1 July 2019

વરસાદ વચ્ચે બંધ બંગલામાંથી 60 હજારની ચોરી


નવસારીમાં ચોરટાઓને પોલીસનો કોઈ ડર રહ્યો નથી. તેમાં રવિવારે ભર દિવસે વિરાવળની યશફીન હોસ્પિટલ પાછળ આવેલ ગાર્ડન વ્યુ સોસાયટીમાં આવેલ બંગલા નં. 11માં સવારના 12 વાગ્યા પહેલાં ચોરી થતા આ વિસ્તારના લોકોમાં ભયની લાગણી પ્રસરી ગઈ છે. જોકે, ચાર દિવસ પહેલાં આ વિસ્તારની નજીક આવેલ દાંડીવાડ ખાતે એક ઘરમાંથી પાંચ તોલા સોનાના દાગીના અને રોકડ મળીને દોઢેક લાખ રૂપિયાની ચોરી થઇ હતી." હજુ સુધી આ ચોરીનો ગુનો ઉકેલાયો નથી.

નવસારીમાં આવેલ યશફીન હોસ્પિટલની પાછળના ભાગે આવેલી ગાર્ડન વ્યુ સોસાયટીમાં 15થી વધુ બંગલાઓ આવેલ છે. બંગલા નં. 11 મોહમદ અસલમ આતશબાજીવાલા (સાદાત સોસાયટી, લુન્સીકુઈ રોડ નવસારી) અને તેમની બહેનના નામે આવેલો છે. જેનો ઉપયોગ તેઓ તેમના મહેમાનો વિદેશથી આવે ત્યારે અને શનિવાર અને રવિવાર નવસારીમાં ફરવા માટે આવતા હોય ત્યારે આ બંગલાનો ઉપયોગ કરતા હતા.

આ મકાનનો વહીવટ હાલ મોહમદ અસલમ આતશબાજીવાલા કરી રહ્યા છે. તેમના બંગલામાં પાણીની લાઈન રીપેર કરવાની હોય પ્લમ્બર ને લઈને આજે બપોરે 12.00 વાગ્યે આવ્યા હતા. ગત રોજ પણ સાંજે ઘરે આવ્યા હતા પણ આજે બપોરે આવ્યા ત્યારે જોયું તો તેમના બંગલામાં બધો સામાન વેરવિખેર હતો અને જોયું તો ઘરની પાછળ આવેલ બારીને મારેલ તાળું તોડીને રસોડાની લોખંડની જાળી તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. ટીવીનો શોકેસ પાસે આવેલ ખાના ખુલ્લા, પ્રથમ માળે આવેલ કબાટનાં તાળાં તૂટેલી હાલતમાં અને સમાન વેરવિખેર કર્યો હતો.

મોહમદ અસલમભાઈએ નવસારી ગ્રામ્ય પોલીસનો સંપર્ક કરતાં પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે આવીને ફરિયાદ નોંધી હતી. જેમાં 12 હજાર રોકડા, બે સોનાની વીંટી અને 1 સોનાની ચેન મળીને કુલ 60 હજારની ચોરી થયાનું પોલીસ અધિકારી સમક્ષ માહિતી આપી હતી. ઘટના સ્થળે ત્રણ ચોરટાના પગની નિશાની જેમાં નાના બાળકના પગલા પણ દેખાતાં ચોરો એ ચોરી કરવા સગીરો નો ઉપયોગ કરતા હોવાનું જાણવા મળ્યું છે.

ચાર દિવસ પહેલાં નજીકમાં આવેલ દાંડીવાડમાં ચોરી થઈ હતી
નવસારી શહેર અને આસપાસના વિસ્તારમાં ભર દિવસે ચોરીને અંજામ આપતાં આ ચોરટાઓને પોલીસની કાઈ બીક ન હોય તેમ ચોરી કરી રહ્યા છે. આજની ઘટનામાં પણ બંગલાના પાછળના ભાગે આવેલ ગ્રીલ તોડીને પ્રવેશ કરીને ઘરમાં લાઈટ ચાલુ કરીને બિન્દાસ્ત ચોરીને અંજામ આપતા હતા. નજીકમાં આવેલ દાંડીવાડ ખાતે પણ ચાર દિવસ પહેલા પાછળનો દરવાજો કોઈ સાધન વડે તોડીને પાંચ તોલા સોનું મળી દોઢ લાખની ચોરીને અંજામ આવી રીતે જ આપ્યો હતો.