23 June 2019

નવસારીના પિત્ઝા સેન્ટરના મેનેજર ઉપર ચપ્પુથી હુમલો કરનાર ૪ની ધરપકડ


નવસારીના તીઘરા જકાત નાકા નજીક લોઢાના પુલ પાસે આવેલી નીઓ પોલિટન પીઝા રેસ્ટોરન્ટમાં શુક્રવારે ઢળતી સાંજે ૨ મહિલાઓ સહિત ૪ જણાએ આવીને રેસ્ટોરન્ટના સ્ટાફના વેઇટર સાથે ઝઘડો કર્યો અને બાદમાં તેને માર માર્યો હતો. તે વેઇટરને બચાવવા રેસ્ટોરન્ટના મેનેજર વચ્ચે પડતા તેને ચાકુ મારી દેતા લોહીલુહાણ થયો હતો.

જોકે આ ઘટના અંગે તાત્કાલિક નવસારી પોલીસ ટાઉન મથકે જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોîચી ૨ મહિલા સહિત ૪ની ધરપકડ કરી હતી. જ્યારે ઇજાગ્રસ્ત મેનેજરને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

મળતી માહિતી અનુસાર, મુળ પશ્ચિમ બંગાળના કુંજ બિહારમાં બિહારા થાનામાં અને હાલ નવસારીના નીઓ પોલીટન પીઝાની પાછળ આવેલા સંકલ્પ એપાર્ટમેન્ટમાં રહેતા ચંદનકુમાર રામલાલ જાદવ નવસારીના તીઘરા જકાત નાકા પહેલા આવતા લોઢાના પુલ પાસે આવેલા કોમ્પ્લેક્ષના પ્રથમ માળે આવેલી નીઓ પોલિટન પીઝા રેસ્ટોરન્ટમાં મેનેજર તરીકે નોકરી કરે છે.

ગત શુક્રવારે ઢળતી સાંજે નવસારી સિંધીકેમ્પમાં સીતારામ નગરમાં રહેતા જીતેન્દ્ર પ્રસાદ સોનકર, રંગીલા કૈલાશ સોનકર, પુનમ કૈલાશ સોનકર અને મીના પ્રસાદ સોનકર ગુમ થયેલી પુત્રી બાબતે રેસ્ટોરન્ટમાં પુછપરછ કરવા આવ્યા હતા. જયાં તેમણે રેસ્ટોરન્ટમાં કામ કરતી એક યુવતી તથા વેઇટર સાથે ઝઘડો શરૂ કર્યો હતો. જેથી રેસ્ટોરન્ટના મેનેજર ચંદનને મધ્યસ્થી કરી હતી. વાત વણસતા જીતેન્દ્ર, રંગીલા, પુનમ, મીનાએ ઉગ્ર બોલાચાલી કરી વેઇટર અને યુવતિ સાથે ઝઘડો કરી માર મારવા લાગ્યા હતા. ચંદન તેઓને છોડાવવા વચ્ચે પડતા જીતેન્દ્રએ ચંદનને ચાકુ મારી દીધુ હતુ. અને માથાના ભાગે માર મારતા ચંદન ઘવાયો હતો.

આ ઘટનાની જાણ રેસ્ટોરન્ટ માલિકને થતાં તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને હુમલો કરનારા પરિવારને રેસ્ટોરન્ટ સ્ટાફે તેમજ માલિકે પકડી રાખ્યા હતા. બાદમાં નવસારી ટાઉન પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને સમગ્ર ઘટનાનો તાગ મેળવ્યો હતો. સાથે જ જીતેન્દ્ર, રંગીલા, પુનમ અને મીનાની ધરપકડ કરી હતી. અને ઇજાગ્રસ્ત મેનેજરને પારસી હોસ્પિટલમાં ખસેડયો હતો.

આ બનાવ અંગે ચંદને નવસારી ટાઉન પોલીસ મથકે જીતેન્દ્ર, રંગીલા, પુનમ અને મીના વિરૂદ્ધ ફરિયાદ નોધાવી હતી. જાકે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેના આધારે પોલીસે તપાસ આગળ વધારી છે. આ બનાવ અંગે પીએસઆઇ પી.પી. વસાવા કરી રહયા છે.

રાજકીય આગેવાનોએ પત્રકારોને અપમાનિત કર્યા
નીઓ પોલિટન રેસ્ટોરન્ટમાં ગત શુક્રવારે ઢળતી સાંજે થયેલા હુમલા બાદ મીડિયા કર્મીઓ પણ રેસ્ટોરન્ટ પર પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાને કવર કરી રહયા હતા. દરમિયાન રેસ્ટોરન્ટમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના આવી હોવાનું જાણતા જ સીસીટીવી ફૂટેજ ચકાસી રહયા હતા. ત્યારે નવસારીના રાજકીય આગેવાનોએ ઘટના મુદ્દે ઢાંક પીછોડો કરવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ અશ્વિનભાઈએ સીસીટીવી ફૂટેજ લેતા મીડિયા કર્મીઓને અટકાવી એમને અપમાનિત કરતાં મીડિયા કર્મીઓએ રાજકીય આગેવાનો સામે રોષ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, પીઝા રેસ્ટોરન્ટમાં થયેલા હુમલા પ્રકરણમાં રાજકીય આગેવાનોનો કયો સ્વાર્થ રહયો એ ચર્ચાનો વિષય બન્યો હતો.