28 June 2019

નવસારીમાં ચોરટાઓ બે લગામ, આનંદ ભુવન ચાલ બાદ દાંડીવાડમાં પણ દિનદહાડે લાખોની મતાની ચોરી


નવસારીમાં દિનદહાડે બે દિવસમાં બે જગ્યાએ ચોરટાઓએ લાખોની મત્તાની ચોરીને અંજામ આપ્યો છે. પોલીસ પ્રથમ દિવસની ઘટનામાં કોઈ નક્કર કામગીરીએ પહોચે તે પહેલા જ ચોરટાઓએ બીજી ચોરી પણ કરી લીધી હતી. છેલ્લા એક માસથી ચોરટા ઓ બેફામ બન્યા છે પોલીસ નો ડર તેમને રહ્યો નથી તેવું આ સતત ચોરીની ઘટનાઓ પરથી ફલિત થઇ રહ્યું છે.

કિસ્સો 1 : નવસારીના દાંડીવાડ ખાતે ગંગાબેન ગોપાળભાઈ કહાર (ઉ.વ. 70) એકલી રહેતી હતી અને તેમના સ્વજનો બીજા મહોલ્લામાં રહે છે. 27મીને ગુરૂવારે સવારે ગંગાબેન વિજલપોર ખાતે સત્સંગનો કાર્યક્રમ હોય ભગવાનને ભજવા ગયા હતા. સાંજે 4 વાગ્યાનાં સુમારે ઘરે પરત ફરી હતી. એ દરમિયાન ઘરનો દરવાજો અંદરથી બંધ જણાતા તેમણે ઘરનો દરવાજો ખોલવાની કોશિશ કરી હતી પરંતુ દરવાજો ખુલ્યો ન હતો. દરવાજાની ફાટમાંથી અંદર જોતા ઘરમાં લાઈટ ચાલુ હતી તે જોતા ધ્રાસકો પડ્યો હતો અને તેમણે ઘરની પાછળ પહોચી જોયુંતો પાછળનો દરવાજો તૂટેલો હતો અને ઘરની અંદર કબાટના તાળા તૂટેલા અને લોખડની પેટી પણ ખુલ્લી હતી. તપાસ કરતા ઘરમાંથી 5 તોલા સોનાનાં દાગીના, 750 ગ્રામ વજનનો ચાંદીનો ઝૂડો અને દવા માટે રાખેલા રોકડા રૂ. 5000 ગાયબ હતા. પોતાની જીવનભરની કમાણી એક જ ઝાટકે ચોરટાઓ ચોરી જતા ગંગાબેનના આંખમાંથી અશ્રુધારા વહી હતી. ચોરીની ફરિયાદ નવસારી શહેર પોલીસ મથકે નોંધવાની તજવીજ હાથ ધરી છે.

કિસ્સો 2 : 26મી જૂને પણ ચોરટાઓએ દિનદહાડે જલાલપોર રોડ પર આવેલા આનંદ ભુવન ચાલની સામે રૂ. 26700ની મત્તાની ચોરીને અંજામ આપ્યો હતો. બીજી ઘટનામાં જલાલપોર ખાતે આનંદ ભુવનની ચાલ સામે રહેતા ઠાકોર નીછા પટેલે નવસારી પોલીસ મથકે લખાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેઓ પાનનો ગલ્લો ચલાવે છે. 26મી જૂને તેઓ કોર્ટના કામ માટે ઘર બંધ કરી ગયા હતા અને બપોરે 12 વાગ્યા અન સુમારે ઘરે પરત આવ્યા અને તાળું ખોલીને અંદર પ્રવેશ કર્યો. એ દરમિયાન ઘરનો પાછળનો દરવાજો ખુલ્લો અને લાઈટો ચાલુ હતી અને ઘરમાં કબાટમાં મુકેલ બે તોલા સોનાનાં દાગીના કિંમત રૂ. 20000, ચાર તોલાનાં ચાંદીના દાગીના કિંમત રૂ. 700 અને રોકડા રૂ. 6000 મળી કુલ રૂ. 26700ની મત્તા ગાયબ જણાઈ હતી. ઠાકોર પટેલે આ ઘટના અંગે ટાઉન પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

મોડસ ઓપરેન્ડી એક સરખી
તમામ ચોરી ભરદિવસે અને ચોરી કરતા પહેલા દરવાજો અંદરથી બંધ કરી દઈ અને ઘરની લાઈટ ચાલુ કરીને બિન્દાસ્ત ચોરી કરે અને આ કામ માત્ર બે કલાકમાં જ કરીને ચોરટાઓ ફરાર થઇ જવાની મોડસ ઓપરેન્ડી છે.

રિંગરોડ પર રૂસ્તમવાડીમાં બપોરે ચોરી
વિરાવળથી રૂસ્તમવાડીથી સ્ટેશન જતો બન્યો છે ત્યારે દાંડીવાડ વિસ્તારમાં રીંગરોડ બનતા દોઢ વર્ષથી આ રસ્તા પરથી વાહનો દોડે છે ત્યારે બપોરના સમયે થયેલી ચોરીની પ્રથમ ઘટના બની હોય આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

પૂછપરછ શરૂ કરી છે
ચોરીની ઘટના અટકાવા માટે શહેરમાં રાત્રિ અને દિવસ પોલીસ ચોકી વાઇઝ પેટ્રોલિંગ પોલીસ કરી રહી છે. આ ઘટનામાં સંડોવાયેલા હોય તેમની પૂછપરછ શરુ કરી છે. જે સ્થળોએ ચોરી થઇ હોય અને શકમંદના મોબાઈલનું સ્થળની તપાસ કરીને સંડોવણી જણાશે તો આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરશે. હાલ લોકલ લેવલે થનારી ચોરી હોય તેના ઉપર કાર્યવાહી કરી રહ્યા છે. - કે.જી.લીમ્બાચીયા, ઈનચાર્જ પીઆઈ, નવસારી શહેર

ગત મે મે માસ દરમિયાન થયેલ ચોરીના વણઉકેલ્યા બનાવોની યાદી
  • મીથીલા નગરીમાં આવેલા ત્રણ બંધ ઘરના તાળા તૂટ્યા હતા. 
  • ધારાગીરીમાં આવેલા યોગીરાજ એપાર્ટમેન્ટમાં ચોરી. 
  • કાલીયાવાડી ખાતે જીવનધારા એપાર્ટમેન્ટ માં ત્રણ ફ્લેટમાં ચોરી. 
  • કબીલપોરની જલતરંગ સોસાયટીમાં ત્રણ ઘરોમાં ચોરી. 
  • કબીલપોરના પંચશીલ સોસાયટીમાં બે ઘરો માં ચોરી. 
  • ફાયર સ્ટેશન સાંઢકુવાની સામે આવેલ રચના એપાર્ટમેન્ટમાં ચોથા માળે ચોરી. 
  • જલાલપોરની ગૌરીશંકર મહોલ્લા નજીક આવેલી સોસાયટીમાં ધોળે દિવસે સિમેન્ટની બારી તોડીને પ્રવેશ કરી દિવસે ચોરી.