2 August 2019

નવસારીમાં દિવાસાએ ઢીંગલાની શોભાયાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ


નવસારીમાં આજે ગુરૂવારે દિવાસાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. દાંડીવાડ વિસ્તારમાં એક સદીથી લલ્લુ મકન રાઠોડના ઘરેથી ઢીંગલાબાપાની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આજે ઢીંગલાબાપાની શોભાયાત્રા સાંજે નીકળી હતી. જેમાં આદિવાસી સમાજની સાથે સૌ જ્ઞાતિના લોકો દર્શનાર્થે આવ્યા અને માનતા પૂર્ણ કરી લોકો ધન્ય થયા હતા.

ઢીંગલાબાપાની શોભાયાત્રાનું આયોજન દિવાસાના દિને થાય છે. કોલેરા જેવા રોગથી લોકોના જીવ બચાવવા આદિવાસી સમાજ દ્વારા માનવીના કદનું પૂતળું બનાવીને શોભાયાત્રા કાઢવાની માનતા રાખી હતી, જે માનતાને પગલે લોકો સારા થયા હતા ત્યારથી દાંડીવાડ વિસ્તારમાં ઢીંગલાબાપાની શોભાયાત્રા કાઢવામાં આવે છે. આજે ગુરૂવારે લલ્લુ રાઠોડની ચોથી પેઢી રતિલાલ છના રાઠોડ પરિવાર દ્વારા ઢીંગલાબાપાના પૂતળુ બનાવીને શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સવારથી જ લોકો ઢીંગલાબાપાના દર્શનાર્થે આવ્યા હતા.

માનતાના રૂપે લોકોએ ઢીંગલાપાને રમકડા ચઢાવ્યા હતા. નવસારી સહિત આજુબાજુના વિસ્તારમાંથી લોક ઉમટી પડ્યા હતા. અહી મેળો પણ ભરાયો હતો. સાંજે ડી.જે.ના સથવારે નીકળેલી શોભાયાત્રા દાંડીવાડ થઇ કહારવાડ, ગોલવાડ, પરસીવાડ થઈ દાંડીવાડ ખાતે આવેલ દક્ષિણી પૂર્ણા નદીમાં વિસર્જન કરાયું હતું.