19 April 2019

જૂનાથાણાનું ઐતિહાસિક ગાયકવાડી દ્વારને વહીવટી લૂંણો લાગ્યો


નવસારી શહેર એક જમાનામાં વડોદરા સ્ટેટનું ગાયકવાડી પ્રાંત હતું. નવસારીમાં ગાયકવાડી શાસન દરમિયાન અનેક સુધારા અને સુવિધાઓ ઉપલબ્ધ થઇ હતી. નવસારીમાં ગાયકવાડી શાસન આવ્યું તે અગાઉ સુરતનાં નવાબો તથા મુગલ સલ્તનતનાં સૂબેદારો અહીં કર ઉઘરાવતા હતાં. એ સમયે નવસારી ધણીધોરી વગરનું હતું. એમ કહીએ તો એમાં જરાયે અતિશ્યોક્તિ નથી. નવસારીની અનેક ધરોહરો ગાયકવાડી શાસન દરમિયાનની છે. જે પૈકીની જૂનાથાણાનું પ્રવેશદ્વાર એક ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી ધરોહર છે.

ઇ.સ. ૧૬૮૦ માં શિવાજીનું અવસાન થયું તે સમયે મરાઠા સરદારો પૈકી શાહુ મહારાજ પાસે મરાઠી સત્તા હતી. તેમના સેનાપતિ ખંડેરાવ દાભાદેએ ઉત્તર ગુજરાત અને કાઠિયાવાડી સુધી સવારી કરી હતી. ઇ.સ. ૧૭૦૫ માં બાબા પ્યારે તથા રતનપુર આગળ મુસ્લિમ લશ્કરને સખત હાર આપી હતી અને નાંદોદ આગળ થાણું કર્યું હતું.

ઇ.સ. ૧૭૧૨ માં દિલ્હીનાં પાદશાહનો ખજાનો સુરતથી ઔરંગાબાદ જતો હતો તે દાભાદેએ લૂંટી લીધો હતો. આ દાભાદેના લશ્કરમાં દામાજીરાવ ગાયકવાડ નામના બહાદુર સિપાહીને શાહુ મહારાજાએ શમશેર બહાદુરનો ખિતાબ આપી નાયબ સેનાપતિનો હોદ્દો આપ્યો હતો પરંતુ થોડા સમયમાં જ ખંડેરાવ દાભાડે તથા દામજીરાવના અવસાન થતાં ખંડેરાવના પુત્ર ત્ર્યંબકરાવ તથા દામાજીના ભત્રીજી પિલાજીરાવ લશ્કરનાં ઉપરી નિમાયા આ પિલાજીરાવ ગુજરાતમાં ગાયકવાડી રાજનાં સ્થાનક બન્યા.

પૂના પાસે આવેલ દાવડી ગામ તેઓનું મૂળ ગામ હતું. તેમના વડવાઓ પાસે યવન માળવ પરગણાના ભેર ગામની પટલાઇ હતી. પાછળથી તેઓ લશ્કરમાં ઘોડે સવારોનાં ઉપરી નિમાયા.

તેમનાં કાર્યક્ષેત્રમાં આવેલ ખાનદેશ તરફ આવેલા નવાપુરમાં તેમણે પ્રથમ થાણું સ્થાપ્યું, પરંતુ બીજા સરદાર બાંડે એ પોતાનો દાવો ત્યાં કરતા પિલાજીરાવ સોનગઢ તરફ આવ્યા. તેમણે મહેવાસી ભીલ સરદાર પાસેથી સોનગઢ જીતી લીધું હતું. તેમણે સોનગઢમાં થાણું સ્થાપ્યું અને ઇ.સ. ૧૭૧૯ માં શાહુ મહારાજનાં આશીર્વાદથી સોનગઢમાં કિલ્લો બનાવ્યો હતો.

ગુજરાતનાં મોગલ સરદાર રુસ્તમઅલીખાન સામે અહમદખાનને લડવામાં પિલાજીરાવે મદદ કરી અને તેના બદલામાં મહી નદીનાં દક્ષિણ ભાગે વડોદરા, નાંદોદ, ચાંપાનેર, ભરુચ, સુરત વગેરે પરગણામાં ચોથ ઉઘરાવી લેવાનો હક અધિકાર જમાવવા લાગ્યા. આ તબક્કે નવસારીની પ્રજાને મુસ્લિમ શાસનમાંથી મુક્ત કરવા નવસારીનાં પારસી દેસાઇ તહેમુલજી રૂસ્તમજીએ સોનગઢ જઇને પિલાજીરાવને નવસારી આવવાનું આમંત્રણ આપી આવ્યા અને કોઇપણ જાતની લડાઇ કે ખૂનખરાબા વગર નવસારીની સત્તા પિલાજીરાવ ગાયકવાડ પાસે ૧૭૨૦ માં આવી ગઇ હતી. હકીકતમાં ભવિષ્યમાં બનનાર ગાયકવાડી રાજ્યનો પાયો નવસારીથી જ નંખાયેલો ગણી શકાય.

પારસી દેસાઇ તહેમુલજીનાં કહેવાથી પિલાજીરાવે નવસારીમાં આવી હાલ જે વિસ્તાર જૂનાથાણા ગણાય છે ત્યાં થાણું સ્થાપ્યું હતું. પિલાજીરાવ સોનગઢ તરફથી આવ્યા ત્યારે જૂનાથાણાની પૂર્વ દિશામાંથી કાલિયાવાડી ખાડીની જગ્યાએ પૂર્ણા નદીની શાખા વહેતી હતી. હાલ તો આ ખાડી પણ નામશેષ થઇ ગઇ છે. ગાયકવાડી શાસનનો કારોબાર અહીં થી જ થતો હતો. વખત જતાં વડોદરા સ્ટેટ અસ્તિત્વમાં આવ્યું અને નવસારી ગાયકવાડી સ્ટેટનું પ્રાંત બન્યું. નવસારી પ્રાંતનાં સરકારી કચેરીઓ જૂનાથાણા ખાતે બંધાઇ હતી. એ કચેરીઓનો મુખ્ય દ્વાર જૂનાથાણા ખાતેનો દ્વાર હતું જે આજે પણ હયાત છે. જો કે આ દ્વાર તેનું મૂળભૂત સ્વરૂપ ગુમાવી ચૂક્યું છે. જૂનાથાણાનાં આ દ્વારની ઉપર ચોકીદારો પહેરો ભરી શકે એવી વ્યવસ્થા હતી. તથા દ્વારની ડાબે જમણે નાની ઓરડીઓ હતી. પિલાજીરાવ ગાયકવાડનાં વંશજોએ ૧૮મી સદીમાં આ દ્વાર બનાવ્યું હતું.