2 August 2019

પાંજરાપોળમાં ઢોર ન લેવાતાં સમસ્યા વકરી


ખડસુપા પાંજરાપોળમાં જગ્યા નથી અને સરકારે હજુ નવસારી પાલિકાને જગ્યા ન ફાળવાતા શહેરમાં હાલ ચોમાસામાં રખડતા ઢોરની સમસ્યા વકરી છે. જ્યાં જુઓ ત્યાં રોડ ઉપર 'ઢોર જ ઢોર' જોવા મળી રહ્યા છે.

નવસારીમાં આમ તો હવે આખુ વર્ષ રખડતા ઢોરની સમસ્યા રહે છે પરંતુ ચોમાસાની વરસાદની મોસમમાં સમસ્યામાં વધારો થાય છે. ચાલુ સાલ પણ ચોમાસામાં હાલ માર્ગો ઉપર જ્યાંને ત્યાં માર્ગો ઉપર ઢોર જ જોવા મળી રહ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે દર વર્ષે ચોમાસામાં રખડતા ઢોરની સંખ્યા વધતા પાલિકા ઢોર પકડવાની ઝૂંબેશ આદરે છે, જેને લઈને થોડા ઢોરની સંખ્યા ઓછી થતા સમસ્યા હળવી થાય છે. જોકે ચાલુ સાલ 'ઢોર જ ઢોર' શહેરમાં જોવા મળી રહ્યા છે. આમ છતાં હજુ સુધી પાલિકાએ ઢોર પકડવાની ઝૂંબેશ શરૂ કરી નથી.

આ અંગે મળતી માહિતી મુજબ પાલિકા જે પકડેલા રખડતા ઢોર ખડસુપા સ્થિત પાંજરાપોળ મોકલે છે, ત્યાં હાલ ઢોર લેવાની ના પાડવામાં આવે છે. બીજુ ગત વર્ષે રખડતા ઢોર માટે પાલિકાએ જગ્યાની માગ સરકાર પાસે કરી હતી, તે પણ ફાળવાઈ નથી. આ સ્થિતિમાં હાલ ચોમાસામાં રખડતા ઢોરની સમસ્યા 'હળવી' નહીં પરંતુ 'વકરી' છે.

કલેકટર પાસે જગ્યા માગી હતી
ગત 2018 ચોમાસામાં રખડતા ઢોરને લઈ શહેરમાં આક્રોશ વધી ગયો હતો અને મોરચા પણ પાલિકામાં આવ્યા હતા. જેને પગલે પાલિકાએ આ સમસ્યા કાયમી હલ કરવા રખડતા ઢોરને રાખવા જગ્યા ફાળવવા કલેકટર નવસારી સમક્ષ માગ કરી હતી પરંતુ કોઈક કારણસર હજુ જગ્યા પાલિકાને ફાળવાઈ નથી.

પાંજરાપોળ ગયા હતા પરંતુ ત્યાં જગ્યા જ નથી
રખડતા ઢોરની સમસ્યા હલ કરવા આજે પણ અમે પાંજરાપોળ ગયા હતા પરંતુ ત્યાં જગ્યા જ નથી. હવે અમે અન્ય વિકલ્પો વિચારી રહ્યા છે. - દશરથસિંહ ગોહિલ, સીઓ, નવસારી પાલિકા