, ગીતાબેન તથા અન્ય મહિલાઓએ નજીકમાં રહેતા બાબુ કોન્ટ્રાક્ટર નામના ઇસમને ત્યાં પાણીનો બોર ચાલુ કરાવીને હાથમાં જે સાધન આવ્યું તેનાથી પાણી ભરી ભરીને આગ લાગેલા સ્થળે જઈ આગ બુઝાવવાના કામમાં લાગી હતી. નવસારી ફાયર બ્રિગેડ આવે તે પહેલા આગ ઠારવાનો પ્રયાસ કર્યો હતો.