4 May 2019

જૂજ અને કેલિયા ડેમમાં પાણીની અછત તો દેવધા ડેમનું તળિયું દેખાયું, કાવેરી પણ કોરી થવાની આરે


ઉનાળાના પ્રારંભે જ જિલ્લાભરમાંથી પાણીનો પોકાર ઉઠવા માંડ્યો છે. નવસારી શહેરથી લઈ અંતરિયાળ ગામોમાં પણ પાણી માટે લોકો કપરી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. પાણીની સમસ્યાની સૌથી વધુ તકલીફ વાંસદા અને ચીખલી તાલુકામાં લોકોએ સહન કરવી પડશે, કારણ કે વાંસદાની જીવાદોરી સમાન જૂજ ડેમ અને કેલિયા ડેમમાં પણ પાણી ઓછુ છે. ચીખલીમાંથી પસાર થતી ખરેરા અને કાવેરી નદી સુકાઈ ગઈ છે. બીજી તરફ દેવધા ડેમમાં પણ પાણીના અભાવે તળિયુ દેખાતુ થયું છે. જેથી આગામી દિવસોમાં જળસંકટના એંધાણ છે.

અડધું નવસારી ટેન્કરના સહારે
નવસારી : હાલમાં નવસારી શહેરના દાંડીવાડ, માતા ફળિયા, ઘેલખડી, તીઘરા નવી વસાહત, ઝારાવાડ, ખાંભલાવાડ, ઘાટીવાડ, ચારપુલ, જલાલપોર, થાણા તળાવ વિસ્તારમાં ઓછું, અપૂરતા દબાણથી તેમજ ખરાબ પાણી આવવાની બૂમો છે. લોકો વેચાતું પાણી લઈ રહ્યા છે. પાલિકાના 5 ટેન્કર પાણી પહોંચાડી રહ્યા છે. જો કે તેનાથી લોકો અસંતુષ્ટ છે. વિજલપોરના સૂર્યનગર અને રામનગરમાં પણ આવી જ સ્થિતિ છે.

ગત વર્ષ કરતાં અડધું જ પાણી
વાંસદા : વાંસદા તાલુકામાં બે ડેમ આવેલા છે. જેમાં જૂજ ડેમ વાંસદા નજીકના ગામોને પાણી પૂરું પાડે છે તથા કેલિયા ડેમ જે વાંસદા અને ચીખલી તાલુકાના ગામોમાં પાણી પૂરું પાડે છે. આ બંને ડેમ ઉપર ખેડૂતો ખેતી માટે નિર્ભર છે. આ વર્ષે વધુ પડતી ગરમીને લઈ તાલુકાના ઘણા નદી-નાળા તળાવ સુકાભઠ્ઠ થયા છે. ડેમમાંથી ખેડૂતોની માંગને લઈ નદીમાં પાણી છોડતાં ખેડૂતો સહિત પશુ-પક્ષીઓને જીવતદાન મળ્યું છે. 1 મે 2018ના પહેલા અઠવાડિયામાં જૂજ ડેમની સપાટી 9.30 મિલિયન ઘનમીટર લાઈવ પાણી સ્ટોર હતું, જેની સામે આ વર્ષે 4.76 મિલિયમ ઘન મીટર છે. આ વર્ષે વરસાદ પડશે ત્યાં સુધી જૂજ ડેમમાં પીવાનું પાણી પૂરું થઈ જશે. એ જ રીતે કેલિયા ડેમની સપાટી ગત મે 2018ના પહેલા વીકમાં 2.24 મિલિયન ઘનમીટર હતી, જે આ વર્ષે મે 2019ના પહેલા અઠવાડિયામાં 1.60 મિલિયમ ઘનમીટર પાણી સ્ટોર છે, જે ગત વર્ષની સરખામણીમાં ઓછું છે. જૂજ ડેમના 1716 બ્લોકના ખેડૂત અને કેલિયા ડેમના 3560 બ્લોકના ખેડૂત ખાતેદાર સિંચાઈ માટે પાણી વાપરે છે.

બીલીમોરા-ગણદેવી વિસ્તારમાં સ્થિતિ ગંભીર
બીલીમોરા : આજથી 17 વર્ષ અગાઉ દેવધા ડેમ બનાવાયો હતો. ગણદેવી તાલુકા માટે આ ડેમ જીવાદોરી છે. ગત ચોમાસામાં તાલુકામાં 72.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. સારા વરસાદના કારણે ડેમમાં 6.40 મિલિયન ક્યુબીક મીટર પાણી સંગ્રહાયા બાદ હાલમાં આ સપાટી ઘટતા 2.70 મિલિયન ક્યુબીક મીટર બચી છે. હાલ કાળઝાળ ગરમીમાં ડેમના સંગ્રહિત પાણી ઓછું થતા તળિયા દેખાઈ રહ્યા છે. ડેમમાંથી આસપાસના ગામો તેમજ બીલીમોરા અને ગણદેવીને પીવાનું પાણી પૂરું પાડે છે. જો આજ પરિસ્થિતિ રહી તો ભારે પાણીખેંચ વર્તાઈ શકે છે. વળી, કાંઠા વિસ્તારના ધોલાઈ ગામે પણ પાણીની બુમરાણ છે. માલવણ દેસાઈ તળાવ પર આધારિત આ ગામમાં માલવણ તળાવમાં હાલ પાણી આવતા ધોલાઈ ગામે પાણી મળી રહ્યું છે. પરંતુ અપુરતું છે. તળાવમાં જ્યાં સુધી પાણી હોય ત્યાં સુધી અપાશે. ત્યારબાદ ધોલાઈ ગામે ટેન્કર પર આધાર રાખવો પડશે.

