12 June 2019

સંભવિત 'વાયુ' વાવાઝોડાને પગલે જિલ્લાનાં 24 ગામો એલર્ટ કરાયાં


અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના પગલે નવસારી જિલ્લામાં પણ વાવાઝોડુ યા ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતાને લઈ દરિયાકાંઠા વિસ્તાર નજીકના બે તાલુકાના 24 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

વાવાઝોડાની આગાહીને પગલે સ્થાનિક વહીવટીતંત્ર સાબદુ થયું છે અને ખાસ કરીને દરિયાકાંઠાના બે તાલુકા જલાલપોર અને ગણદેવીમાં અધિકારીઓ વિઝીટ કરી રહ્યા છે. આ બે તાલુકાના કુલ 24 ગામોને તો વિશેષ તકેદારી રાખવા 'એલર્ટ' કરવામાં આવ્યા છે. જેમાં જલાલપોર તાલુકાના 11 અને ગણદેવી તાલુકાના 13 ગામોનો સમાવેશ થાય છે. આ 24 ગામોમાં કદાચ લોકોને સ્થળાંતર કરવાની જરૂર પડે તો 24 જેટલા સ્થળાંતર સ્થળો પણ તૈયાર રાખવામાં આવ્યા છે. આ સ્થળોએ પીવાનું પાણી, ફૂડ પેકેટ, ગાદલા, તબીબી સુવિધા તૈયાર રાખવામાં આવશે. બંને તાલુકા મળી અંદાજિત 3966લોકોને વધુ અસર થવાની વકી છે. જેમાં જલાલપોર તાલુકાના 1680 અને ગણદેવી તાલુકાના 2686 લોકોનો સમાવેશ થાય છે.

દાંડી, ઉભરાટ બીચે નાહવા ઉપર મનાઈ
સંભવિત વાવાઝોડુ યા પવન સાથે વરસાદ પડવાની શક્યતાને જોતા પ્રવાસન સ્થળ દાંડી અને ઉભરાટ બીચ ઉપર પણ સુરક્ષા વ્યવસ્થા કડક કરાઈ છે. સહેલાણીઓ દરિયામાં નાહવા ન જાય તે માટે બંને દરિયાકાંઠે પોલીસે મુકી દેવાઈ છે અને લોકોને સમુદ્ર સ્નાન કરતા રોકાઈ રહ્યા છે. 13મીએ સાંજ બાદ સ્થિતિની સમીક્ષા કરી આગળનો નિર્ણય લેવાશે એમ જાણવા મળે છે.દાંડીમાં બે દિવસ ખાણીપીણીના સ્ટોલ બંધ રાખવાની સૂચના આપી દેવાઈ છે.

નવસારી જિલ્લાના એલર્ટ કરાયેલા ગામો
જલાલપોર તાલુકો : દાંતી, ઉભરાંટ, વાંસી, દાંડી, બોરસી માછીવાડ, સામાપાર, ઓંજલ, કૃષ્ણપુર, પનાર, ચીજગામ, દીપલા.
ગણદેવી તાલુકો : કલમઠા, છાપર, મોરલી, મેંધર, ભાટ, બીગરી, પોંસરી, ધોલાઈ, માસા, મોવાસા, ભાગડ, વાડી, માછીયાવાસણ.

4 ગામમાં વિશેષ તકેદારી રખાઈ
સંભવિત ભારે પવન, વરસાદ યા અન્ય આફતને જોતા નવસારી જિલ્લામાં તૈયારીઓ કરી રખાઈ છે. દરિયાકાંઠા નજીકના 24 ગામમાં વિશેષ તકેદારી રખાઈ છે. દાંડી, ઉભરાંટ માટે પોલીસને સૂચના અપાઈ છે. - ડો. એમ.ડી. મોડિયા, કલેકટર, નવસારી જિલ્લો