29 June 2019

નવસારી હાઉસિંગ બોર્ડના પ્રોજેક્ટની 5 મહિનામાં જ પોલ ખૂલી, આરસીસી રોડ અને દીવાલમાં તિરાડ પડી


નવસારીમાં ફેબ્રુઆરીમાં જ જેનું લોકાર્પણ કરાયું એ ગુજરાત હાઉસિંગ બોર્ડનો આંતરિક રસ્તો (પેસેજ) બેસી જઈ કંપાઉન્ડ વોલમાં પણ મસમોટી તિરાડો વરસાદમાં પડી જતા કામની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે.

લોકોને કિફાયત ભાવે સારુ ઘર મળે તે માટે નવસારીમાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની પારસી હોસ્પિટલ સામેના રોડ ઉપર શાંતિવન સોસાયટી નજીકની જગ્યામાં હાઉસિંગ બોર્ડ દ્વારા મકાનો બનાવાયા છે. પ્રોજેકટનું નામ 'સરદાર હાઈટ્સ' અપાયું છે. જેના પાંચ નદીઓના નામ ઉપર પાંચ એપાર્ટમેન્ટ છે. પાંચ એપા.માં 224 ફલેટ છે. જેમાં ટુ બીએચકેવાળા 168 અને થ્રી બીએચકેવાળા 56 ફલેટનો સમાવેશ થાય છે.

તમામ મકાનો તૈયાર થયા બાદ ગત ફેબ્રુઆરીમાં જ હાઉસિંગ બોર્ડના મકાનોનું લોકાર્પણ કરાયું હતું. લોકાર્પણ થયાના પુરા પાંચ મહિના થયા નથી ત્યાં 1 ઈંચ વરસાદમાં જ પ્રોજેકટમાં કરાયેલી કામગીરીની પોલ ખુલી હતી. સાધારણ વરસાદમાં 'સરદાર હાઈટ્સ'નો આંતરિક રોડ નીચેની માટી ધસી જતા એક તરફનો માર્ગ બેસી ગયો હતો અને તિરાડ પડી હતી. માર્ગની સાથે જોડાયેલા કંપાઉન્ડ વોલમાં તિરાડો પડી હતી. બ્લોકપેવર પણ વેરવિખેર થયા હતા. સરદાર હાઈટ્સના કંપાઉન્ડની બદલાયેલી સુરત જોતા રહીશો અવાક થઈ ગયા હતા. બાંધકામ પૂર્ણ થયાના માંડ પાંચ મહિનામાં જ બાંધકામમાં ક્ષતિઓ બહાર આવતા ચર્ચાનો વિષય બન્યો છે.

11 અને 18 લાખના ઘરો
હાઉસિંગ બોર્ડના આ પ્રોજેકટમાં MIG અને LIG એમ બે પ્રકારના મકાનો છે. MIG 18 લાખ રૂપિયાના અને LIG 11 લાખ રૂપિયામાં વેચાયા છે. પ્રમાણમાં કિફાયતી ભાવે મકાનો હોવા છતાં તેની કામગીરીમાં શરૂઆતથી જ (6 મહિના પહેલા જ) સવાલો ઉઠે એ ચર્ચાનો વિષય છે.

અમારી રજૂઆતો સાંભળતા નથી
દિવાલ કાચી દેખાય છે. આરસીસી રોડમાં સળિયા દેખાતા નથી. બીજુ કે પ્રોજેકટનું લોકાર્પણ થયા બાદ 4 મહિનાથી અમારી માંગો અને રજૂઆતો વોર્ડના અધિકારી સાંભળતા જ નથી. અધિકારી આવતા જ નથી. લોકાર્પણ પહેલા મોટી મોટી વાતો કરતા હતા. કામકાજ અધુરુ છે. - શૈલેષ પટેલ, પ્રમુખ, સરદાર હાઈટ્સ સોસાયટી

ચેકિંગ રીપેરિંગ કરી દેવામાં આવશે
નવસારીમાં બોર્ડના પ્રોજેકટમાં માટી બેસી જતા રસ્તો થોડો બેસી ગયો છે અને તિરાડ પડી છે. તેનું રીપેરિંગ કરી દેવાશે. આ સમસ્યા સર્જાવા અંગે સંપૂર્ણ ચેકિંગ કરી, નીચેના ભાગે કોઈક લિકેજ છે કે નહીં તે પણ જોવાશે. - અમીત મેન્ગર, કાર્યપાલક ઈજનેર, ગુજરાત હાઉસિંગ બોર્ડ

મકાનોમાં લીકેજની સમસ્યા
હાઉસિંગ બોર્ડના અહીંના મકાનોમાં લિકેજ છે. એક LIQમાં રહેતા ભાઈનો ત 4 મહિનાથી કમ્પલેઈન છે. તેનું નિરાકરણ લાવતા જ નથી. રૂમમાં પાણી પડે છે. વરસાદ પહેલા જ પાણીનું ગળતર હતું. - ચેતન મિસ્ત્રી, રહીશ, સરદાર હાઈટ્સ સ્થાનિકોની સમસ્યા અંગે અિધકારીઓને રજૂઆત છતાં સાંભળતા નથી