3 June 2019

નવસારીની 55 શાળામાં આચાર્યની ખાલી જગ્યા ભરાશે


નવસારી જિલ્લાની 55 બિન સરકારી અનુદાનિત હાઈસ્કૂલમાં ખાલી પડેલી આચાર્યની ખાલી પડેલી જગ્યાઓ ઉપર 3થી 7 જૂન દરમિયાન નવસારીની શેઠ પી. એચ. વિદ્યાલય (સંસ્કારભારતી શાળા) ખાતે ઈન્ટરવ્યુ લેવાશે. જેમાં દરેક શાળાને 15 ઉમેદવારોનું લીસ્ટ આપ્યું હોય તે પ્રમાણે ઈન્ટરવ્યું લેવામાં આવશે એમ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએથી જાણવા મળ્યું છે.

નવસારી જિલ્લામાં 100થી વધુ બિનસરકારી અનુદાનિત હાઈસ્કૂલ આવેલી છે. જેમાં આશરે 55 જેટલી ગ્રાન્ટેડ શાળાઓમાં ઘણા સમયથી આચાર્યની મહત્ત્વની જગ્યા ખાલી રહેતી હોય ઇનચાર્જ આચાર્યની નિમણૂંક કરીને સંચાલકો ગાડું ગબડાવતા હોય છે. જેને પગલે ઇનચાર્જ આચાર્યને કારણે શાળાનાં શૈક્ષણિક અને વહીવટી કાર્યમાં અસર થતી હોય છે.

જેથી સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દરેક જિલ્લામાં આચાર્યની ભરતી માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે. નવસારી જિલ્લામાં 55 જેટલી ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની જગ્યા ખાલી હોય 3થી 7 જૂન દરમિયાન નવસારીની શેઠ પી.એચ.વિદ્યાલય (સંસ્કાર ભારતી શાળા) ખાતે ઈન્ટરવ્યું લેવાની કાર્યવાહી હાથ ધરાશે. જેમાં સવારે 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી પેનલ 1 અને 2 દ્વારા 12 શાળાના આચાર્ય માટે ઈન્ટરવ્યું લેવાશે અને ત્યારબાદ એક દિવસનો સમય પણ આપવામાં આવશે. આચાર્યની ખાલી જગ્યા માટે દરેક શાળામાં 15 ઉમેદવારનું લિસ્ટ શાળામાં આપી દેવાયું છે.

પસંદગી સમિતિના સભ્યો નક્કી કરશે : આચાર્યના ઈન્ટરવ્યું માટે ચેરમેનપદે જિલ્લા શિક્ષણાધિકારી, સભ્ય તરીકે તાલુકા બહારનાં કેળવણીકાર, શાળા સંચાલક મંડળનાં બે પ્રતિનિધિ, સભ્ય સચિવ તરીકે, શિક્ષણ સેવા વર્ગ -2ના જિલ્લાનાં અધિકારીની પસંદગી સમિતિ રહેશે અને દરેક સભ્યને 40 ગુણ ફાળવવામાં આવશે.

આચાર્યની જગ્યા માટે શૈક્ષણિક લાયકાત આ હોવી જરૂરી છે : આચાર્યની જગ્યા માટે શૈક્ષણિક લાયકાત માટે 60 ટકા TATની પરીક્ષાના ગુણ, ગ્રેજ્યુએટ ડિગ્રીના 7, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રીના 9, ગ્રેજ્યુએટ ડિગ્રી પ્રોફેશનલ કોર્સના 7, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી પ્રોફેશનલ કોર્સના 10 અને અનુભવ વધુમાં વધુ 10 વર્ષ (દર વરસે ૦.7) મળી કુલ 40 ગુણ મળી 100 ગુણમાંથી જે ઉમેદવારના વધુ ગુણ હશે તેની આચાર્યની જગ્યા માટે પસંદગી કરાશે.