11 May 2019

આખલાની લડાઈમાં પરિવારને ઘરવખરીનું નુકસાન


નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં આવતા રેલરાહત કોલોનીમાં રાત્રિના અચાનક જ બે આખલા લડાતા લડાતા ઘરમાં ઘૂસી ગયા હતા. એ બંનેની લડાઈમાં ઘરમાં મુકેલા ટીવી-ફ્રીઝ સહિતની સામગ્રીને નુકસાન થયું હતું. જોકે ગણતરીની મિનિટમાં જ આખલા ઘરમાંથી બહાર નીકળી ગયા હતા અને અન્ય વિસ્તારમાં દોડતા દોડતા નીકળી ગયા હતા પરંતુ આ ઘટનાથી શ્રમિક પરિવારમાં હજારોનું નુકસાન થયું હતું. લોકોને આ ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરી ચાલી રહી છે. જ્યાં જરૂરિયાતમંદોના આવાસ બની રહ્યા છે ત્યાં જ રહેતા વિનયભાઈ ટંડેલનું પણ આવાસ બનતું હોવાથી તેમણે કામચલાઉ બાજુમાં જ પતરા ગોઠવી ઘર બનાવ્યું હતું. રાત્રે 10 કલાકની આસપાસ અચાનક જ તેમના ઘરમાં બે આખલા ઘૂસી ગયા હતા. તેઓ વચ્ચે થઈ રહેલી લડાઈથી ઘરમાં મુકેલા ટીવી, ફ્રિઝ સહિત રાચરચીલાને નુકસાન પહોંચાડ્યું હતું.

ઘર પરિવારના સભ્યો આખલા ઘૂસી જતા ઘરમાંથી તરત જ બહાર નીકળી જતા તેઓનો આબાદ બચાવ થયો હતો. જોકે આખલા આગલા દરવાજેથી ઘૂસી ગયા બાદ લડતા લડતા પાછલા દરવાજેથી બહાર નીકળી ગયા હતા. ક્ષણભરમાં જ આ ઘરમાંથી ટંડેલ પરિવારને હજારો રૂપિયાના નુકસાનમાં ઉતારી દીધા હતા.

હું ઘરે પહોંચ્યો તો આખલાને લડતા જોઈ સ્તબ્ધ થઈ ગયો
 હું મોડી રાત્રે ઘરે પહોંચ્યો તો ઘરમાં બે આખલા લડી રહ્યા હતા અને તેઓ દોડતા દોડતા બહારની તરફ જતા રહ્યા. ઘરમાં જોયું તો ઘરવખરીને ભારે નુકસાન થયું હતું. સદનસીબે પરિવારના સભ્યો ઘરમાંથી બહાર ભાગી જતા બચી ગયા હતા. ઘરમાં 10 જણાં સૂતા હતા. - વિનય ટંડેલ, અસરગ્રસ્ત

પાલિકાએ ઢોરને ઝબ્બે કરવા જોઈએ
છેલ્લા ઘણાં વખતથી રેલરાહત કોલોનીમાં ઢોરનો ત્રાસ વધ્યો છે. અહીં કચરાપેટીને કારણે ઢોરનો જમાવડો રહે છે. રાત્રે ઘરવખરીને નુકસાન થતા ટંડેલ પરિવારે આર્થિક રીતે સહન કરવાનો વારો આવ્યો છે. અગાઉ આખલાની લડાઈમાં ત્રણથી ચાર વ્યક્તિએ જીવ ગુમાવી ચૂકી છે ત્યારે રખડતા ઢોર અંગે પાલિકાએ ગંભીરતાથી વિચારવું જોઈએ. રેલરાહત કોલોનીના એન્ટ્રન્સમાં આડાશ પણ મુકવી જોઈએ જેથી ઢોર પ્રવેશી ન શકે. - નિલેશ ગુરવ, સામાજિક કાર્યકર