4 July 2019

50 અરજીઓ આવી છતાં પાલિકાની વોટર હાર્વેસ્ટિંગ યોજના કાગળ પર


આજે યોજનાની જાહેરાતને 18 દિવસ પૂરા થયા છે અને અંદાજે 50 રહેણાંક સોસાયટી, એપાર્ટમેન્ટમાંથી અરજી આવી છે પરંતુ કામગીરીના કોઈ જ ઠેકાણા નથી. આજે 3જી જુલાઈ સુધીમાં તો નવસારીના મોસમનો 20થી 25 ટકા વરસાદ (15 ઈંચ) પડી પણ ગયો છે, છતાં કામગીરી નહીંવત છે. વોટર હાર્વેસ્ટિંગ કઈ રીતે કરાવવું, કુલ ખર્ચમાંથી કેટલા નાણાં પાલિકા આપશે, લોકો કરાવશે કે પાલિકા કરાવશે વગેરે બાબતે પણ ચોક્કસ નિર્ણય પાલિકામાંથી લેવાયો નથી. શું પાલિકા હજુ વધુ વરસાદ પડી જવાની રાહ જુએ છે ???

ધારાસભ્યે ખાતમુહૂર્ત તો કર્યું પણ પાલિકાની સહાય કેટલી?
નવસારીમાં ઝવેરી સડક વિસ્તારમાં આવેલી અષ્ટમંગલ સોસાયટીમાં વોટર હાર્વેસ્ટીંગ કામની રવિવારે ધારાસભ્ય પિયુષ દેસાઈના હસ્તે શરૂઆત કરાઈ હતી. જોકે આ કામનો કુલ ખર્ચ કેટલો, તેમાં પાલિકાની સહાય કેટલી કોન્ટ્રાકટ સાથે શું નક્કી થયું વગેરે બાબતનો કોઈ જ જવાબ પાલિકામાંથી મળતો નથી. શું આ પ્રોજેકટ પાલિકાનો હતો?

સાંસદે સૂચના આપી અને પાલિકા સળવળી
15મી જૂન અગાઉ સાંસદ સી.આર. પાટીલ જિલ્લાના તેમના મત વિસ્તારમાં ફર્યા હતા. તેમનું સન્માન કરાયું ત્યારે તેમણે વોટર હાર્વેસ્ટિંગનું કામ ઠેર ઠેર કરવા જણાવ્યું હતું. સી.આર.ની સૂચના બાદ જ પાલિકાએ હાર્વેસ્ટીંગની જાહેરાત આપી હતી. શું પાલિકા સી.આર.ના આદેશની રાહ જોતી હતી??

30 લાખ ફાળવાયા પણ આયોજન નહીં
નવસારી પાલિકાએ વર્તમાન 2019-20માં વોટર હાર્વેસ્ટિંગ યોજનાનો ઉલ્લેખ કરી રૂ. 30 લાખની ફાળવણી કરી હતી. બજેટમાં નાણાં ફાળવાયા તો તેના અમલીકરણ ચોમાસુ શરૂ થાય તે અગાઉ કામગીરી કેમ ન કરાઈ તે સવાલ છે.

હાર્વેસ્ટિંગ નવસારી માટે અત્યંત જરૂરી
આમ તો વોટર હાર્વેસ્ટીંગ તાજેતરના સમયમાં તમામ શહેર, ગામ માટે ઉપયોગી છે પરંતુ નવસારી માટે તો 'અતિઉપયોગી' છે કારણ કે નવસારીના ઘણી જગ્યાના બોર બગડી ગયા છે, જે વરસાદી પાણી ઉતારવાથી સુધરી શકે છે. બીજુ કે શહેરમાં પાણીની તંગીને લઈ 'પાણીકાપ' મુકાયો છે અને શહેરીજનો પાણીની ભારે તકલીફ ભોગવી રહ્યા છે. આ સ્થિતિમાં આગામી સમયમાં 'વોટર હાર્વેસ્ટિંગ' પાણીની સમસ્યા હળવી કરી શકે એમ છે.

આગામી એક્ઝિક્યુટિવમાં નિર્ણય લેવામાં આવશે
વોટર હાર્વેસ્ટિંગના કામ માટે કામગીરી કરનારાની 'પેનલ' બનાવાશે અને ત્યારબાદ કામ શરૂ કરાશે. પ્રોજેકટનો કુલ ખર્ચ, પાલિકાની સહાય વગેરે બાબતનો નિર્ણય પાલિકાની આગામી એક્ઝિક્યુટીવ કમિટીમાં નક્કી થશે. - દશરથસિંહ ગોહિલ, ચીફ ઓફિસર, નવસારી પાલિકા