1 August 2019

NRIએ બેંકમાં આપેલો ફોન નંબર બંધ કરાવ્યો, જે નંબર પર OTP મેળવી ખાતામાંથી 7.92 લાખ ટ્રાન્સફર કરી લીધા


બેંકમાં એકાઉન્ટ ખોલતી વખતે ગ્રાહક દ્વારા આપવામાં આવતો મોબાઈલનો સીમકાર્ડ નંબર બંધ થયા પછી તેનો દુરઉપયોગ થઈ શકે છે. તમારા એકાઉન્ટમાંથી નાણાંકીય લેવડદેવડ માટે તેનો ઉપયોગ થઈ શકે છે. તેના દાખલારૂપ ઘટના નવસારીમાં બની છે. નવસારી એનઆરઆઈના બેંક એકાઉન્ટમાંથી રૂ. 7.92 લાખ જેટલી માતબર રકમ આવી જ રીતે ઉપાડી લેવાયાનો કિસ્સો પ્રકાશમાં આવતા એનઆરઆઈએ નવસારી ટાઉન પોલીસ મથકમાં તેની ફરિયાદ નોંધાવી છે.

મહુવાના કાંકરિયા ગામનો મહમદ અલી ઈબ્રાહીમ પટેલ આવી જ ઘટનાનો ભોગ બની ચૂક્યા છે. પોલીસે આઈટી એક્ટ મુજબ આ છેતરપિંડી કરનારા પંચમહાલની મહિલાને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે. જોકે આ ઘટના અન્ય તમામ બેંક એકાઉન્ટ ધરાવનાર માટે ચેતવણીરૂપ છે.

સુરતના મહુવા તાલુકાનાં કાંકરિયા ગામના મૂળ રહીશ અને હાલ સાઉથ આફ્રિકામાં રહેતા અહમદઅલી ઈબ્રાહીમ પટેલ વર્ષ 2011માં વતન પરત ફર્યા ત્યારે નવસારી વસંત ટોકીઝ નજીક આવેલી બેંકમાં NRO (નોન રેસિડેન્ટ ઓર્ડિનરી) એકાઉન્ટ ખોલાવ્યું હતું. જેમાં તેમણે મોબાઈલ નંબર ખાતાની લેવડ દેવડ જાણવા માટે આપ્યો હતો. એ બાદ તેઓ વિદેશ પરત થયા હતા.

તેઓ ફેબ્રુઆરી 2019માં વતનમાં આવ્યા ત્યારે તેમણે ખાતામાંથી રૂ. 40000 ઉપાડ્યા હતા. એ વખતે તેમના ખાતામાં 7.92 લાખનું બેલેન્સ હતું. તેઓ હાલ વતન આવતા બેકમાં જઈ એન્ટ્રી ખાતાની પાસબુકમાં એન્ટ્રી પડાવી તો રૂ. 7.92 લાખ કોઈકે ઉપાડી લીધાનું જાણવા મળ્યું હતું. જે અંગે તપાસ કરતા આ નાણાં મીના જગદીશ માછી (રહે. પ્રજાપતિ ફળિયું, નાનીવાડી, તા.શહેરા, જિ.પંચમહાલ)ના એકાઉન્ટમાં જમા થયાનું જાણવા મળ્યું હતું. આ નાણાં તેમના અગાઉના મોબાઈલ નંબર જે બેંકમાં આપ્યો હતો તેના આધારે UPI સિસ્ટમથી નાણા ઉપાડી લીધા હોવાનું બહાર આવ્યું હતું.

આથી મહમદઅલી પટેલે નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈ.ટી.એકટ મુજબ ફરિયાદ નોંધી મીના જગદીશ માછીની અટક કરી હતી. આ રકમ ચેક અને ATM દ્વારા ઉપાડી લીધા હતા. તેમણે નાણાં વાપરી દીધા હોવાન જણાવ્યું હતું. પોલીસે મીના માછીના બે દિવસનાં રિમાન્ડ મેળવ્યા હતા.

UPI થી આ રીતે છેતરપિંડી કરાઇ
UPI (યુનિફાઈડ પેમેન્ટસ ઈન્ટરફેસ) કોઈ એક એપ નથી. UPIએ ભારતની વિવિધ બેંક દ્વારા બનેલી સંસ્થા નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ)એ વિકસાવેલી એક વ્યવસ્થા છે. જેના કારણે જુદી જુદી બેંકના ખાતા વચ્ચે ખાતેદારો, ઈન્ટરનેટ ટેકનોલોજીની મદદથી સહેલાઈથી રકમની આપ લે કરી શકે છે. એનઆરઆઇ મહમદ અલી ઈબ્રાહીમ પટેલ વિદેશ જતાં મોબાઇલ નંબ્ર બંધ કારવ્યો પણ બેંકમાં તેની માહિતી આપી ન હતી. બાદમાં આ મોબાઇલ નંબર કંપનીએ પંચમહાલની મીના માછીને ફાળવ્યો હતો. બેંકમાંથી બેલેન્સ અંગે મેસેજ આવ્યા બાદ લીંક ખોલી મહિલાએ પોતાના ખાતામાં રૂ. 7. 92 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા.

ફ્રોડથી બચવા આટલું કરો
  • બેંકને મોબાઈલ સીમ બંધ થતા તેની જાણ કરી દેવી. 
  • મોબાઈલ નોટીફિકેશનને બેંકમાં ડીએકટીવ કરાવી દેવુ. 
  • અનટ્રસ્ટેડ અથવા વધારે પડતી ઓનલાઈન કેશબેકના ચક્કરમાં પેમેન્ટ એપ ડાઉનલોડ કરવી નહીં. 
  • ઓનલાઈન પેમેન્ટ એપની મદદથી પેમેન્ટ કરતા હોય ત્યારે ક્રેડિટ કે ડેબીટ કાર્ડ ફયુચર રેફરન્સ માટે ચેકડ છે કે કેમ તે તપાસી લેવું. જો હોય તો એને અનચેક્ડ કરવું અથવા કાર્ડની ડિટેઈલ રિમુવ કરી દેવી. 
  • UPI એપ યુઝ કરતા હોય તો સમયાંતરે તેનો પ્રોફાઈલ પાસવર્ડ અને ટ્રાન્ઝેકશન પાસવર્ડ ચેંજ કરતા રહેવું. 
  • UPI સિવાય પણ OTP રિલેટેડ ફ્રોડ થઈ શકે છે. જો તમે કોઈ ગેમ કે એપ ડાઉનલોડ કરતા હોય ત્યારે જે તે એપ એસએમએસ એકસેસ માગે છે. તો એ એપ તમારા નોર્મલ એસએમએસ સિવાય OTPપણ એકસેસ કરી લેતી હોય છે. તો આવા કેસમાં અનટ્રસ્ટેડ એપને ડાઉન લોડ ન કરવી કે એસએમએસના એકસેસ આપવા નહીં.