23 May 2019

નવસારીના એપાર્ટમેન્ટમાં 1 કલાકમાં1.55 લાખની ચોરી


નવસારીમાં ફાયર સ્ટેશન અને સાંઢકૂવા પોલીસ ચોકીની 50 મીટરના અંતરે આવેલા રચના એપાર્ટમેન્ટ-બી માં ચોથા માળે આવેલા ફલેટમાં રહેતી મહિલા શાકભાજી લેવા અડધો કલાક બહાર ગઈ તે અરસામાં ચોરટાઓએ તાળું ખોલીને ઘરમાંના કબાટ તોડીને સોનાના 9 તોલાના દાગીના મળી કુલ 1.55 લાખની ચોરી કરી ગયા હોવાની ઘટના નવસારી પોલીસ મથકે નોંધાઈ હતી. ઘટનાની વધુ તપાસ પીએસઆઈ ડી.એચ વાઘેલા કરી રહ્યા છે.

નવસારીના સાંઢકૂવા પોલીસ ચોકીથી 50 મીટરના અંતરે રચના એપાર્ટમેન્ટ-બી આવેલું છે. એપાર્ટમેન્ટના ચોથા માળે ફ્લેટ નંબર 32માં ભરત વાલાભાઈ પટેલ તેની પત્ની ગોમતીબેન તથા બે સંતાનો સાથે રહે છે. તેઓ સુરત ખાતે હીરાના કારખાનામાં નોકરી કરે છે અને તેઓ દરરોજ સવારે ટ્રેનમાં સુરત નોકરી ઉપર જાય છે. 21મીએ તેઓ સુરત ખાતે ગયા હતા અને તેમની પત્ની ગોમતીબેન ઘરે હતી. 11 વાગ્યાનાં સુમારે ગોમતીબેન શાંતાદેવી રોડ ખાતે આવેલી શાકભાજી માર્કેટમાં ગયા હતા. જ્યાંથી તેઓ 12 વાગ્યે પરત ઘરે આવ્યા હતા. તેઓ ઘરનું ખોલવા માટે જતા તાળું ખુલેલું જોવા મળ્યું હતું.

આ અંગેની જાણ તેમણે તેમના પતિ ભરતભાઈને કરતા તેઓ નવસારી આવ્યા હતા અને પોલીસમાં જાણ કરી હતી. તેમણે કબાટમાં મૂકેલા સોનાના દાગીના 9 તોલા કિંમત રૂ. 1.35 લાખ અને ચાંદીના દાગીના કિંમત રૂ. 18000 અને રોકડા રૂ. 2 હજાર મળી કુલ રૂ. 1.55 લાખની મત્તાની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. તેમના કાકાભાઈ પ્રવીણ કાળાભાઈ પટેલનું ઘર પણ તેમની બાજુમાં હોય તેનું પણ તાળું તોડ્યું હતું પરંતુ ત્યાંથી ચોરટાઓ કોઈ પણ વસ્તુ ચોરી ન ગયાનું જણાવ્યું હતું.

15 વર્ષની કમાણી તસ્કરો એક કલાકમાં ચોરી ગયા
હું 15 વર્ષથી સુરત ખાતે હીરાના કારખાનામાં કામ કરું છુ. સાચવેલી મૂડીમાંથી અમે દાગીના ખરીદ્યા હતા પરંતુ ચોરટાઓએ માત્ર એક કલાકમાં મારી જીવનભરની કમાણી લૂંટી લીધી હતી. - ભરત પટેલ, ભોગ બનનાર, ઘરના માલિક

ફૂટેજમાં ઝાંખું દેખાય છે અને ચોરોએ મોઢે રૂમાલ બાંધ્યા છે
ફૂટેજ મેળવવાની કામગીરી શરૂ કરી છે. વિડિયોમાં ઝાંખું દેખાતું હોય બીજા ફૂટેજ મેળવવાની કામગીરી ચાલુ કરી છે. બે યુવાનો મોઢે રૂમાલ બાંધેલા દેખાય છે. સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. - વાઘેલા, પીએસઆઈ, નવસારી

ચોરટાઓ ગોમતીબેનની બાજુમાંથી પસાર થયા
રચના એપાર્ટમેન્ટ-બીમાં ધોળે દિવસે માત્ર એક જ કલાકમાં થયેલી ચોરીની ઘટનામાં મકાન માલિક ગોમતીબેન શાકભાજી લેવા ઘરેથી નીકળ્યા અને માત્ર દસ મિનિટમાં તસ્કરો ઉપર ગયા હતા. હાલ વેકેશનનો માહોલ હોય મોટા ભાગના ઘરો બંધ હોય તેનો લાભ લઈ તસ્કરોએ ચોરીને અંજામ આપી પરત જતા હતા. એ સમયે બે યુવાનો મોઢે રૂમાલ બાંધેલી હાલતમાં ગોમતીબેનની બાજુમાંથી પસાર થયા હતા ત્યારે તેમને ખબર ન હતી કે તેમને ત્યાં ચોરી કરનારા આ યુવાનો છે. પોલીસે સીસીટીવીમાં ચેક કર્યું ત્યારે ગોમતીબેને જણાવ્યું કે આ બંને યુવાનો તેમની બાજુમાંથી પસાર થયા હતા.

11 દિવસમાં 12 ચોરીની ઘટના
  • મીથીલા નગરીમાં આવેલ બે બંધ ઘરનાં તાળાં તૂટ્યાં હતાં 
  • ધારાગીરીમાં આવેલ યોગીરાજ એપાર્ટમેન્ટમાં ચોરી 
  • કાલીયાવાડી ખાતે જીવનધારા એપાર્ટમેન્ટમાં ત્રણ ફ્લેટમાં ચોરી 
  • કબીલપોરની જલતરંગ સોસાયટીમાં ત્રણ ઘરોમાં ચોરી 
  • કબીલપોરના પંચશીલ સોસાયટીમાં બે ઘરોમાં ચોરી 
  • મિથિલાનગરીમાં એક ઘરનું તાળું તૂટ્યું.