25 June 2019

વધારાનું પાણી જોડાણ રદ કરવા ગયેલી સમિતી પર હુમલો


વિરાવળના મિથિલાનગરી ખાતે પાણી અને ડ્રેનેજ સમિતિ દ્વારા ચેકિંગ દરમિયાન એક ઇસમનાં ઘરે વધારાનું પાણીનું કનેક્શન નીકળ્યું હતું, જેને રદ કરવાનું થતા ઇસમે અન્ય લોકો સાથે મળીને પાણી સમિતિના સભ્યોને ગાળાગાળી કરીને પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં પાણી અને ડ્રેનેજ સમિતિ દ્વારા નવસારી ગ્રામ્ય પોલીસ મથકે હુમલાખોરો વિરૂદ્ધ ફરિયાદ આપી હતી.

વિરાવળના મિથિલાનગરી ખાતે પાણી અને ડ્રેનેજની સમસ્યા માટે સર્વ સંમતિથી મીથીલાનગરી પાણી અને ડ્રેનેજ સમિતિ વર્ષ 2014માં ગ્રામપંચાયતમાં ઠરાવ કરીને બનાવામાં આવી હતી. તેનું સંચાલન હાલ કાન્તિલાલ કાસુન્દ્રા અને ઉપપ્રમુખ તરીકે રમેશ પ્રજાપતિ તથા સભ્યો મળી કરી રહ્યા છે. 23મી જૂને આ સમિતિના સભ્યો દ્વારા મિથિલાનગરીની સ્કૂલ તરફ જતા બે પરિવારના મકાન વચ્ચેની પાણીની લાઈનની તપાસ કરતા આ કનેક્શન વધારાનું નીકળ્યું હતું. આ બાબતે સમિતિ દ્વારા કનેક્શન રદ કરવાનું જણાવ્યું હતું.

કનેકશન રદ કરનારાઓએ સમિતિના સભ્યો સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બાદમાં લોકટોળું લાવીને પાણી સમિતિના સભ્યના ઘરે જઈને પથ્થરમારો કર્યો હતો. કેટલાક ઈસમોએ કનેક્શન કાઢી નાખશે તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ બાબતે પાણી અને ડ્રેનેજ સમિતિના સભ્યોએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે અરજી આપી હતી. સભ્યોએ હુમલાઓ ચાલુ રહેશે તો આગામી જુલાઈ માસથી પાણી સમિતિનો વહીવટ છોડી દેવાની ચીમકી પણ આપી હતી. આ ઘટનામાં ભાજપના જ કેટલાક કાર્યકરો સંકળાયેલા હોવાની ચર્ચા ચાલી રહી હતી.

સ્થાનિક મહિલાને માર મરાતા અરજી આપી
મીથીલાનગરી ખાતે પાણીના કનેક્શન બાબતે થયેલી બોલચાલી બાદ કેટલાક તોફાની તત્વો એ બપોરે 2.30થી 3 વાગ્યાના સુમારે 150થી વધુ લોકોએ મારૂતિવાન સાથે આવીને કમુબેન પ્રજાપતિના ઘરમાં ગાળાગાળી કરીને પથ્થરમારો કર્યો હતો અને એક ઇસમે તેમનાં વાળ પકડીને બહાર ખેચીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાની પણ અરજી આપી હતી.

બંને પક્ષને બેસાડી કાર્યવાહી કરીશું
મિથિલાનગરીમાં હુમલો થયાની માહિતી મળી છે. બંને પક્ષને સાથે બેસાડીને સ્ટેટમેન્ટ લઇ કાર્યવાહી કરીશું. - ટી.આર.ચૌધરી, પીઆઈ, ગ્રામ્ય પોલીસ