24 June 2019

આખરે નગરપાલિકાને બ્રહ્મજ્ઞાન થયું, પૂર્ણા નદીના દક્ષિણ છેડે મેટલ નાખી માર્ગ બનાવ્યો


નવસારીમાં ચોમાસાની મોસમમાં ભારે વરસાદ પડે યા પૂર આવે તો જ પ્રકાશ ટોકીઝના રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાતા આ ગરનાળાનો માર્ગ બંધ થતો હતો. જોકે રેલવેની ફ્રેઈટ કોરિડોરની યોજના અંતર્ગત હાલની રેલવે ટ્રેકની બાજુમાં વધુ બે ટ્રેક નંખાનાર છે. આ વધારાની ટ્રેક માટે હાલની ટ્રેકની લગોલગ ભારે મોટી પુરાણ કરી દેવામાં આવ્યું છે. માત્ર ગરનાળાની જગ્યામાં જ પુરાણ કરવામાં આવ્યું નથી.

જેના કારણે હાલ ચોમાસાની શરૂઆતમાં થોડા 8 મિ.મી. વરસાદમાં જ રેલવે ગરનાળામાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો હતો અને તેને લઈને વાહનોની અવરજવર બંધ થઈ ગઈ હતી. જોકે પાલિકાએ પંપિંગ દ્વારા પાણી બહાર તો કાઢયું પરંતુ ચોમાસામાં અવારનવાર આ સમસ્યા ઉભી થશે એ નક્કી છે. જેના કારણે પાલિકાને રસ્તાનો અન્ય વિકલ્પ શોધવાની ફરજ પડી છે.

હાલના ગરનાળાથી અંદાજે 600 મીટર દૂર ઉત્તર બાજુ દક્ષિણ પૂર્ણા નદીનો પુલ છે. આમ તો પૂર યા અતિભારે વરસાદ સિવાય આ પુલમાં પાણી ભરાતા નથી, ત્યારે પાલિકાએ દક્ષિણ પૂર્ણાના પુલ નીચેથી 'કામચલાઉ રસ્તો' કાઢવાની ફરજ પડી છે. અહીં મેટલ વગેરે મટિરિયલ નાંખી તાબડતોડ 'કામચલાઉ રસ્તો' ઉભો કર્યો છે અને તેની જાહેરાત પણ પાલિકાએ કરી આ 'વૈકલ્પિક કામચલાઉ રસ્તા'નો ઉપયોગ કરવા વાહનચાલકોને જણાવ્યું છે. 

રેલવે ફાટક પર થયેલો ટ્રાફિક જામ
ગત અઠવાડિયે બુધવારે નવસારીમાં વરસાદ પડતા ગરનાળામાં પાણી ભરાવા ઉપરાંત ફાટક પર પણ કલાકો સધુ જામ થયો હતો. અંતે પાલિકાએ આનો વિકલ્પ શોધી કાઢ્યો છે.

રસ્તો રિંગરોડને જોડે છે
નવસારી પાલિકાએ જે વૈકલ્પિક કામચલાઉ રસ્તો બનાવ્યો છે એ પશ્ચિમે રાયચંદરોડ-બંદરરોડથી પૂર્ણાના પુલ પાસે પહોંચી પૂર્વ બાજુએ શહેરનો નવો બનાવેલો રીંગરોડને જોઈન્ટ કરે છે. જેથી વિરાવળ-સુરત તરફ જનારા માટે આ વૈકલ્પિક રસ્તાથી સીધા વિરાવળ જઈ શકાય છે.

વધુ એક રસ્તો મળે તે માટે મેટલ નાંખી
આમ તો પ્રકાશ ટોકીઝ ગરનાળામાં વરસાદી પાણી ભરાય તેને કાઢવાની વ્યવસ્થા પાલિકાએ કરી જ છે પરંતુ લોકોને પાણી ભરાય તે સંજોગોમાં વધુ એક રસ્તો મળે તે માટે પાલિકાએ મેટલ નાંખી છે. - રાજુ ગુપ્તા, સિટી ઈજનેર, નવસારી પાલિકા

વૈકલ્પિક રસ્તો ખૂબ ઉપયોગી
રેલવે ગરનાળાનો ભાગ નીચો હોવાથી ત્યાં વરસાદી પાણી ભરાય છે. વરસાદની સ્થિતિમાં દક્ષિણ પૂર્ણાના પુલ નીચે પાલિકાએ જે વૈકલ્પિક રસ્તો બનાવ્યો છે તે ખુબ જ ઉપયોગી બનશે. મેં આ રસ્તાનો ઉપયોગ કર્યો છે. પશ્ચિમથી પૂર્વ જવા મહત્ત્વનો છે. - સંદીપ દેસાઈ, અગ્રણી રહીશ, જલાલપોર