27 June 2019

નવસારી જિલ્લામાં 5 ગામોમાં બુલેટ ટ્રેન અટકી, બીજી વખત જમીન માપણી નિષ્ફળ


નવસારી જિલ્લાના 28 ગામોમાંથી 23 ગામોમાં તો બુલેટ ટ્રેનની જમીન સંપાદન પ્રક્રિયા અંતર્ગત જમીન માપણી થઈ ગઈ પરંતુ 5 ગામોમાં થઈ નથી. હાલમાં 5 ગામોમાં બીજી વખતનો માપણીનો પ્રયાસ પણ સરકારનો નિષ્ફળ રહ્યો છે.

નવસારી જિલ્લાના 28 ગામોમાંથી અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી બહુચર્ચિત બુલેટ ટ્રેન પસાર થનાર છે ત્યારે તેને માટે જમીન સંપાદન કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જમીન સંપાદન પ્રક્રિયા અંતર્ગત ઉક્ત ગામોમાં જમીન માપણી લોકસભાની ચૂંટણી અગાઉ કરવામાં આવી હતી. જેમાં 23 ગામોમાં જમીન માપણી સહીસલામત પૂર્ણ કરાઈ હતી. જોકે વિરોધને પગલે 5 ગામોમાં માપણી થઈ શકી ન હતી. આ ગામોમાં કેસલી, પાટી, પરથાણ, વેજલપોર અને આમડપોરનો સમાવેશ થાય છે.

લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ તંત્રએ માપણી નહીં થયેલા 5 ગામોમાં માપણી કરવાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. 10મી જૂનથી નવા કાર્યક્રમ મુજબ કેસલીમાં માપણી થનાર હતી, જે બાબતની બેઠકમાં અસરગ્રસ્તોએ વિરોધ કરતા માપણી કરાઈ ન હતી. ત્યારબાદ નિર્ધારિત કાર્યક્રમ મુજબ આ ત્રણ ગામો પાટી, પરથાણ અને વેજલપોરમાં પણ કરાઈ નહતી. આજે 26મીથી આમડપોરમાં માપણી કરવાનો કાર્યક્રમ હતો પરંતુ ગામમાં વિરોધને લઈને માપણીની ટીમ ત્યાં પણ ગઈ ન હતી. આમ સતત બીજા પ્રયત્ને પણ 5 ગામોમાં બુલેટ ટ્રેન માટેની જમીનની માપણી કરી શકાઈ ન હતી. હવે આગામી દિવસોમાં આ ગામો માટે સરકાર જમીન માપણી કરવા શું કરે એ જોવું રહ્યું !

23 ગામોમાં આગળની કાર્યવાહી : જ્યાં પાંચ ગામોમાં જમીન માપણી બાકી છે અને જિલ્લામાં સંપૂર્ણ માપણી પૂરી થઈ નથી ત્યાં જ્યાં માપણી થઈ ગઈ તે ગામોમાં આગળની કાર્યવાહી જમીન સંપાદન વિભાગે શરૂ પણ કરી દીધી છે. જેમાં નોટીસ આપી અસરગ્રસ્તોને તેમની જમીનના હિતનો પ્રકાર, તે માટેના વળતર અંગેના હકદાવાની વિગત, માપણી, પુન:સ્થાપન-પુન: વસવાટના દાવાઓ હોય તો તે અંગે પ્રાંત કચેરીમાં હાજર થવા જણાવી પણ દીધુ છે.

કેસલીમાં સ્ટેશનને લઈ વિરોધ વધુ
નવસારીમાં 28 ગામોમાંથી કપરો પ્રશ્ન બુલેટ ટ્રેન પ્રોજેકટ ગણદેવી તાલુકાના કેસલીનો છે. અહીં ટ્રેનનું સ્ટોપેજ આપવાનો નિર્ણય પાછ‌ળથી કરાયો છે. જેને માટે 64 વીઘા જમીન જાય છે. ગામ વેરવિખેર થઈ જાય એમ છે. અહીંના લોકો કહે છેકે અગાઉ સ્ટેશન માટે નાંદરખા નક્કી થયા પછી પાછળથી કેસલી કેમ નક્કી થયું ? સ્ટેશનનો ભારે વિરોધ છે.

માપણી સામેનો વિરોધ યથાવત
બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે જમીનના વળતર અને રીહેબિલિટેશન, રિસેટલમેન્ટની જાહેરાત સરકારે હજુ કરી જ નથી. જેને લઈને એક વર્ષ અગાઉ અમે જે માપણી કરવા સામે વિરોધ દર્શાવ્યો હતો તે યથાવત જ રહ્યો છે. - સિદ્ધાર્થ કૃપલાણી દેસાઈ, ખેડૂત આગેવાન, આમડપોર

ડીએલઆરનો રિપોર્ટ મંગાવવામાં આવશે
પાંચ ગામોની બાકી રહેલી જમીન માપણીનો હાલનો કાર્યક્રમ ડીએલઆર વિભાગે જાહેર કર્યો હતો. તેથી માપણીમાં શું થયું, કેમ વિરોધ થયો તે બાબતનો રિપોર્ટ મંગાવવામાં આવશે. ત્યારબાદ ઉચ્ચસ્તરે જાણ કરી ત્યાંથી દિશાનિર્દેશ મેળ‌વાશે. - એન.એ. રાજપુત, જમીન સંપાદન અધિકારી, નવસારી