15 May 2019

નવસારીમાં તસ્કરરાજ, 8 ઘરનાં તાળાં તૂટ્યાં


નવસારીને અડીને આવેલા કાલીયાવાડી અને કબીલપોરમાં ચોર ટોળકીએ એક પછી એક આઠ બંધ મકાનને નિશાન બનાવ્યા હતા. એક જ રાત્રિમાં આઠ જગ્યાએ તાળા તોડવાની ઘટના નવસારી પંથકમાં પહેલી જ વખત પ્રકાશમાં આવી છે. જોકે કબીલપોરની સોસાયટીમાં ચોરી કરવા જતા ત્રણ ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયાની પણ માહિતી સાંપડી છે. કાલીયાવાડીમાં જીવનધારા એપાર્ટમેન્ટમાં 3 અને કબીલપોરના જલતરંગ અને પંચશીલ એપાર્ટમેન્ટમાં 5 મળી કુલ 8 બંધ મકાનને ચોરટાઓએ નિશાન બનાવ્યા હતા. ચોર ટોળકીના 10થી 12 જણાં એકસાથે આવીને ચોરીને અંજામ આપતા હોવાનું પણ ચર્ચાય રહ્યું છે.

આ બુટ કોના છે?
સવારે વહેલી ઉઠીને મારા ઘરની બાજુમાં બૂટ પડ્યા હતા અને મેં મારા ઘરની સામે રહેતા ભાઈને પૂછ્યું કે આ બૂટ તમારા છે તેમ કહી બહાર તેઓ જોવા જતા અમે જોયું તો ફ્લેટ નંબર 204 ખુલ્લો હતો અને સાથે ફલેટ નં. 203 ખુલ્લો હતો. તેઓ ઘણાં દિવસથી બહારગામ હતા રૂમ અસ્તવ્યસ્ત હોય ચોરી થયાનું જણાતા તુરંત ફ્લેટ માલિકને જાણ કરી હતી. - વાસંતીબેન જોશી, પાડોશી, જીવનધારા એપાર્ટમેન્ટ

રાત્રે 100 નંબર પર ફોન કરતા સ્થાનિક પોલીસનો નંબર આપ્યો
ગત રાત્રિએ સામેના ઘર માં તાળું તોડતા અવાજ સંભળાતા હું અને મારી પત્ની ઉઠ્યા હતા જોયું તો પાંચેક જણાં સામે ઘર પાસે ઉભા હતા. જેથી શંકા જતા તરત જ 100 નંબર પર પોલીસને જાણ કરવા ફોન કર્યો હતો, ત્યાંથી અમને સ્થાનિક પોલીસનો નંબર આપ્યો પણ અંધારામાં લાઈટ ચાલુ ન કરતા તે નંબર લખાયો ન હતો. આથી સોસાયટીના મિત્રોનો સંપર્ક કર્યો,પણ તેઓ સુતેલા હોય ચોરીની ઘટના બાદ સોસાયટીના પ્રમુખ તથા સોસાયટીના લોકો ઉઠ્યા હતા અને જોયું તો સોસાયટીમાં ત્રણ ઘરોમાં ચોરી થઇ હોવાનું તપાસ કરતા જાણ થઇ હતી. - મહેશ મિસ્ત્રી, ફર્સ્ટ પર્સન (જલતરંગ સોસાયટીમાં ચોરી કરતા ચોરોને જોનાર)

ચોરોએ બે જગ્યાએ નિશાન મુક્યા
જીવનધારા એપાર્ટમેન્ટના રૂમ નંબર 204 પાસે એક ચોરે પોતાના બુટ મુક્યા હતા તો કબીલપોરની જલતરંગ સોસાયટીમાં રાત્રિના સમય દરમિયાન પાણી પીને બોટલ ઘર નંબર 12 પ્રવીણ પટેલના ઘરની બારી પાસે મૂકી હતી.

