8 May 2019

વિજલપોર જૂથ અથડામણમાં 16 સહિત 400 સામે ફરિયાદ


વિજલપોરની ગતરાત્રિની જૂથ અથડામણમાં બંને પક્ષના 16 જણાંની ઓળખ સહિત અંદાજે કુલ 400 જણાંના લોકટોળા સામે પોલીસ ફરિયાદ ખુદ પોલીસે જ નોંધાવી છે. સોમવારની અથડામણ બાદ મંગળવારે અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભારે પોલીસ બંદોબસ્ત અસરગ્રસ્ત વિસ્તારમાં ખડકી દેવાયો હતો. આ વિસ્તારમાં મોડી રાત્રે પોલીસ કોમ્બિંગ કરે તેવી સંભાવના છે.

વિજલપોરમાં સોમવારે રાત્રે બે બાઈક અડી જતા પ્રથમ સામાન્ય બોલાચાલી થઈ હતી અને બાદમાં આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લેતા બે જૂથના લોકો સામસામે હથિયારો સાથે આવી જઈ ભારે પથ્થરમારો કર્યો હતો. આ જૂથ અથડામણને કાબૂમાં લેવા પોલીસે ઘણા ટીયરગેસના સેલ છોડવા પડ્યા હતા.

આ ધિંગાણા પ્રકરણે ગત મોડી રાત્રે વિજલપોરના પીએસઆઈ એસ.ડી. સાળુંકેએ જ પોલીસ ફરિયાદનોંધાવી હતી. પોલીસ ફરિયાદ 16 જણાંની ઓળખ સહિત કુલ 400 જણાંના બંને પક્ષના ટોળા સામે નોંધી છે. પોલીસના જણાવ્યા મુજબ આ અથડામણમાં આંબેડકરનગર તથા તેની સામેના અંબાજીનગર અને તેની નજીકના લોકોનું ટોળુ લાકડાના ડંડા, લોખંડના પાઈપ, તલવાર, પથ્થરો સાથે ગેરકાયદે મંડળી રચી ધસી આવી મારામારી કરી હતી.

બનાવમાં પોલીસના કુલ ચાર વાહનોને પથ્થરમારાથી નુકસાન થયું હતું. અહીં ઉલ્લેખનીય છે કે ગતરાત્રિની અથડામણ બાદ મંગળવારે સવારથી જ આંબેડકરનગર નજીક, અંબાજીનગર, શિવાજી નગર તથા નજીકના વિસ્તારોમાં ભારે પોલીસ બંદોબસ્ત યથાવત રખાયો હતો. મંગળવારે દિવસ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી. સાંજ સુધીમાં કોઈ આરોપીની ધરપકડ કરાઈ ન હતી.

તપાસ ચાલુ છે
હાલ સાંજ સુધીમાં પોલીસે કોઈ આરોપીની ધરપકડ કરી નથી. પોલીસ ઘટના સંદર્ભે સઘન તપાસ કરી રહીછે. - આર.એમ. સગર, સીપીઆઈ, નવસારી (તપાસ અધિકારી) 

પીએસઆઇ સહિત આઠને ઇજા
જૂથ અથડામણ દરમિયાન નરેશ શ્રીરામ પાટીલ, મુકેશ ભૂષણ રાણા, કિરણ ગિરાશે, વિજય પરમાર અને પ્રેમસિંહ ગિરાશેને ઈજા થઈ હતી. જ્યારે પોલીકર્મીઓમાં પીએસઆઈ એચ.પી. ગરાસિયા, હેડ કોન્સ્ટેબલ રમેશ વાહજી અને કોન્સ્ટેબલ દિપક રમેશભાઈને પણ ઈજા થઈ હતી. કેટલાકને સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી.

આ 16 આરોપી સામે નામ સહિત ફરિયાદ નોંધાઈ
એક પક્ષ : સંજય રાજપૂત ઉર્ફે ઈન્દ્રજીત, હર્ષદ પાટીલ, સંદીપ રાજપૂત, નારાયણ પાટીલ, બબલુ રાજપૂત, ભૂષણ ગીરાસે, યોગેશ રાજપૂત, સમાધાન પાટીલનો સમાવેશ થયો છે.

બીજો પક્ષ : આનંદ નિકમ, ગૌતમ ઢીવરે, આનંદ વાનખેડ, હિતેશ મહાળે, રાજેશ મહાળે, જયેશ બેડશે, સુમનબેન, વિકીનો સમાવેશ થાય છે.

સંજય ઉર્ફે ઈન્દ્રજીત રાજપૂત પાલિકા કાઉન્સિલર છે તથા સામે પક્ષનો આનંદ મહિલા કાઉન્સિલર દમુતાબેન નિકમનો દીકરો હોવાનું જાણવા મળ્યું છે.

ટીયરગેસ સાથે હેન્ડગ્રેનેટ પણ ફેંકવા પડ્યા હતા
જૂથ અથડામણમાં ટીયરગેસની સાથે કુલ 4 હેન્ડગ્રેનેટનો પણ ટોળાને વેરવિખેર કરવા ઉપયોગ કરાયાનું પોલીસે જણાવ્યું છે. ટીયરગેસના સેલ ઘણાં છોડ્યાનુ જણાયું હતું ત્યારે પોલીસે ફરિયાદમાં 6 ટીયરગેસના સેલ ફોડ્યાનું જણાવ્યું હતું.

અવારનવાર અથડામણો નગરજનો માટે ચિંતાજનક
વિજલપોરમાં મારામારીના બનાવો વારંવાર થાય છે. બોલાચાલીમાં બે જૂથો સામસામે આવી જાય છે અને પથ્થરમારોના બનાવો બનતા આવ્યા છે. ઘટનાઓ શહેરના પૂર્વ વિભાગમાં કેટલાક વિસ્તારોમાં બનતી આવી છે.