ભૂગર્ભ જળ કટોકટ
ડેમનું પાણી ઓછું થતા દેવધા, દેવસર, વલોટી, ધમડાછા, અજરાઈ, સાલેજ, કોલવા, ઇચ્છાપોર, કછોલી, માણેકપોર, પિંજરા, વેગામ, ખખવાડા, ગણદેવી, સોનવાડી, ગડત, ભાઠા, મોરલી, કલમઠા, સરીખુરદ, ઘંઘોર, સરીબુજરંગ, અમલસાડ, તોરણગામ, રહેજ, વડસાંગળ, મોહનપુર, પાથરી, ધનોરી, પીપલધરા, ખાપરિયા ગામો ઉપરાંત કાંઠાના ધોલાઈ, બીગરી, પોંસરી ગામોમાં ભુગર્ભ જળ નીચે ઉતરી જતાં રહીશોમાં ચિંતા છે.

ચીખલી તાલુકામાં સૌથી વધુ ખેતી પ્રભાવિત
ચીખલી : ચીખલી તાલુકામાંથી પસાર થતી અને જીવાદોરી સમાન ગણાતી ખરેરા અને કાવેરી નદીમાં પાણી સુકાતા આવનાર દિવસોમાં ચીખલી તાલુકામાં પીવાના પાણી સહિત ખેતીવાડી અને પશુપાલનના વ્યવસાયને વ્યાપક અસર થવાના એંધાણ વર્તાતા લોકો ચિંતિત બન્યા છે. ચીખલી તાલુકાના મોટાભાગના ગામોમાં પાણીના તળ નીચા જતા પીવાના પાણી સાથે સિંચાઈ અને જીવનજરૂરિયાતના, પશુપાલન માટેના પાણી માટેનો ગંભીર પ્રશ્ન ઉભો થયો છે. તાલુકાની મહત્ત્વની ગણાતી કાવેરી અને ખરેરા નદી કેટલાક વિસ્તારમાં સાવ સુકીભઠ્ઠ બનતા જે વિસ્તારની આસપાસના વિસ્તારમાં પાણીનો મોટો પ્રશ્ન ઉભો થયો છે. આ પ્રશ્ન હલ કરવા માટે સ્થાનિક નેતાઓ દ્વારા સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે સંકલન સાધી કેનાલ મારફતે નદીમાં પાણી ભરવામાં આવે તો મોટાભાગની પાણીની સમસ્યા હલ થાય એમ છે. સ્થાનિક તંત્ર જો કોઈ ઠોસ નિરાકરણ નહીં લાવે તો ઉનાળાનો આગામી સમય રહેવાસીઓ તથા ખેડૂતો માટે અત્યંત કપરો બની જાય જેવી સ્થિતિ છે.

તાલુકાના 7200 ખેડૂતોને અસર
ખરેરા નદીમાં પાણી સુકાતા ચીખલી તાલુકાના સિયાદા, ગોડથલ, કણભાઈ, સતાડીયા, ઘોલાર, કલીયારી, આમધરા, પીપલગભાણ, સોલધરા, મલિયાધરા, બલવાડા, તેજલાવ સહિતના ગામોને અસર પહોંચતા અંદાજિત 7200થી વધુ ખેડૂત ખાતેદારો અને 12400થી વધુ પશુપાલકોને અસર થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

જિલ્લાના નાના ડેમ પણ તળિયાઝાટક થઈ ગયા
જૂજ ડેમ : 27.58 મિલિયન ઘનમીટર પાણીનું સ્ટોરેજ થાય છે. જેમાંથી સિઝનમાં 0.87 મિલિયન ઘનમીટર પીવા માટે વપરાય છે અને 25 મિલિયન ઘનમીટર સિંચાઈ માટે વપરાય છે.

આ ગામોને સિંચાઈ લાભ
જૂજ, ખડકીયા, મનપુર, સીતાપૂર, ધાકમાળ, નવતાડ, આંબાબારી, મહુવાસ, ચારણવાડા, વાંસદા, રાણી ફળિયા, મોટી ભમતી, હનુમાનબારી, નાની ભમતી, ભીનાર, નાની વાલઝર, ધરમપુરી, કેળકચ્છ, ગોદાબારી, હોલીપાડા, કુરેલીયા.

કેલિયા ડેમ : 19.23 મિલિયન ઘનમીટર પાણી સ્ટોરેજ થાય છે. જેમાંથી 1.47 મિલિયન ઘનમીટર પીવા માટે અને 16.50 મિલિયન ઘટમીટર સિંચાઈ માટે વપરાય છે.

આ ગામોને સિંચાઈ લાભ
વાંસદાના કેલિયા, પીપલખેડ, સુખાબારી, કનસારીયા, વાંદરવેલ, વાઘાબારી, જ્યારે ચીખલી તાલુકાના માંડવખડક, મિયાઝરી, ઘોડવણી, ઢોલુમ્બર, રૂમલા, અગાસી, વેલણપુર, કાકડવેલ, અંબાજ, સારવણી, કણભઈ, ગોડથળ, ધામધુમા.