ચોરી કરતા પહેલા પાડોશીના બારણા બહારથી બંધ કરી દેતા હતા.
કબીલપોરની પંચશીલ સોસાયટીમાં દેવરામ માલીને ત્યાં ચોરી કરતા પહેલા તેમનો પુત્ર પંકજની પરીક્ષા હોય પહેલા માળે વાંચતો હતો જેથી ચોરોએ પહેલા પહેલા માળે જઈને આગળથી બારણું બંધ કરી દીધું અને નીચે આવેલા ઘરમાં કબાટ તોડીને ચોરીનો પ્રયાસ કર્યો હતો. સવારે પંકજ માલી ઉઠતા ઘરનો દરવાજો બહારથી બંધ હોય તે ગભરાયો હતો. આજે તેની પરીક્ષા હોય તેણે પાડોશીઓને ફોન કરી જાણ કરી અને ત્યારબાદ પડોશી ધર્મેશભાઈએ દરવાજો ખોલ્યો હતો.એજ રીતે કાલીયાવાડીના જીવનધારા એપાર્ટમેન્ટમાં બીજા માળે ચોરી કરતા અગાઉ ચોરોએ પડોશીઓના ઘરના બારણા બહારથી બંધ કરી દીધા હોવાનું મહેશભાઈએ જણાવ્યું હતું .

સીસીટીવી માટે તજવીજ હાથ ધરી છે
કબીલપોરની જલતરંગ સોસાયટીમાં ત્રણ ઘરમાં થયેલી ચોરીની ઘટનાએ લોકોને વિચારતા કરી મુક્યા છે. તેમાં જીતેન્દ્ર પટેલ નામના ઇસમનાં ઘરે એક માસ અગાઉ પણ બારણાનો નકુચો તોડી ચોરી થઇ હતી. જેનો દરવાજાનો નકુચો હજુ રીપેરીંગ થયો ન હતો અને લોખંડની જાળીમાં મુકેલો નકુચો પણ ચોરોએ તોડી બીજી વાર ચોરી કરી હતી. 


માત્ર જીવનધારા એપાર્ટ.ની ચોરીની જ ફરિયાદ
જીવનધારા એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 204માં મેહુલ ભટ્ટ મુંબઈ ગયા હતા. બંધ ઘરમાં દરવાજાનો નકુચો તોડી પ્રવેશ કરી કબાટ તોડી રૂ. 40 હજારની બે તોલાની સોનાની ચેઈન, સોનાની 2 વીંટી રૂ. 10 હજાર, 10 હજાર રોકડા મળી રૂ. 60 હજારની ચોરી થઇ હતી. આ ઘટનાની ફરિયાદ મેહુલના પિતા મહેશ ભટ્ટે ગ્રામ્ય પોલીસ મથકે આપી હતી.

આ સોસાયટી અને એપાર્ટમેન્ટમાં ચોરી થઇ
કબીલપોર ખાતે આવેલ જલતરંગ સોસા.માં 3 ઘરોમાં : ઘર નંબર 12 પ્રવીણ બુધા પટેલ (મૂળ- ચીખલી ફડવેલ), ઘર નંબર 20 નાનુભાઈ છીકાભાઈ પટેલ (રીટાયર્ડ સરકારી ઓફિસર) અને ઘર નંબર 47 જીતેન્દ્ર દુર્લભભાઈ પટેલ (સરકારી કર્મચારી)(મૂળ રહે. ઝેરવાવરા) એમ તમામના ઘર બંધ હોય કેટલાની ચોરી થઇ તેની જાણી શકાયું નથી.
કબીલપોર પંચશીલ સોસા.ના બે ઘર : કબીલપોર ખાતે આવેલી પંચશીલ સોસાયટીમાં બે ઘરોમાં થઈ હતી. જેમાં જીજ્ઞાબેન ગોહિલ (આશા વર્કર) ઘર બંધ હોય કેટલાની ચોરી થઇ તેની જાણ થઇ નથી તેમજ દેવરામ માલી ઘરના સભ્યો બહારગામ ગયેલા હોય પરંતુ પુત્ર ઘરે હોવા છતાં કેટલાની ચોરી થઇ તે જાણી શકાયું નથી.

જીવનધારા એપા.માં 3 ફલેટમાં તાળા તૂટ્યા
કાલીયાવાડી જીવનધારા એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 204માં રહેતા મેહુલ મહેશ ભટ્ટને ત્યાં 60 હજારની મત્તાની ચોરી., ફ્લેટ નંબર 203માં દીપક રાઠોડના મકાનમાં પણ ચોરી થઈ હતી. ઘરે કોઈ ન હોય કેટલી ચોરી તે જાણકારી નથી., ફ્લેટ નંબર 405માં રહેતા દીપક મારવાડીને ત્યાં ચોરીનો પ્રયાસ.