2 May 2019

વિજલપોરના ગેરકાયદે બાંધકામ મુદ્દે ભાજપના જ 15 કાઉન્સિલર મેદાને


વિજલપોર શહેરમાં ફાલેલા અધધ ગેરકાયદે બાંધકામો સામે 'નૂડા' યા 'પાલિકા' તંત્ર કોઈ જ નક્કર પગલાં લેતું ન હોવાની ગંભીર ફરિયાદ પાલિકાના અડધોઅડધ કાઉન્સિલરોએ નગરપાલિકા પ્રાદેશિક કમિશ્નર સહિત ઉચ્ચકક્ષાએ કરતા ખળભળાટ મચી ગઈ છે.

વિજલપોર શહેરમાં ડિસેમ્બર 2015મા નવસારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (નૂડા) અમલી બની હતી. તે અગાઉ શહેરના બાંધકામો અંગેની કામગરી પાલિકા કરતી હતી પરંતુ નૂડા આવ્યા બાદ કેટલાય સમયથી 'બાંધકામો'ની કામગીરી નૂડા હસ્તક ગઈ છે. જોકે શહેરમાં ગેરકાયદે બાંધકામોની ફરિયાદો ઓછી થઈ નથી. નવાઈની વાત એ છે કે સામાન્ય જનતા નહીં પરંતુ પાલિકાના ચૂંટાયેલા કાઉન્સિલરોમાંથી ગેરકાયદે બાંધકામોની ફરિયાદો ઉઠી છે. પાલિકાના લગભગ અડધોઅડધ (17 જેટલા) કાઉન્સિલરોએ 'બાંધકામોના લિસ્ટ' સાથે તેની તપાસની માગ કરતી ફરિયાદ પાલિકાના પ્રાદેશિક કમિશ્નર, કલેકટર સહિત ઉચ્ચકક્ષાએ કરતા ખળભળાટ મચી ગયો છે.

પાલિકાના ઉપપ્રમુખ સંતોષ પુંડકર, વિપક્ષી અગ્રણી ગંગાધર શુકલા સહિત કાઉન્સિલરોએ કરેલી રજૂઆતમાં ગંભીર આક્ષેપો કર્યા છે કે, શહેરના નૂડાની મંજૂરી વિના બાંધકામો કરવામાં આવ્યા છે. નૂડા અને પાલિકા તંત્ર પગલા લેવામાં એકબીજાને 'ખો' આપી રહ્યાનું પણ જણાવ્યું છે. આ 17 કોર્પોરેટરોએ ગેરકાયદે બાંધકામ બંધ કરાવવા, કરેલ ગેરકાયદે બાંધકામ તોડી કાયદેસર કાર્યવાહી કરવાની માગ કરી છે અને જો એમ ન થાય તો આંદોલન કરવાની ચીમકી પણ આપી દીધી છે. અહીં ઉલ્લેખનીય છે કે આ 17 કોર્પોરેટરો ભાજપી અસંતુષ્ટ જૂથ તથા કોંગ્રેસના જ છે.

કયા વિસ્તારોમાં તપાસ માંગી?
કૈલાશનગર, રોયલ ગાર્ડન, ઓમ પ્લાઝાની નજીક, ધોરાજીયા પાર્ક નજીક, રેવાનગરની નજીક, રામનગર વિસ્તાર, સુશ્રૃષા હોસ્પિટલ નજીક, અમરદીપ સોસાયટી નજીક, શિવાજીચોક વિસ્તાર, રેવાનગર રોડ.

નૂડાની નામંજૂરી છતાં બાંધકામો
નવા બાંધકામો યા જૂના બાંધકામમાં વધારાના બાંધકામની મંજૂરી માટે 'નૂડા' સમક્ષ અરજ આવે છે ત્યારે નૂડા બાંધકામના ધારાધોરણ ચકાસી પૂર્તતા ન થતા નામંજૂર પણ કરે છે. આ સંજોગોમાં અનેક કિસ્સામાં નામંજૂરી છતા બાંધકામો થયાની વાત ઘણાં સમયથી બહાર આવી રહી છે.

આ 17 કોર્પોરેટરો મેદાને
સંતોષ પુંડકર, ગંગાધર શુકલા, સતીશ બોરસે, ઈન્દ્રસિંહ રાજપૂત, મનોહર ઉર્ફે દિપક બોરસે, અનિલ નાયકા, જ્યોતિ રાજભર, મંગળજી ચાવડા, મહેન્દ્ર ટંડેલ, ભાલચંદ્ર પાટીલ, આશાબેન ઠાકુર, વંદનાબેન પાટીલ, દરિયાબેન ગિરાશે, લક્ષ્મીબેન ટુંડીયા, કુસુમબેન ધાનકા, વૃશાલી પાથરકર, દમુતાબેન નિકમ.

બાંધકામ સંલગ્ન સત્તા નૂડાની જ છે
બાંધકામોની પરમિશન, કમ્પ્લીશન સર્ટી., બીયુ સર્ટી.ની સત્તા નૂડાની છે. ગેરકાયદે બાંધકામો તોડવાની સત્તા નૂડાની જ છે. પાલિકા તો 'બીયુ' સર્ટી. આપ્યા બાદ આકારણી જ કરે છે.   જી.કે. ચાંડપ્પા, સીઓ, વિજલપોર

રસ્તા, દબાણની જવાબદારી પાલિકાની છે
માલિકી હક્કમાં બાંધકામની સત્તા તો નૂડાની હોય છે પરંતુ શહેરના માર્ગ, ગલીઓમાં થતા દબાણ જોવાની ફરજ તો નગરપાલિકાની હોય છે. જે અંગે પગલાં લેવા રજૂઆત કરાઈ છે.   ગંગાધર શુકલા, વિપક્ષી અગ્રણી, વિજલપોર