16 May 2019

ઘરે ઘરે પાણીના મીટર : 11 વર્ષથી ઠંડા બસ્તામાં પડેલો નિર્ણય સરકારી દબાણ બાદ ફરી લેવાયો પણ અમલના નામે 'હશે, થશે'


રાજ્યમાં પાણીની તંગી છે ત્યારે પાણીનો બચાવ થાય, લોકો બિનજરૂરી બગાડ ન કરે તે માટે પાણી ઉપર 'મીટર' મુકવાના નિર્ણય ઉપર આવી છે ત્યારે નવસારી શહેરમાં તો 11 વર્ષ અગાઉ મીટર મુકવાનો પાણી સમિતિએ ઠરાવ પણ પસાર કર્યો પરંતુ આજદિન સુધી અમલીકરણ કર્યું નથી. જો અમીલકરણ થઈ ગયું હોત તો નવસારીમાં આજની 'પાણીની રામાયણ' ન હોત એ નક્કી છે. હાલ ફરી મીટર મૂકવાનો નિર્ણય લેવાયો છે અમલ ક્યારે થશે તે તો સમય જ કહેશે.

સરકારે રાજ્યભરમાં ઘરે ઘરે પાણી ઉપર મીટર લગાવવા વિચારણા કરાઈ છે. પાણીનો બચાવ કરવા રાજસ્થાનનું મીટર મોડેલ અપનાવવા જરૂરી માહિતી મેળવવા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા અધિકારીઓની ટીમ સાથે રાજસ્થાનના પ્રવાસે જઈ રહ્યા છે. જ્યાં સરકાર ઘરે ઘરે મીટર મુકવા વિચારણા કરી રહી છે ત્યાં નવસારીમાં તો આજથી 11 વર્ષ અગાઉ આ નિર્ણય લેવાઈ ગયો હતો પરંતુ અમલીકરણ કરાયું ન હતું.

2008માં પણ પાલિકામાં ભાજપ જ સત્તાસ્થાને હતું. તે સમયે પાણી સમિતિના ચેરમેનપદે અશ્વિન ગાંધી હતા. તેમણે પાણીની મહત્તા સમજી તે સમયે પાણીની સમિતિની બેઠકમાં શહેરમાં ઘરે ઘરે પાણીના મીટર લગાવવાનો ઠરાવ પસાર કર્યો હતો.

પાણીનો બચાવ કરી બગાડ અટકાવવા માટે અગમચેતી રાખી આ નિર્ણય ગાંધીએ કર્યો હતો. જોકે તેમના આ 'પાણી ઉપર મીટર'ના નિર્ણયનું તે સમયે તો અમલીકરણ કરાયું ન હતું પરંતુ આજે 11 વર્ષે પણ અમલીકરણ કરાયું નથી. જો અમલીકરણ કરાયું હોત તો આજની શહેરની પાણીની સમસ્યામાં લોકોની બૂમરાણ ઓછી હોત એ હકીકત છે.

શહેરની જરૂરિયાત કરતા દોઢ ગણો વપરાશ
પાણીકાપ ન હોય ત્યારે દરરોજ 350 લાખ લિટર પાણી પાલિકા આપતી અને વપરાશ થતો હતો. પ્રતિ વ્યક્તિએ રોજ 200 લિટર પાણીનો વપરાશ થતો એમ કહી શકાય. જોકે પાણીનો માપદંડ મુજબ પ્રતિ વ્યક્તિ રોજ 135 લિટર જરૂરિયાત રહે છે. આમ દોઢ ગણુ પાણી અપાતું હતું. અલગ બાબત છે કે હાલ પાણીકાપમાં પ્રતિ વ્યક્તિદીઠ 135 લિટર જેટલું પાણી અપાય છે.

પાણીની આવક કરતા વિતરણ ખર્ચ 4 ગણો
નવસારી શહેરમાં પાણીનો ખર્ચ આવક કરતા પાલિકાને મોંઘો પડી રહ્યાનું જાણવા મળે છે. નવસારી પાલિકાને મિલકતધારકો પાસેથી પાણીવેરા પેટા વર્ષે 2 કરોડ રૂપિયા મળે છે. જેની સામે પાલિકા અંદાજે 8 કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે. આ ખર્ચમાં 3.50 કરોડનું તો લાઈટબીલ જ આવે છે. આ ઉપરાંત રોવોટર ચાર્જીસના 2.50 કરોડ, 1 કરોડ સ્ટાફ ખર્ચના અને 1 કરોડ અન્ય ખર્ચના ગણાય છે. આમ, એકંદરે આ ખર્ચ આવક કરતાં 4 ગણો હોવાનું જાણવા મળી રહ્યું છે.

પાલિકા શાસકોને ઉહાપોહ થવાનો ડર
નગરપાલિકામાં આજથી 11 વર્ષ અગાઉ ઘરે ઘરે પાણીના મીટર લગાવવા અંગે ઠરાવ કરવામાં આવ્યો હતો. જો કે, તેનું અમલીકરણ ન કરવા બાબતે પરાલિકાના જ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે, મીટર મુકાતા લોકોને આર્થિક બોજ વધવાની શક્યતા છે, જેથી ઉહાપોહ થઈ શકે છે અને તેનાથી બચવા 'પાણી મીટર' અમલીકરણ કરવાથી પાલિકા બચી રહી છે.

આ મામલે પાલિકાના કર્તાહર્તાઓ શું કહે છે?
સરકારના દિશાસૂચન મુજબ જ કામ કરાશે - શહેરના તમામ ઘરોમાં પાણીની લાઇન ઉપર મીટર લગાવવા અંગે સરકાર જે દિશાસૂચન આપશે તે મુજબ જ નવસારી પાલિકા આગળની કાર્યવાહી કરશે. હાલમાં આ મુદ્દે કોઈપણ પ્રકારની વધુ માહિતી નથી. - ત્રિભોવન ચાવડા, ચેરમેન, પાણી સમિતિ, પાલિકા

અગાઉ સાથીઓએ અમલ કરવા દીધો ન હતો - હું પાણી સમિતિનો ચેરમેન હતો ત્યારે અગમચેતી વાપરીને પાણીના મીટર નાંખવાનો નિર્ણય કરી ઠરાવ પસાર પણ કર્યો હતો પરંતુ તે સમયે 2008માં પાણીની તંગી ન હોઈ અમારા સાથીઓએ મીટર મુકવાના કામનું અમલીકરણ કરવા ન દીધું હતું. જો તેનું અમલીકરણ થાત તો આજે સ્થિતિ અલગ હોત ! લોકો મીટર ચાર્જને લઈને પાણીનો ખોટો બગાડ કરતા અટકે છે. - અશ્વિન ગાંધી, ભૂતપૂર્વ ચેરમેન, પાણી સમિતિ, પાલિકા