3 July 2019

જલાલપોર રોડ પર આનંદભુવનની ચાલનો જર્જરિત ગેટ લોકો માટે ભયજનક બન્યો


નવસારીના જલાલપોર રોડ ઉપર આવેલા આનંદભૂવન ચાલની ગેટનો ઉપરનો ભાગ અત્યંત જર્જરિત થઈ જતા ચાલના 200 ઘરોમાં રહેતા રહીશોમાં ભય પેદા થયો છે.

નવસારીના જલાલપોર રોડ ઉપર આનંદભૂવનની ચાલ આવેલી છે. આ ચાલમાં અંદાજે 200 ઘરોમાં એક હજાર લોકો રહે છે. આ ચાલમાં રોડ ઉપરથી જવા ગેટમાંથી પસાર થવું પડે છે. આ ગેટની લાઈનમાં ઉપરના ભાગે ઘરો છે, જેમાંના ઘણાં બંધ છે. નોંધનીય બાબત એ છે કે આ ચાલનો ગેટ સહિતનો ભાગ જર્જરિત થઈ ગયો છે અને ગમે ત્યારે પડી જાય એમ છે. ગેટમાંથી એમ્બ્યુલન્સ, 108 કે ફાયરની ગાડીઓ પણ પ્રવેશી શકે એમ નથી. મળતી માહિતી મુજબ ચાલના રહીશોએ દરવાજાના ઉપરના ભાગની જર્જરિત હાલત અંગે 2016 અને 2017માં પણ રજૂઆત કરી હતી. આમ છતાં જર્જરિત ભાગ ઉતારાતો નથી.

આ અંગે આનંદભૂવન ચાલમાં રહેતા શહેર ભાજપ ઉપપ્રમુખ પ્રવિણ શિંદેએ જણાવ્યું કે જર્જરિત ગેટનો પાછળનો ભાગ તો 2-3 વર્ષ પહેલા તૂટી ગયો હતો. સુપરવિઝન માટે અગાઉ સીઓ વગેરે પણ આવી ગયા હતા. પાલિકા જર્જરિત ઈમારતની નોટીસ પણ આપે છે પરંતુ ઈમારત યથાવત છે. સોશ્યલ મિડિયામાં પણ આ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે.

તાત્કાલિક કાર્યવાહી કરવા રજૂઆત
આનંદભૂવનની ચાલની જર્જરિત ઈમારત અંગે સ્થાનિક વોર્ડના પ્રતિનિધિ તરીકે મેં પણ ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરી છે. - ત્રિભોવન ચાવડા, સ્થાનિક કાઉન્સિલર, નવસારી પાલિકા