2 July 2019

તરોટા બજારમાં બે મકાનનો ભાગ ધરાશય, બાઈકને નુકસાન


નવસારીમાં છેલ્લા 3 દિવસથી પડેલા વરસાદને કારણે વાતાવરણ ભેજવાળું થવાને કારણે જર્જરિત ઇમારતોને એની અસર હવે થવા લાગી છે, જેમાં બે દિવસ પહેલા જલાલપોરના વાણીયાવાડ ખાતે બે મકાનના આગળનાં ભાગ ધડાકાભેર તૂટી પડ્યા હતા, સોમવારે નવસારી શહેરમાં તરોટાબજાર ખાતે આવેલા દેસાઈવાડમાં બે મકાનના આગળનો ભાગ ધડાકાભેર તૂટી પડ્યા હતા. જો કે આ બંને મકાન બંધ હાલતમાં હોય જાનહાનિ ટળી હતી. જોકે, પાલિકાએ કરેલા સરવેમાં આ મકાનને નોટિસ આપી ન હતી.

નવસારીમાં વરસાદની ધમાકેદાર બેટિંગે જર્જરિત મકાનનો શિકાર કરવાની નવસારીમાં શરૂઆત કરી દીધી છે. બે દિવસ પહેલા જલાલપોરના વાણીયાવાડ વિસ્તારમાં મુખ્યમાર્ગને અડીને બે મકાનોની બાલ્કનીનો ભાગ જમીનદોસ્ત થયા બાદ આજે સોમવારે નવસારી શહેરના તરોટા વિસ્તારમાં આવેલા દેસાઇ વાડમાં જર્જરિત મકાનનો બાલ્કનીનો ભાગ ધરાશાય થતા એક બાઈક દબાઈ ગઈ હતી. આ બંને મકાન બંધહોય કોઈ જાનહાનિ થવા પામી નથી. નવસારી નગરપાલિકા જર્જરિત મકાનોને નોટીસ આપી બેસી રહે છે અને જયારે તૂટી પડે ત્યારે હાથ ઊંચા કરતી હોય છે ત્યારે નવસારી પાલિકા આ બાબતે નક્કર પગલા ભરે તે જરૂરી બન્યું છે.