4 June 2019

નવસારીમાં સરકારી દવાઓ સગેવગે કરવાનું કૌભાંડ


સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર દરેક જગ્યાએ જોવા મળતો હતો. આરોગ્ય ખાતું બાકાત રહ્યું હતું પણ રુસ્તમવાડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પી.એચ.સી.)માંથી દવાઓ બારોબાર સગેવગે થઇ રહી હોવાનું જણાય રહ્યું છે.

નવસારીમાં જિલ્લા પંચાયત દ્વારા સંચાલિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રુસ્તમવાડીમાં સવારે ૧૦ વાગ્યાના સમયે સંદેશનેે માહિતી મળી હતી કે રુસ્તમવાડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરથી દવાનો જથ્થો એક મોટા ખાનગી ટેમ્પોમાં ભરાઇ રહ્યો છે. જે એક્સપાયરી ડેટની હોવાનું તથા એ દવાઓ બેફામ રીતે ખાનગી ટેમ્પોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી ૩થી ૪ દુકાનો છોડીને ભરાઇ રહ્યો હોવાની જાણ થતા ત્યાં પહોંચીને સંદેશના પ્રતિનિધિ દવા ભરેલા ટેમ્પોનું વીડિયો શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે રૂસ્તમવાડી પી.એચ.સી. સેન્ટરમાંથી એક વ્યક્તિએ આવીને આક્રોશ ભર્યા અવાજે કેમ ફોટા પાડી રહ્યા છો એવું જણાવી હાથમાંથી મોબાઇલ છીનવાની કોશિશ કરી હતી. જેથી આ પ્રકરણની આરોગ્ય ખાતાના ઓફિસરને જાણ કરી હતી. તેઓ નમ્રતાથી વાત કરીને વીડિયો અને ફોટો મંગાવ્યા હતા. સંદેશ ઓફિસથી તેઓએ માગેલો તમામ સબૂત પૂરા પાડવામાં આવ્યા હતા.

ત્યાર બાદ તેમણે સંબંધિતોને કારણદર્શક નોટિસ પાઠવી હોવાની માહિતી મળી હતી પણ ત્યાર બાદ કોઇ પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવી નથી. કસૂરવાર હજી પણ દાદાગીરી થી કામ કરતા રહ્યા છે. દવા એક્સ્પાયરી ડેટની હોય તો આટલી બધી માત્રામાં કેમ હતી? અને તે અંગે સ્પષ્ટતા કરવામાં શું વાંધો હતો? એ પણ સવાલ છે .

આટલા મોટા પ્રમાણમાં દવાઓ કોને પૂછીને ટેમ્પોમાં ભરાઈ?
આ પ્રકરણમાં સરકારી દવાઓ બારોબાર વેચી મારવાનું કૌભાંડ હોવાની વાત પ્રથમ દર્શને દેખાઇ આવે છે. તેના અનેક કારણો છે. તેમાં પ્રથમ તો આ દવા આટલા મોટા પ્રમાણમાં બારોબાર કોને પૂછીને ટેમ્પોમાં ભરી ? પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી બહાર કેમ મોકલવામાં આવી ? દવા જો એક્સ્પાયરી ડેટની હોય તો તેનો નાશ કરવા માટે જિલ્લા પંચાયતમાં આરોગ્ય વિભાગની પરમિશન લીધી હતી કે કેમ ? અને જો લીધી હોય તો તેમને નોટિસ કેમ ફટકારવામાં આવી ? એનો સીધો અર્થ એ થાય છે કે ઉપરી અધિકારીની કોઇ પરવાનગી લેવામાં નથી આવી તે સ્પષ્ટ સાબિત થાય છે. પરવાનગી વગર દવા બહાર જાય તો તેને સીધી ભાષામાં કૌભાંડ કહેવાય. આ બાબતે આરોગ્ય અધિકારી તપાસ કરાવી યોગ્ય પગલાં ભરાવે તે જરૂરી છે.

આ પ્રકરણની મને કંઇ જ ખબર નથી: જિલ્લા આરોગ્ય અધિકારી
આ પ્રકરણ બાબતે ડો. ડી.એચ. ભાવસાર (ડી.એચ.ઓ.) ને મો. નં. ૯૦૯૯૦૮૬૦૦૧ પર સંપર્ક કરીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ બાબતની મને કંઇજ ખબર નથી. હું રુસ્તમવાડી સેન્ટર પર તપાસ કરીશ. આ બાબતે નોટિસ આપવામાં આવી છે તેની જાણ તમને છે ? આ સવાલ તેમને પૂછતા તેમણે જણાવ્યું હતું કે હું કંઇજ જાણતો નથી. તપાસ કરી યોગ્ય કસૂરવારને યોગ્ય નસહિત આપવાનો પ્રયત્ન ચોક્કસ આરોગ્ય ખાતું કરશે.

દવા આપવામાં કાયમ આનાકાની કેમ?
રૂસ્તમવાડી આરોગ્ય સબ સેન્ટર પર દર્દીઓ સાથે બેહૂદૂં વર્તન થતું હોવાની ઘટના થોડા દિવસ પહેલા બની હતી. દવા આપવામાં કાયમ આનાકાની થતી આવી છે. ત્યારે દવા બારોબાર વેચવાનું કૌભાંડ કરવા માટે આ વર્તન થતું હોય તેવું આમ જનતાનાં મુખે ચર્ચાય રહ્યું છે.

સરકારનો આરોગ્ય તરફેનો અભિગમ હવામાં
નવસારી રુસ્તમવાડી સબસેન્ટરમાં દવાઓ પરવાનગી વગર સગેવગે કરવાનું કહેવાતું કૌભાંડ સરકારનો આરોગ્ય તરફે સ્વચ્છ અભિગમ પર લાંછન સ્વરૂપ દાખલો છે. ગરીબ અને મધ્યમવર્ગનો માણસ આરોગ્ય માટે ચિંતામુક્ત રહે તે માટે કરોડો રૂપિયા ખર્ચે છે. પણ તેમાં દવાનો બારોબાર વેપલો જો થયો હોય તો કસૂરવાર સરકાર અને ગરીબ-મધ્યમવર્ગ સાથે ક્રૂર મશ્કરી કરી રહ્યા છે. તેઓ સામે ડી.એચ.ઓ. યોગ્ય પગલાં ભરશે ખરા?