2 July 2019

પાલિકા દ્વારા નોટબુક, કંપાસ વિતરણમાં પુનઃ વિલંબ


નવસારી નગરપાલિકા દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં પ્રતિવર્ષ તમામ બાળકોને નોટબુકો તથા કંપાસ આપવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષથી શાળાઓમાં નોટબુકો તથા કંપાસબોક્ષ શાળાઓ શરુ થઇ ગયા પછી અપાતા હોવાથી વાલીઓ અને બાળકોમાં કચવાટ જોવા મળે છે. આ વર્ષે પણ શાળાઓ શરુ થઇ ગયાને ત્રણ અઠવાડિયા વીતી ગયા હોવા છતાં પ્રાથમિક શાળાઓમાં નોટબુકો તથા કંપાસબોક્સ અપાયા નથી.

નવસારીનાં વોર્ડ નં. ૧૧ નાં એક જાગૃત વાલી વિજયભાઇ રાઠોડ જણાવે છે કે ગુજરાત સરકારે નવસારી નગરપાલિકા સંચાલિત શાળાઓમાં નવું સત્ર શરુ થાય તે પહેલાં જ પાઠયપુસ્તકો દરેક શાળાઓમાં પહોંચતા કરી દીધા હતાં. જોકે સ્થાનિક સ્વરાજની સંસ્થા નવસારી પાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં હજુ સુધી નોટબુકો તથા કંપાસબોક્સ આપી શકી નથી. આ વર્ષે શાળાઓનું નવું સત્ર તા. ૧૦-૬-૨૦૧૯ થી શરુ થઇ ગયું છે. આજે તા. ૧ લી જુલાઇ છે. આમ શાળાઓમાં નવું સત્ર શરુ થયાને ૨૦ દિવસ થઇ ગયા હોવા છતાં નોટબુકો તથા કંપાસબોક્સનું વિતરણ થયું નથી.

ગત્ વર્ષે ગુજરાત સરકારનાં આદિજાતિ તથા વન વિભાગનાં મંત્રી ગણપતસિંહ વસાવા પ્રવેશોત્સવ દરમિયાન વોર્ડ નં. ૧૧ ની મિશ્રા શાળા નં. ૧૦ માં આવ્યા હતા. એ પ્રસંગે વોર્ડ નં. ૧૧ નાં જાગૃત નાગરિકોએ આ શાળાઓમાં સમયસર નોટબુકો તથા કંપાસ બોક્સ મળી જાય તે માટે આદિજાતિ મંત્રીને રજૂઆત કરી હતી. એ વખતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં કેટલાક સભ્યો પણ હાજર હતાં. તેમણે મંત્રીની હાજરીમાં હવેથી નોટબુકો – કંપાસબોક્સ સમયસર મળી જશે એવી બાંહેધરી આપી હતી. પરંતુ આ વર્ષે પણ સમયસર નોટબુકો તથા કંપાસબોક્સ ન આપીને નગરપાલિકા તંત્રએ દર વર્ષની પરંપરાનું પુનરાવર્તન કર્યું છે.

નવસારી શહેરમાં સાંભળવા મળેલી એક ચર્ચા મુજબ નવસારી પાલિકાનાં શાસકો પ્રતિવર્ષ નોટબુકો તથા કંપાસબોક્સનું ટેન્ડર અમુક ચોક્કસ વ્યક્તિ કે સંસ્થાનું મંજૂર થાય તેવી ખાસ કાળજી રાખે છે. આ વર્ષે પણ એ ચોક્કસ વ્યક્તિ તરફથી સમયસર ટેન્ડર ન આવતા પાલિકાનાં શાસકોએ નવેસરથી ટેન્ડર બહાર પાડયા હોવાથી નોટબુકો તથા કંપાસબોક્સ સમયસર આપી શકાયા નથી.

નોટબુકસ આવી છે, કંપાસ બોકસની કોઈ માહિતી નથીઃ પાલિકાના ઈજનેર
આ બાબતે પાલિકાનાં ઇજનેર આર.કે. ગુપ્તાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે નોટબુકોનો જથ્થો આવી ગયો છે. બે – ત્રણ દિવસમાં તમામ પ્રાથમિક શાળાઓને જરુરિયાત મુજબની નોટબુકો મોકલી આપવામાં આવશે. કંપાસબોક્સ, નોટબુકો મોકલી આપવામાં આવશે. કંપાસબોક્સ વિશે મારી પાસે હાલ કોઇ માહિતી નથી. કંપાસના ટેન્ડરની પ્રક્રિયા વખતે હું બહાર હતો એટલે એ વિશે મારી પાસે કોઇ માહિતી નથી.